નાના બાળકોથી લઈ યુવાનોએ ઉત્સાહભેર લીધો ભાગ: ૮, ૧૨ અને ૨૧ કિ.મી.ની યોજાઈ સ્પર્ધા
પ્રજાસત્તાક દિવસ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઈકલોથોન અને સાઈકલો કિડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જીનીયસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મનપા દ્વારા રવિવારના રોજ વહેલી સવારના સાઈકલોથોન અને સાઈકલો ક્ડિસનું વિશેષ આયોજન કર્યું હતું. જેમાં ૧૨ નાના બાળકોથી લઈ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ૮, ૧૨ અને ૨૧ કિ.મી. માટે યોજાયો હતો. સ્પર્ધામાં તમામ સ્પર્ધકો કે જેણે નિર્ધારીત કરેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો તે સૌને મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે રાજકોટ મહાનગરપાલિકા મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે પણ સાયકલ ચલાવી સાયકલ અંગેની જાગૃતતા કેળવી હતી.
પ્રજાસતાક પર્વ ૨૦૨૦ની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ શહેરમાં કરવામાં આવે છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ શ્રેણીબધ્ધ કાર્યક્રમોનં આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તારીખ: ૧૯-૦૧-૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ રેન્ડોનીયર્સ, એક્રોલોન્સ ચિલ્ડ્રન ક્લબ અને જીનિયસ ગ્રુપ વિગેરેના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષ ખાતે સાઈકલોકીડ અને સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨ કી.મી. ની સાઈકલોકીડમાં અંદાજે કુલ ૨૦૦૦ બાળકો અને ૨૫ કી.મી. ની સાઈકલોથોનમાં અંદાજે ૪૦૦ જેટલા વયસ્કોએ ભાગ લીધો હતો. આ સાથે મ્યુનિ. કમિશનરઉદિત અગ્રવાલ અને નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી પણ સાઈકલોથોનમાં ભાગ લોધો હતો. આ કાર્યક્રમાં ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, નાયબ મ્યુનિ, કમિશનર ચેતન નંદાણી, ચેરમેન જીનિયસ ગ્રુપ ડી.વી. મહેતા, ઇવેન્ટ કો-ઓર્ડીનેટર પરેશભાઈ બાબરીયા, પરાગભાઈ તન્ના, શ્રીકાંતભાઈ તન્ના અને વિજયભાઈ દોંગા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેનએ જણાવ્યું હતું કે, આપણું શહેર માત્ર ભારત દેશમાં જ નહી પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની એક નવી ઈમેજ રચવા આગળ ધપી રહયું છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરના ભૌતિક વિકાસની સાથોસાથ સામાજિક, રચનાત્મક અને પર્યાવરણ ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી રાજકોટને શ્રેષ્ઠ શહેર બનાવવા સતત પ્રયાસ કરી રહી છે. શહેરીજનો સાઈકલીંગ જેવા નોનમોટરાઈઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછું કરવામાં સહયોગી બને તેવા આશય સાથે સાઈકલોથોન યોજવામાં આવેલ છે, તે બદલ તમામ સંસ્થાને ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ.
વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, પ્રજાસતાક પર્વ ૨૦૨૦ ની ઉજવણી નિમિતે આજનો આ કાર્યક્રમ રાજકોટની રંગીલી જનતા માટે રાખવામાં આવ્યો છે, રાજકોટવાસીઓનો આ ઉત્સાહ જોઈને એમ કહી શકાય કે, રાજકોટ ખરેખર રંગીલું શહેર છે. રાજકોટ મહાનગરપાલિકા વિકાસની સાથોસાથ રચનાત્મક પ્રવૃતિઓ પણ હાથ ધરીને રાજકોટની એક નવી ઓળખ ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સાઈકલનો ઉપયોગ કરવાથી શરીરને અને પર્યાવરણને ખુબ જ ફાયદા થાય છે, આમ પણ સાઈકલીંગ વ્યક્તિની તંદુરસ્તી માટે આશીર્વાદરૂપ ગણાય છે.
આ કાર્યક્રમ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે સવારે ૦૬:૦૦ કલાકે યોજવામાં આવ્યો હતો, જેનું ફ્લેગ ઓફ ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રાવત, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
સાયકલોકીડ અને સાઈકલોથોનમાં બે કેટેગરી રાખવામાં આવી હતી, જેમાં એક કેટેગરીમાં ૮ થી ૧૨ વર્ષના બાળકો માટે ૧૨ કિ.મી. ની રાખવામાં આવી હતી, જ્યારે બીજી કેટેગરીમાં વયસ્કો માટે ૨૫ કિ.મી.ની સાયકલોથોન રાખવામાં આવી હતી. આ કાર્યક્રમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, આ ઉપરાંત તમામ ભાગ લેનાર સ્પર્શકને એનર્જી માટે નાસ્તો, જ્યુસ અને ચોકલેટ પણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે સાઈકલોકીડમાં ભાગ લેનાર સ્પર્ધકોના લક્કી ડ્રો કરી ૧૫ લક્કી સ્પર્ધકોને સાઈકલ આપવામાં આવી હતી અને ૧૫૦ જેટલા સ્પર્ધકોને ગીફ્ટ પુરષ્કાર પણ આપવામાં આવી હતી.