શહેરમાં પીવાના પાણીનું એકત્રીકરણ, શુદ્ધિકરણ અને વિતરણનું સમગ્ર માળખું વધુ મજબુત અને સમૃદ્ધ બને તે માટે હાલ મહાપાલિકા દ્વારા જેટકો ચોકડી પાસે અને રૈયાધાર ખાતે બની રહેલા નવા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કાલાવડ રોડ પર આત્મીય કોલેજની બાજુમાં બની રહેલ નવા ઈ.એસ.આર.ની કામગીરી સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે આ ત્રણેય પ્રોજેક્ટ્સ સાઈટ્સની મુલાકાત કરી હતી. આ ઉપરાંત રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુધ્ધ કરવા માટે થતી પ્રક્રિયા વિશે પણ માહિતી મેળવી હતી.
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈએસઆર પ્રોજેકટનું કામ
જેટકો ચોકડી અને રૈયાધાર ખાતે બની રહેલા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કાલાવડ રોડ પર નિર્માણાધીન ઈએસઆરની કામગીરીની સમીક્ષા કરતા અમીત અરોરા
વોર્ડ નં.-10માં કાલાવડ રોડ, આત્મીય કોલેજની બાજુમાં, હૈયાત ઈ.એસ.આર.ની બાજુમાં, 30 લાખ લિટર કેપેસિટીનાં નવાં ઈ.એસ.આર. તથા તેને સંલગ્ન ન્યારી ફિલ્ટર પ્લાન્ટ થી ન્યારી ઈ.એસ.આર. સુધી, 914 મી.મી. વ્યાસની 650 મીટર લંબાઈની એમ.એસ. પાઈપ લાઈન નાખવાનું કામ હાલ ચાલી રહયું છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂા.4.44 કરોડ છે. આ પ્રોજેક્ટથી વોર્ડ નંબર 2, 7, 8, 11 અને 12નાં પાર્ટમાં આશરે 1.50 લાખ લોકોને તેનો લાભ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટથી પૂરતા દબાણથી પાણી સુવિધા મળશે. પાણી સ્ટોરેજની કેપેસિટીમાં વધારો થવાથી વધુ વિસ્તાર તેમાં ભવિષ્યમાં સમાવિષ્ઠ થઈ શકે. નવી એમ. એસ. લાઇન નાખવાથી લાઇન લીકેજનાં પ્રમાણમાં ઘટાડો થશે.
સરકારની “અમૃત” યોજના અંતર્ગત વેસ્ટ ઝોનનાં મવડી વિસ્તાર વોર્ડનં.12માં જેટકો ચોકડી ખાતે 50 એમએલડી ક્ષમતાનો સ્કાડા ટેકનોલોજી આધારિત આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંદાજીત રૂા.42.50 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહયો છે. આ પ્લાન્ટ ઝીરો લીકવીડ ડિસ્ચાર્જ પ્રકારનો બનાવવાનો હોય, જેમાં ફિલ્ટર બેડને બેક-વોશ કરતાં તેમાંથી નીકળતું બેક-વોશનું પાણી ફરીથી રી-સાયકલ કરી ઉપયોગ લેવામાં આવશે.
આ પ્લાન્ટ આધુનિક સ્કાડા ટેકનોલોજી આધારિત ઓટોમેશન પદ્ધતિથી કાર્યરત રહેશે. તેનો લાભ વોર્ડ-11 તથા 12નાં વિકાસ પામી રહેલ નવા ભળેલાં મવડી વિસ્તાર તથા ટી.પી.સ્કીમ નં.25, 26, 27 તેમજ વાવડી વિસ્તારનાં હાલમાં અંદાજીત 80,000 શહેરીજનો તથા ભવિષ્યની સને-2032ની અંદાજીત ગણતરી મુજબ 2.40 લાખ શહેરીજનોને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાઈપ લાઈન દ્વારા પાણી પુરૂ પાડવાં માટે લાભ મળશે.
દરમ્યાન રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કેમ્પસમાં 50 એમ.એલ.ડી. ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહયો છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ.29.70 કરોડ જેવો છે. આ પ્લાન્ટ પણ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્રકારનો બની રહયો છે. આ પ્રોજેક્ટ હેઠળ 3 એમ.એલ. ક્ષમતાના ઈ.એસ.આર. અને 18.6 એમ.એલ. ક્ષમતાના જી.એસ.આર. બની રહયા છે. આ પ્રોજેક્ટથી વોર્ડ નંબર 1, 8, 9, 10 તથા 13 નાં પાર્ટમાં આશરે 2.40 લાખ જેટલી વસતિને લાભ થશે.
વધુમાં, મ્યુનિ. કમિશનરે રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીની શુદ્ધીકરણની પ્રક્રિયા નિહાળી હતી અને કેમિસ્ટ એ. બી. જાડેજા પાસેથી પુરક માહિતી પ્રાપ્ત કરી હતી જેમાં વેક્યુમ ફીડ કલોરીનેશન સિસ્ટમની માહિતીનો પણ સમાવેશ થતો હતો. આ સિસ્ટમ મુજબ વીએફસીમાં પાણીની મોટર વડે વેક્યુમ ઉત્પન્ન કરી ક્લોરીન ટનરમાંથી ક્લોરીન ગેસ ખેંચવામાં આવે છે ત્યારબાદ રેગ્યુલેટર વડે મીક્ષિંગ ચેમ્બરમાં પાણી સાથે ક્લોરીન ગેસને મીક્ષ કરી ક્લોરીન વોટર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ પ્રિ-કલોરીનેશન તથા પોસ્ટ કલોરીનેશન માટે કરવામાં આવે છે.
વેક્યુમ ઉત્પન્ન થયા બાદ જ ક્લોરીન ટનલમાંથી ક્લોરોન ગેસ આગળ વધારો હોય, ક્લોરીન લીકેજના અકસ્માત નહીવત થવા પામે છે. તેમ છતાં અકસ્માતે ક્લોરીન લીકેજની ઘટના સમયે ઓટો શટ ઓફ વાલ્વ સિસ્ટમ હોવાના કારણે ક્લોરીન ટનલ પરનો વાલ્વ એર મોટર વડે બંધ થઇ જતા ક્લોરીન લીકેજ તુરંત કાબુમાં આવી જાય છે. તદ્ઉપરાંત સ્ક્રબર સિસ્ટમ હોવાના કારણે જે થોડી માત્રામાં ક્લોરીન ગેસ લીકેજ થતો હોય તે સ્ક્રબર સિસ્ટમમાં શોષાઈ જઈને ન્યુટ્રલાઇઝ થઇ જાય છે. આમ, ક્લોરીન લીકેજ સામે ત્રી-સ્તરીય સલામતી ઉપાયોના કારણે કલોરીનેશન પ્રક્રિયા એકદમ સલામત થઇ જાય છે.