જીલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને પત્ર લખ્યો
તાજેતરમાં ગેરકાયદેસર રીતે આગ અકસ્માત નિવારણ માટે સુરક્ષા નિયમોની અવગણના કરી ચાલતા ટ્યુશન કલાસીસમાં ગંભીર આગ અકસ્માતનો બનાવ બનેલ છે જેના કારણે નાના બાળકો અને વિદ્યાર્થીઓ ભયજનક સ્થિતિમાં મુકાય છે જેથી શાળાઓમાં પુરતી કાળજી લેવા તમામ શાળાના આચાર્ય અને સંચાલકને પુરતી તકેદારી લેવા માટે જીલ્લા શિક્ષણાધિકારીએ તાકીદ કરી છે.
મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીએ મોરબી જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલક અને આચાર્યને પત્ર પાઠવી જણાવ્યું છે કે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાના સંચાલક તેમજ આચાર્યને વિવિધ સુરક્ષા અંગેની ચકાસણી કરીને અહેવાલ મદદનીશ શિક્ષણ નિરીક્ષકને પહોંચાડવા જણાવ્યું છે શાળા સલામતી અંગે જણાવ્યું છે કે શાળાનું મકાન કે જેમાં વર્ગખંડો, લેબોરેટરી, લાયબ્રેરી, કોમ્પ્યુટર રૂમમ, પાણીની રૂમ શૌચાલય કે અન્ય પ્રકારના બાંધકામ જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતો હોય તે બાંધકામ જોખમી નથી તેની ચકાસણી કરી લેવાની રહેશે ફાયર સેફ્ટીના સાધનો દ્વારા શાળા મકાનની જરૂરીયાતને ધ્યાનમાં રાખી પુરતી સંખ્યામાં વસાવવાના રહેશે અને તેનું રીફીલીંગ તેમજ ઇન્સ્પેકશન નિયમિત સમયાન્તરે કરાવી લેવાનું રહેશે.
શાળા સલામતીના નોર્મ્સ મુજબ દરેક શાળાએ આ સાથેના એનેક્ષર એ માં દર્શાવેલ કાર્યવાહી કરીને શાળાનું સેફટી ઓડીટ કરવાનું રહેશે શાળા મકાનની આજુબાજુ અથવા ઉપર નીચે જોખમ ઉભું કરે તેવા વ્યવસાયિક એકમ, ગોડાઉન, વાણીજ્ય પ્રવૃત્તિ અથવા અન્ય પ્રવૃતિઓથી શાળા મુક્ત અને સલામત છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને ભયજનક હોય તેવી શાળાનો કોઈપણ ભાગ ઉતારી લેવાનો રહેશે ભયજનક બાંધકામ વાળા રૂમમાં વિદ્યાર્થીને બેસાડી શકાશે નહિ મુખ્ય રસ્તાઓ પર શાળાના દરવાજા હોય તો શાળામાં વિદ્યાર્થીઓને આવતા અને જતા કોઈ અકસ્માત ના થાય તે અંગેની જરૂરી વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટશન બાબતે સલામતીની વ્યવસ્થા શાળાએ કરવાની રહેશે.