ઓપન એર થિયેટર, સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગજેબો, પ્લે ગ્રાઉન્ડ, એક્ઝિબીશન એરીયા, પ્લેટફોર્મ, એન્ટ્રી ગેઈટ સહિતના સિવિલ અને બ્યુટીફીકેશન વર્ક માટે રૂા.૭.૬૮ કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
કોરોનાના કપરાકાળ વચ્ચે શહેરીજનો માટે એક સારા સમાચાર મળી રહ્યાં છે. હરવા-ફરવાના શોખીન અને ઉત્સવઘેલા રંગીલા રાજકોટવાસીઓ માટે કોર્પોરેશન દ્વારા આજી ડેમ પાસે ૪૭ એકર જમીનમાં હર્બન ફોરેસ્ટ બનાવવામાં આવનાર છે. આ માટે સિવિલ વર્ક અને બ્યુટીફીકેશનની કામગીરી કરવા રૂા.૭.૬૮ કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૩૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટવાસીઓને શહેરના ટ્રાફિક અને પ્રદુષણથી દૂર એક રમણ્ય અને કુદરતી વાતાવરણમાં ફરવા લાયક સ્થળ મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૫માં આજી ડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં સર્વે નં.૨૩૭ પૈકીની નેશનલ હાઈ-વે નજીકની આશરે ૪૭ એકર જમીન પર અર્બન ફોરેસ્ટ વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અર્બન ફોરેસ્ટમાં કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ, એડમીન ઓફિઇ, સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગજેબો, કુદરતી પાણીના સ્ત્રોતનું નવીનીકરણ, પાથ-વે, પુલ, રેલીંગ, પાણીના પરબ, ટોયલેટ બ્લોક, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ એરીય, એક્ઝિબીશન એરીયા, પ્લેટફોર્મ, જુદા જુદા પથ્થરોના અને મટીરીયલનો ઉપયોગ કરી પાથ-વે, ઓપન એર થિયેટર, વિવિધ પ્રકારની બેન્ચિસ, રોડ જંકશન, આઈલેન્ડ, સોલાર લાઈટ અને એન્ટ્રી ગેઈટ સહિતનું સિવિલ તથા બ્યુટીફીકેશન વર્ક કરવામાં માટે રૂા.૮.૮૩ કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ત્રણ એજન્સીઓ દ્વારા ટેન્ડર રજૂ કરાયું હતું. સરદાર ક્ધટ્રકશન દ્વારા મહાપાલિકાએ જે ટેન્ડર પ્રસિધ્ધ કર્યું હતું તેમાં ૧૨.૯૯ ટકા ઓછા ભાવે કામ કરી આપવાની ઓફર આપી છે. અન્ય એજન્સી વિનય ઈન્ફાટેક પ્રા.લી. ૬.૦૧ ટકા ઓછા ભાવે અને ગાંધીનગરની દેવર્ષ ક્ધટ્રકશન કંપનીએ ૨.૨૯ ટકા વધુ ભાવે કામ કરવાની ઓફર આપી હતી. અર્બન ફોરેસ્ટનું કામ સરદાર ક્ધટ્રકશન કંપનીને ૧૨.૯૯ ટકા ઓછા ભાવે આપવા માટે રૂા.૭.૬૮ કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
મહાપાલિકામાં આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૩૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
જેમાં ડીઆઈ પાઈપ લાઈન નાખવા, ડ્રેનેજ ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે.
