ગુજરાત લાયન્સના જકાતી, પોલીસ કમિ. ગેહલૌત, મ્યુ.કમિ. પાનીની પ્રેરક ઉપસ્થિતિ
સ્વ.બળવંતભાઈ મહેતા જીલ્લા પંચાયત તથા રિકીએશન કલબના સંયુકત ઉપક્રમે આયોજીત આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. તમામ જીલ્લાઓ વચ્ચે ભાઈચારો તથા સ્વાસ્થ્ય અને રમત પ્રત્યે જાગૃતી વધે તે હેતુથી આયોજીત આ ટૂર્નામેન્ટનું માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું છે. ટૂર્નામેન્ટમાં ૨૮ ટીમોએ ભાગ લીધો છે. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજય વિકાસ કમિશનર મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુ.કમિશનર બંછાનિધી પાની તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટ જીલ્લા વિકાસ અધિકારી પંડયાની આગેવાની હેઠળ યોજાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ગુજરાત લાયન્સ ટીમના કેપ્ટન સુરેશ રૈના અને બોલર જકાતી ઉપસ્થિત રહ્યા હતા. આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓને શુભકામના પાઠવતા સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે ગુજરાત લાયન્સ ટીમને લોકો ફરી એક વખત સપોર્ટ કરશે એવી આશા છે. નાનપણમાં અમે પણ આવી જ ટુર્નામેન્ટમાં રમતા હતા. શકય છે કે નાની ટુર્નામેન્ટમાં રમનાર ખેલાડી પણ આવનારા સમયમાં ઈન્ડિયાને રીપ્રેઝેન્ટ કરે. આવી ટુર્નામેન્ટ જોશ પેદા કરે છે અને જો તમે ડીસીપ્લીનમાં ગેમ રમો અને જીતો તો એની અલગ જ મજા છે. ગુજરાત રાજય વિકાસ કમિશનર મનોજ અગ્રવાલે ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ખેલદિલી સાથે ભાગ લઈ જિલ્લા પંચાયતો વચ્ચે ભાઈચારાનું વાતાવરણ ઉભુ કરવા ૨૬મો સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં જિલ્લા પંચાયતની ૨૮ ટીમોએ ભાગ લીધો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીં આવનાર ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી કંઈકને કંઈક નવુ અને સારુ શીખીને પોતાના જિલ્લામાં જાય છે ત્યારે એક નવી જ સીરીઝ ચાલુ થાય છે એટલે દર વર્ષે ખાસ કરીને શારીરિક ફેટનેટને ધ્યાનમાં રાખી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.