અબતક, નવી દિલ્હી
અફઘાનિસ્તાન સંકટ વચ્ચે બ્રિક્સ દેશોની બેઠક યોજાઈ હતી. પીએમ મોદીએ શિખર સંમેલનની અધ્યક્ષતા કરતા કહ્યુ કે, અમે બ્રિક્સ આતંકવાદ-વિરોધી કાર્ય યોજના અપનાવી છે. ડિજિટલ માધ્યમથી થયેલી આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાઇર બોલસોનારા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત હતા.
બ્રિક્સ દેશો તરફથી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અફઘાનિસ્તાનની હાલની ઘટનાઓ પર ચિંતાની સાથે નજર રાખી રહ્યાં છીએ. અમે સ્થિરતા, શાંતિ, કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક આંતર-અફઘાન સંવાદની જરૂરિયાત પર ભાર મુકીએ છીએ. બ્રિક્સે કહ્યું કે અમે હિંસાથી દૂર રહેવાનો અને પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે આહ્વાન કર્યું છે.
બ્રિક્સે કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈ અન્ય દેશની વિરુદ્ધ હુમલો કરવા અને માદક પદાર્થની તસ્કરી માટે ન કરવો જોઈએ. આતંકવાદના બધા રૂપો અને અભિવ્યક્તિઓની આકરી નિંદા કરીએ છીએ, ભલે તે ગમે ત્યાં, ગમેત્યારે અને કોઈ દ્વારા કરવામાં આવ્યું હોય. અમે માનવીય સ્થિતિ પર ધ્યાન આપવા અને અલ્પસંખ્યકો સહિત બધાના માનવાધિકારોના સંરક્ષણની જરૂરીયાત પર ભાર આપીએ છીએ.
બ્રિક્સે કહ્યુ કે અમે આતંકવાદનો સામનો કરવા અને આતંકવાદ માટે અનુકૂળ કટ્ટરપંથનો મુકાબલો કરવાના સંબંધમાં બેવડા માપદંડોને નકારીએ છીએ. ધ્યાનાં રહે કે ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાનના પંજશીરને છોડી બાકી દેશ પર તાલિબાનનો કબજો થઈ ગયો છે. ત્યારબાદ સાત સપ્ટેમ્બરે તાલિબાને વચગાળાની સરકારની જાહેરાત પણ કરી છે.
મહત્વનું છે કે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) દેશ દર વર્ષે શિખર સંમેલનનું આયોજન કરે છે અને એક બાદ એક તેની અધ્યક્ષતા કરે છે. ભારત આ વર્ષ માટે બ્રિક્સનું અધ્યક્ષ છે.
“તાલિબાની કબજા”થી લાખો નિર્દોષ અફઘાન નાગરિકોને ભૂખમરાથી બચાવવા જોઈએ : યુએન સેક્રેટરી
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે વાતચીત ચાલુ રાખવા વિનંતી કરી હતી. તેમજ ચેતવણી આપી હતી કે લાખો લોકોના મૃત્યુ સાથે આર્થિક પતન ટાળવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે તાલિબાન સાથે વાતચીત જાળવી રાખવી જોઈએ, જેમાં આપણે સીધા જ આપના સિદ્ધાંતોની પુષ્ટિ કરીએ છીએ. ગુટેરેસે કહ્યું કે જેઓ ખૂબ પીડાઈ રહ્યા છે અને જ્યાં લાખો લોકોને ભૂખમરાનું જોખમ છે તેમની સાથે અમારી એકતા વધારવી આપણી ફરજ છે.સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે કહ્યું કે વાતચીતમાંથી શું બહાર આવશે તેની કોઈ ગેરંટી નથી, પરંતુ ચર્ચા જરૂરી છે. તે જ સમયે, તેમણે કહ્યું કે જો આપણે ઈચ્છીએ કે અફઘાનિસ્તાન આતંકવાદનું કેન્દ્ર ન બને, મહિલાઓ અને છોકરીઓને આપવામાં આવેલા તમામ અધિકારો ગુમાવે નહીં અને વિવિધ વંશીય જૂથો તેમનું પ્રતિનિધિત્વ અનુભવી શકે, તો સંવાદ જરૂરી છે. ગુટેરેસે કહ્યું કે અમારી અત્યાર સુધીની ચર્ચાઓમાં, વાત કરવા માટે ઓછામાં ઓછી એક ગ્રહણશક્તિ છે, જે પરિસ્થિતિ યોગ્ય હોય તો એક દિવસ અફઘાનિસ્તાન જવાનું નકારતું નથી.
સાઉદી અરબ તાલિબાનના સમર્થનમાં : જરૂર પડ્યે મદદ કરવાની પણ જાહેરાત
અફઘાનિસ્તાનમાં નવા તાલિબાનના શાસન પ્રત્યે પોતાની પ્રથમ પ્રતિક્રિયાના રૂપમાં સાઉદી અરબે કહ્યું હતું કે તેને આશા છે કે એક કાર્યવાહક સરકારના આગમનથી યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રને સ્થિરતા પ્રાપ્ત કરવા અને હિંસા-ઉગ્રવાદ પર કાબૂ મેળવવામાં મદદ મળશે. સાઉદી અરબ બહારના હસ્તક્ષેપથી દૂર, પોતાના દેશના ભવિષ્ય વિશે અફઘાન લોકો દ્વારા કરવામાં આવેલા વિકલ્પોનું સમર્થન કરશે. સાઉદી અરબના વિદેશમંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સઉદે આ વાત કહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તે મુશ્કેલ સમયમાંથી નીકળવા માટે પણ તાલિબાનને મદદ કરશે.સાઉદીની રાજધાની રિયાદમાં ફૈસલ બિન ફરહાને કહ્યું હતું કે આશા છે કે અફઘાનિસ્તાનમાં કાર્યવાહક પ્રશાસનનું ગઠન સુરક્ષા અને સ્થિરતા પ્રાપ્ત કરવા, હિંસા-ઉગ્રાવાદને ફગાવીને આકાંક્ષાઓને અનુરૂપ એક ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની દિશામાં એક યોગ્ય પગલું હશે.