શિતલ પાર્કથી જામનગર રોડ સુધીનો રસ્તો પહોળો કરાશે
માધાપર ચોકડી પરનું ટ્રાફિકનું ભારણ ઘટાડવા ૧૫૦ ફૂટ રીંગરોડને પેરેલલ આશરે ૧ કિ.મી.નો ૯ મીટરનો હયાત રોડ ૧૨ મીટર સુધી પહોળો કરવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરાશે
શહેરના વિસ્તાર અને વિકાસ સાથે સતત ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. મહાપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અલગ અલગ રાજમાર્ગોને સમયાંતરે પહોળા કરવામાં આવી રહ્યાં છે. માધાપર ચોકડી ખાતે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ૧૫૦ ફૂટ રીંગ રોડને લાગુ શિતલ પાર્કથી જામનગર રોડ સુધીનો હયાત ૯ મીટરનો ટીપી રોડ ૧૨ મીટર સુધી પહોળો કરવા માટે મિલકત કપાતમાં લેવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવા મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગોંડલ રોડ અને જામનગર રોડને જોડતો એકમાત્ર ૧૫૦ ફૂટ રીંગ રોડ જ છે. જેના પર દિવસ દરમિયાન સતત ટ્રાફિકનું ભારણ રહે છે. માધાપર ચોકડી ખાતે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જેના કાયમી નિકાલ માટે મહાપાલિકા દ્વારા એક રસ્તો શોધવામાં આવ્યો છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્કથી જામનગર રોડને ટચ થતો હયાત ૯ મીટરનો ટીપી રોડ ૧૨ મીટર સુધી પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રોડની બન્ને સાઈડ દોઢ-દોઢ મીટર મિલકત કપાતમાં લેવામાં આવશે. શિતલ પાર્કથી જામનગર રોડ સુધીનો આ રસ્તાની લંબાઈ આશરે ૧ કિલોમીટર જેટલી હોવાનું જાણવા મળી રહ્યું છે. ટીપી સ્કીમ નં.૯માં સમાવિષ્ટ અંતિમ ખંડ નં.૩૨/૯ તથા ૩૧/૫થી લઈને અંતિમ ખંડ નં.૩૨/૧/૧ તથા ૩૧/૧ સુધીના ૯ મીટરના ટીપી રોડને ૧૨ મીટર સુધી પહોળો કરવા માટે જીપીએમસી એકટ ૧૯૪૯ કલમ ૨૧૦ અંતર્ગત લાઈટ ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવા માટે મ્યુ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
૧૫૦ ફૂટ રીંગ રોડથી જામનગર રોડને જોડતો એક પણ પેરેલલ રોડ આ સીવાય ઉપલબ્ધ નથી. જો આ રોડને પહોળો કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈપણ અકસ્માત,
અણબનાવ કે પછી રોડ મેન્ટેન્સની કામગીરીની જરૂરીયાત ઉભી થાય તો ટ્રાફિક નડતર વગર સરળતાથી એક રોડથી બીજા રોડે પહોંચી શકાય છે. રોડ પહોળો કરવા માટે બન્ને બાજુ દોઢ-દોઢ મીટર જમીન કપાતમાં લેવામાં આવશે. બન્ને બાજુ આવતા અંતિમ ખંડોમાં ખાનગી માલીકીની જમીન આશરે ૧૦૬૨.૧૩ ચો.મી. સરકારના અંતિમ ખંડની જમીન ૧૭૮.૦૫ ચો.મી. અને કોર્પોરેશનના અંતિમ ખંડની જમીન ૩૨૪.૩૬ ચો.મી. સહિત કુલ ૧૫૬૪.૫૪ ચો.મી. જમીન લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં કપાતમાં આવે છે. ભવિષ્યમાં ઉદ્ભવનારી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અને વાહન-વ્યવહારની સરળતા માટે આ રસ્તો પહોળો કરવો ખુબજ જરૂરી છે. સ્ટેન્ડિંગ કમીટી દ્વારા લાઈન ઓફ પબિલ્ક સ્ટ્રીટની મંજૂરી અપાયા બાદ રસ્તો પહોળો કરવા કપાતમાં આવતી મિલકતની સર્વે અને વાંધા સુચનો અંગેની કાર્યવાહી કરવામાં આવશે. શિતલ પાર્કથી જામનગર રોડ સુધીનો રસ્તો પહોળો થવાના કારણે હજ્જારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.