૮૦ ટકા કેસ નેગેટિવ, રિક્વરી રેટ ૧૭.૫ ટકા અને ડેથરેટ ૨.૫ ટકા
કોરોના વાયરસની મહામારી આરોગ્ય તંત્ર માટે વધુને વધુ અસમંજસ સર્જી રહી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિને લક્ષણો પણ ન દેખાતા હોવાની વાત વચ્ચે હવે આરોગ્ય તંત્ર દરેક શંકાસ્પદ દર્દીને કોરોના વાયરસનો દર્દી માની ઈલાજ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મુદ્દે તંત્રને કેન્દ્ર તરફથી આદેશ પણ મળી ગયા હોવાનું જાણવા મળે છે. જે વિસ્તારમાં સંક્રમિત દર્દીની સંખ્યા વધુ હશે તેની આસપાસની જગ્યાએથી જો કોઈ શંકાસ્પદ દર્દી મળી આવશે તો તેને કોરોનાનું પેસેન્ટ માની લેવાશે. એકંદરે તંત્ર કોરોના સામે વધુ તિવ્રતાથી પગલા ભરવા લાગ્યું છે.
તાજેતરમાં કેન્દ્ર તરફથી આરોગ્ય મંત્રાલયને કેટલીક તાકીદ કરવામાં આવી હતી. જે મુજબ ક્ધટેઈમેન્ટ એરીયા નજીકથી મળી રહેલા શંકાસ્પદ દર્દીઓમાં જો કોઈ લક્ષણો દેખાય નહીં તો પણ તેમની સારવાર કોરોના દર્દી ગણીને જ કરવામાં આવશે. ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે, દર્દીને કોઈપણ જાતના લક્ષણ દેખાતા નથી અને તેના કારણે અન્ય અનેક લોકોને ચેપ લાગતો હોય છે. આવા સંજોગોમાં આરોગ્ય મંત્રાલય માટે અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે. વર્તમાન સમયે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેની પાછળ કેટલાક લોકોની બેવકુફી કારણભૂત છે.
વર્તમાન સમયે કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ દર્દી સાજા થયા હોય તેની ટકાવારી ૧૭.૫ ટકાએ પહોંચી છે. બીજી તરફ ચેપ લાગ્યાથી મોતના કિસ્સા ૨.૫ ટકા છે. ૮૦ ટકા શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા હોય છે. દરમિયાન લક્ષણો ન દેખાતા હાલ કોરોના વાયરસના સંક્રમણની તિવ્રતા વધતા તંત્ર માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે. કોરોના વાયરસે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. દિન-પ્રતિદિન કેસ વધી રહ્યાં છે. અલબત સરકારે હવે કોરોનાના કેસની સંખ્યા પણ વધારી છે. કોરોનાના મુદ્દે સરકાર કોઈપણ જાતની ઉણપ રાખવા માંગતી નથી.
ગુજરાતમાં કોરોનાના કેસ ૨૫૦૦ નજીક પહોંચી ગયા છે. બુધવારે રાજ્યમાં ૨૩૯ નવા કેસ નોંધાયા હતા અને મોતનો આંકડો ૧૦૩ નજીક પહોંચી ગયો હતો. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા વધુ છે. અલબત સૌરાષ્ટ્રમાં કોરોનાનો પગપેસારો નહીંવત જણાય રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના કેસ નહીવત છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સમય સુચકતા અને સ્વયંમ શિસ્તના કારણે કેસ નોંધાયા નથી. હાલ ઘણા ગામડાઓમાં શહેરમાંથી આવતા લોકોને પ્રવેશવા દેવામાં આવતા નથી. યોગ્ય કાળજીઓ રખાય છે પરિણામે કેસ વધ્યા નથી.
- મહામારી લાંબી ચાલશે તેવા અંદાજે ઉદ્યોગો માટે રાહત પેકેજને બ્રેક લગાવાઇ
લોકડાઉનના કારણે પડી ભાંગેલા ઉદ્યોગોને બેઠા કરવા સરકારે રાહત પેકેજની જાહેરાત કરવાની તૈયારી કરી હતી. દરમિયાન કોરોનાના કેસની પેટર્ન પરથી આ મહામારી લાંબી ચાલશે તેવા સંકેતો મળ્યા હતા. પરિણામે અત્યારે રાહત પેકેજ અપાઈ જશે તો ભવિષ્યમાં વધુ આર્થિક મુશ્કેલીનો સામનો સરકારને કરવો પડશે તેવી ગણતરી માંડી રાહત પેકેજને રોક લગાવી દેવાઈ છે. હવે નાના અને મધ્યમ ઉદ્યોગોને લાંબાગાળા બાદ રાહત પેકેજ અપાશે તેવી ધારણા સેવવામાં આવી રહી છે. આ મામલે તાજેતરમાં વડાપ્રધાન મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામન વચ્ચે મહત્વની બેઠક મળી હતી. જેમાં કોરોના વાયરસના કારણે આર્થિક સેકટરને થઈ રહેલા નુકશાન અને તેને કઈ રીતે બેઠા કરવા તે અંગે ચર્ચા થઈ હતી.
