જનભાગીદારીના કામો માટે અપાતી ગ્રાન્ટના નિયમોના સંદર્ભે રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓને બોલાવ્યા: શહેર ભાજપ પ્રમુખ પણ સાથે ઉપડ્યા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાકીદે ગાંધીનગર બોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓની સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પણ ગાંધીનગર ઉપડ્યા છે. બપોરે 4:00 કલાકે સીએમ ઓફિસ ખાતે કોર્પોરેશનના પદાધિકારીઓ અને સીએમ વચ્ચે બેઠક યોજાશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત મહિને કોર્પોરેશનના પદાધિકારીઓ અને ભાજપના તમામ કોર્પોરેટરો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત માટે ગાંધીનગર ગયા હતા. તે વેળાએ પદાધિકારીઓ સીએમનું ધ્યાન દોર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જનભાગીદારીના કામો માટે કોર્પોરેશનને અપાતી ગ્રાન્ટ સમયસર મળતી નથી. જેના કારણે વિકાસકામો પર વિપરિત અસરો પડી રહી છે. આ અંગે સીએમએ સચિવ પંકજ કુમારનું ધ્યાન દોરવા તાકીદ કરી હતી. જો કે, તે દિવસે સચિવ હાજર ન હોવાના કારણે તેઓની સાથે વાતચિત થઇ શકી ન હતી.
દરમિયાન ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે આ અંગે મુખ્યમંત્રીનું વારંવાર ધ્યાન દોર્યું હતું. દરમિયાન ગઇકાલે સાંજે સીએમ કાર્યાલય ખાતેથી મેયર ડો.પ્રદિપભાઇ ડવને ફોન આવ્યો હતો અને આજે બપોર સુધીમાં મુખ્યમંત્રીને મળવા માટે ગાંધીનગર પહોંચી જવાની સૂચના આપવામાં આવી હતી. સવારે મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ ગાંધીનગર દોડી ગયા છે. જનભાગીદારીના કામો માટે હાલ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાં એવો નિયમ છે કે અલગ-અલગ કામોની યાદી બનાવી કુલ રકમનો એસ્ટીમેન્ટ સાથેનો ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ સરકાર પોતાના હિસ્સાની 20 ટકા રકમ કામ વાઇઝ આપતી હોવાના કારણે જેટલા કામો સૂચવવામાં આવતા હોય છે. તે તમામ કામો પૂર્ણ થતા નથી અને શાસકોએ લોકરોષનો ભોગ બનવું પડે છે.
આ નિયમમાં સુધારો કરવા માટે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરવામાં આવશે. જૂના નિયમમાં ફેરફાર કરી હવે નવો નિયમ બનાવવામાં આવે કે જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જનભાગીદારીના કામો કર્યા બાદ તેમાં થયેલો ખર્ચ અને સરકારનો હિસ્સો માંગવા માટે ઠરાવ કરી સરકારને મોકલે અને સરકાર તમામ રકમો ભરપાઇ કરે. અવાર-નવાર અલગ-અલગ પ્રશ્ર્નોની રજૂઆત કરવા માટે પદાધિકારીઓ ગાંધીનગર દોડી જાય છે પરંતુ તેમાં તેઓને ધારી સફળતા મળતી નથી. હવે જોવાનું રહે છે કે આજની મુલાકાત બાદ સીએમ માત્ર ખાતરી આપે છે કે નિયમમાં ફેરફાર પણ કરે છે?