વિકાસ કાર્યો માટે પર્યાવરણની મંજૂરી હવે સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે મળી રહેશે
એકતાનગર ખાતે બે દિવસ પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય કોન્ફરન્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું છે. અને વિશેષ સંબોધન પણ કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એકતાનગર વન અને પર્યાવરણ ક્ષેત્રે એક તીર્થ બની ગયું છે. આગામી 25 વર્ષ માટે દેશ નવા લક્ષ્યો નક્કી કરવા જઈ રહ્યો છે. નવા વિચાર, નવા ભારત અને નવા એપ્રોચની સાથે ભારત દેશ આગળ વધી રહ્યો છે. ભારત ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થા તરફ વધી રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા પણ મજબુત થઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, પર્યાવરણ કલીયરન્સ નામ પર દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને અનેક વખત ઉલજાવવામાં આવ્યું હતું.
એટલુંજ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્બન નક્સલીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. પર્યાવરણ મંત્રીઓની વિશેષ કોન્ફરન્સમાં તેઓએ જણાવ્યું કે, રાજકીય પીઠબળ ધરાવતા અર્બન નક્સલીઓએ ઘણા વર્ષો સુધી વિકાસ કાર્યોને રોકીને રાખ્યા હતા. પરંતુ હવે આ પરિસ્થિતિ અલગ છે. આ મુદ્દે તેઓએ ઉમેર્યું હતું કે, રાજકીય રીતે સમર્થિત શહેરી નક્સલીઓ અને વિકાસ વિરોધી તત્વોએ ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના નિર્માણને ઘણા વર્ષો સુધીને રોકીને રાખ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે આ ડેમ બનીને તૈયાર છે, જે લોકોની તકલીફોને દૂર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ આઝાદી બાદ તરત જ કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે આ કાર્ય માટે ખુબજ મોટી ભૂમિકા ભજવી હતી અને પંડિત જવાહરલાલ નહેરુંએ ડેમનો શિલાન્યાસ કર્યો હતો, પરંતુ તમામ અર્બન નક્સલીઓ મેદાનમાં આવી ગયા હતા. આ અભિયાન પર્યાવરણ વિરોધી છે એવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ તેઓએ ઉમેર્યું હતું કે નેહરુજીએ જે કામ શરૂ કર્યું હતું તે મારા આવ્યા પછી પૂરું થયું.
હાલ પર્યાવરણ ને લઈ ઘણા ખરા પ્રશ્નો પણ ઊભા થયા છે ત્યારે સરકારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સિંગલ વિન્ડો સિસ્ટમ પણ બનાવી છે જ્યાં હવે દરેક પ્રકારની પર્યાવરણને લગતી મંજૂરીઓ એક જ સ્થળેથી મળી રહેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પરિવેશ પોર્ટલ એ તમામ પ્રકારની પર્યાવરણ મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ છે. અગાઉ ક્લિયરન્સ મેળવવામાં 600 દિવસથી વધારે સમય લાગતો હતો. આજે માત્ર 75 દિવસમાં કામ થઈ જાય છે. પર્યાવરણની મંજૂરી આપવામાં નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને જે તે વિસ્તારના લોકોના વિકાસનું પણ ધ્યાન રાખવામાં આવે છે.