- યુદ્ધ સામગ્રી સાથેના 85 થી વધુ સ્થાનોને લક્ષ્યો બનાવી હુમલો કરાયો
National News
મધ્ય પૂર્વમાં વધેલા તણાવના જવાબમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાએ ઇરાક અને સીરિયા બંનેમાં મિલિશિયાના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા શરૂ કર્યા છે, આ ઈરાન સમર્થિત મિલિશિયા સામે વધુ નોંધપાત્ર હુમલાઓની શ્રેણીની શરૂઆત હોવાનું માનવામાં આવે છે. બે અમેરિકન અધિકારીઓએ આ જવાબી પગલાંની શરૂઆતની પુષ્ટિ કરી છે. ઈરાન સમર્થિત આતંકવાદીઓએ રવિવારે જોર્ડનમાં અમેરિકી સૈન્ય ચોકી પર ડ્રોન હુમલો કર્યા બાદ આ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. જેમાં 40 થી વધુ લોકો ઘાયલ થયા હતાં. રાષ્ટ્રપતિ જો બાઈડને શહીદ સૈનિકોના માટે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જવાબી કાર્યવાહી કરવામા માટે તૈયારી પણ દાખવી હતી જે બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
ઈરાની સમર્થિત મિલિશિયા સામે અગાઉ કરેલી કાર્યવાહી કરતાં આ કાર્યવાહી વધુ ઘાતક છે. આ હુમલાઓના કેન્દ્રમાં શસ્ત્રોના સંગ્રહ અથવા તાલીમને લગતી જગ્યાઓ હતી. નિષ્ણાતોનું માનવું છે કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા ઈરાન સાથે સંપૂર્ણ સ્તરે સંઘર્ષ ટાળવા માંગે છે. આ સાથે તે ઈરાન સમર્થિત મિલિશિયાના વધુ હુમલાઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુએસ સૈન્ય હવાઈ હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઈન સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી.
યુએસ દળોએ 125 થી વધુ યુદ્ધ સામગ્રી સાથે 85 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો. તે જ સમયે, સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સીરિયાના રણ વિસ્તારોમાં અને ઇરાકની સરહદ નજીક સ્થિત લક્ષ્યો પર અમેરિકન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.અમેરિકી સેનાએ ઈરાનની સરહદની અંદર કોઈ ટાર્ગેટને નિશાન બનાવ્યું નથી. પરંતુ અમેરિકાના જવાબી હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકા છે. ગાઝામાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે આ વિસ્તારમાં પહેલેથી જ તણાવની સ્થિતિ છે.