- કોરોના સામેની લાંબી લડાઇ માટે સજ્જ રહેવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની તાકીદ
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ ગઇકાલે ચિંતા વ્યકત કરી હતી કે એશિયા મઘ્ય પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં આ સંક્રમણની દહેશત બરકરારે રહી છે. હાલની પરિસ્થિતિમાં વૈશ્ર્વિક પ્રસાશન ક્ષેત્રના વ્યવસ્થાપન અને વૈશ્ર્વિક પ્રવાસ શરુ કરવામાં પણ ખુબ જ સાવચેતી રાખવાની હિમાયત કરી હતી. વિશ્ર્વના ઘણા દેશો અત્યારે પણ આ મહામારીના પ્રથમ તબકકામાંથી પસાર થઇ રહ્યું છે. કેટલાંક
દેશોમાં અગાઉ ઘણા સમય પહેલાથી આ વાયરસનો પગપેસારો થઇ રહ્યો હતો અને હવે સંક્રમીત દર્દીઓ સામે આવી રહ્યા છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેકરોસ અધનોજા ગેલ્ડયસએ જીનીવામાં માઘ્યમોને કરેલા ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણે કોઇ ભૂલ કરવાની નથી હજુ કોરોના સામે લાંબો પંથ કાપવાનો છે. આ મહામારી જલ્દીથી આપણો પીછો છોડે તેમ નથી હતું. પશ્ર્ચિમ યુરોપમાં પરિસ્થિતિ જરાપણ સુધરી નથી. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ટોચના આયાતકાલિન નિષ્ણાંત ડો. માઇક રૈયાને વૈશ્ર્વિક પ્રસાવન પ્રવૃત્તિને જલ્દીથી ખોલવા સામે પણ ચેતવણી ઉચ્ચારીને જણાવ્યું છે કે વૈશ્ર્વિક પ્રવાસન અને પરિવહનમાં સાવચેતી રાખવાની જરુર છે કારણ કે અનેક રીતે જગત માટે જોખમી બની શકે છે. કોરોના માણસ જાતનો પીછો સહેલાઇથી છોડે તેવું લાગતું નથી.
- કોરોનાના કાળાનાગને ભારતે અંકુશમાં લેતા બિલ ગેટ્સએ મોદી ઉપર ફૂલડા વરસાવ્યા
કોરોના વાયરસની મહામારીને અટકાવવા માટે વિશ્ર્વના ટોચના વિકસીત અને વિકાસશીલ દેશો લગભગ નિષ્ફળ રહ્યાં છે. લાખો લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂકયા છે. આવી સ્થિતિમાં ભારતમાં વડાપ્રધાન મોદીના નેજા હેઠળ કોરોના વાયરસને અટકાવવા થયેલી કાર્યવાહીએ વિશ્ર્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે. કોરોનાનો ફેલાવો નિયંત્રીત કરવા માટે ભારતમાં થયેલી કામગીરીના ભરપુર વખાણ
માઈક્રોસોફટના સહસ્થાપક બિલ ગેટ્સ દ્વારા થયા છે. તેમણે વડાપ્રધાન મોદીએ કરેલા કામોને બિરદાવ્યા છે. તેમણે વડાપ્રધાન મોદીને ટાકીને કહ્યું હતું કે, તમારી આગેવાનીમાં લેવાયેલા બચાવના પગલા કોરોના વાયરસની તિવ્રતાને ઘટાડી રહ્યાં છે. વાયરસના સંક્રમણના કેસ ધીમે ધીમે ઓછા થશે તેવી આશા છે. લોકોના સ્વાસ્થ્ય માટે તમે લીધેલા પગલાથી હું કૃતજ્ઞ છું. અહીં નોંધનીય છે કે, ભારતમાં વસ્તીની દ્રષ્ટ્રિએ મેડિકલ સંશાધનની ઉણપ છે. અમેરિકા જેવા વિકસીત દેશમાં પણ કોરોનાને કાબુમાં લેવા સરકાર ઉંધામાથે થઈ હોય ત્યારે ભારતમાં લોકોના સ્વયં શિસ્ત અને સરકારની મક્કમતાએ કોરોનાને રોકવામાં મહદઅંશે સફળતા મળી છે.