કુલ ૨૧૭૮ બુથ પર ૧૮ લાખ મતદારોની મતદાનની વ્યવસ્થા કરાઈ
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા.૨૩ એપ્રિલે મતદાન યોજાનાર છે. સુરેન્દ્રનગર લોકસભા ચુંટણીમાં ૨૧૭૮ બુથ પર ૧૮ લાખ મતદારોની મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના મતદાન મથકોમાં પ્રીસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, ફર્સ્ટ પોલીંગ ઓફિસર સહિત અંદાજે ૫ હજારથી વધુ સરકારી કર્મચારીઓને ચુંટણીલક્ષી કામગીરીની તાલીમ આપવાનું આયોજન જિલ્લા ચુંટણી વિભાગ દ્વારા કરાયું છે. મતદાન સમયે જિલ્લાના ૧૫૩૬ મતદાન મથકો પર ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમનું આયોજન વિધાનસભા બેઠક વાઈઝ કરાયું હતું.
પરંતુ અમુક મતદાન કેન્દ્રો પર ટોયલેટ, રેમ્પ, વિજળી સહિતની સુવિધા ન હોવાનું ધ્યાને આવ્યું છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની ૧૦૦થી વધુ મતદાન કેન્દ્રો પર આવેલી શાળાના આચાર્યોને નોટીસો આપવામાં આવી છે. જેમાં ચુંટણી વિભાગ દ્વારા શાળાના આચાર્યોને ખુટતી સુવિધાની પૂર્તતા કરી તેને અહેવાલ આપવાની તાકીદ કરવામાં આવતા દોડધામ મચી છે.
આ અંગે નાયબ ચુંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાન મથકો પર ટોયલેટ, રેમ્પ, વિજળી, ફર્નિચર વગેરેની વ્યવસ્થા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ સુવિધા ઉપલબ્ધ ન હોય તેવા કેન્દ્રો માટે તાલુકા મથકો પર જાણ કરવામાં આવી છે. આગામી મતદાન પહેલા આ તમામ કેન્દ્રો પર સુવિધા ઉભી કરવા તાકીદ પણ કરવામાં આવી છે.