• નાકરાવાડી ડમ્પીંગ સાઇટ પર કચરાના ડુંગરો થશે દૂર: પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન બેલ્ટ ઉભો કરાશે

રાજકોટ શહેરમાં દૈનિક સફાઇ દરમિયાન નિકળતા કચરાનો નિકાલ કોર્પોરેશન દ્વારા નાકરાવાડી ડમ્પીંગ સાઇટ ખાતે કરવામાં આવી રહ્યો છે. હાલ આ ડમ્પીંગ સાઇટ પર કચરાના મહાકાય ડુંગરો ખડકાઇ ગયા છે. સતત ગંદકીથી ખદબદ્તી ડમ્પીંગ સાઇટ પર કોર્પોરેશન દ્વારા અર્બન ફોરેસ્ટ બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. આ મોડેલને બેગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપનાવવામાં આવ્યો છે. કચરાના ડુંગરો દૂર કરી ડમ્પીંગ સાઇટ ખાતે કોર્પોરેશન દ્વારા પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરી ગ્રીનબેલ્ટ ઉભો કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડમ્પીંગ સાઇટ ખાતે અર્બન ફોરેસ્ટ બનાવી ગ્રીનબેલ્ટ ઉભો કરવાનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં આ પ્રોજેક્ટ સંદર્ભે પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું. રાજકોટના આ પ્રોજેક્ટને બેંગ્લોર જેવા મોટા સિટીએ પણ અપનાવ્યો છે. નાકરાવાડી ડમ્પીંગ સાઇટને સંપૂર્ણપણે ક્લીયર કરવા માટેની કામગીરી ચાલી રહી છે. અહિં એકત્રિત થયેલા 10 લાખ મેટ્રીક ટન કચરા પૈકી 6 લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. હવે માત્ર ચાર લાખ મેટ્રીક ટન કચરો અહિં પડ્યો છે. 10 મશીન દ્વારા દૈનિક 2500 મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં મશીનરી વધારી દૈનિક 3500 મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવશે. જુલાઇ-ઓગસ્ટ સુધીમાં ડમ્પીંગ યાર્ડને સંપૂર્ણપણે કચરામુક્ત કરી દેવાનું પ્લાનિંગ છે.

તેઓએ ઉમેર્યું હતું કે કચરાના નિકાલ દરમિયાન એકત્રિત થતા ખાતરને ડમ્પીંગ સાઇટ ખાતે પાથરવામાં આવે છે. નાકરાવાડી સાઇટ ખાતે અત્યાર સુધીમાં 25 થી 30 હજાર મેટ્રીક ટન ખાતરનો પથરાવ કરી દેવામાં આવ્યો છે. જેના પર માટી પાથર્યા બાદ વૃક્ષારોપણની કામગીરી હાથ પર લેવામાં આવશે. વૃક્ષારોપણ માટે સદ્ભાવના ટ્રસ્ટ સાથે કરાર કરવામાં આવ્યો છે. જુલાઇ-ઓગસ્ટમાં ડમ્પીંગ યાર્ડ ક્લીયર થઇ ગયા બાદ ચોમાસામાં વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવામાં આવશે. ચાલુ વર્ષે બે થી અઢી લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આવતા વર્ષે વધુ અઢી લાખ વૃક્ષો વવાશે. આ ઉપરાંત અહિં અર્બન ફોરેસ્ટ, ગાર્ડન પણ બનાવવામાં આવશે. પ્રકૃત્તિપ્રેમીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આગામી બે વર્ષમાં નાકરાવાડી ડમ્પીંગ યાર્ડ સંપૂર્ણપણે ગ્રીનબેલ્ટ પરિવર્તિત થઇ જશે.

મ્યુનિ.કમિશનર આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડમ્પીંગ સાઇટ પર ગ્રીનબેલ્ટ ઉભો કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. જેની દેશભરમાં સરાહના થઇ રહી છે. બેંગ્લોર મહાનગરપાલિકાએ પણ આ પ્રોજેક્ટને અપનાવવા માટે તૈયારી દર્શાવી છે. હવે પછી નાકરાવાડી ખાતે કચરો એકત્રિત ન થાય તે માટે અદાણી સાથે કરાર કરવામાં આવ્યા છે. રોજેરોજ એકત્રિત થતા કચરાનો નિકાલ થઇ જશે અને તેમાંથી ખાતર પણ ઉત્પન્ન કરવામાં આવશે.

સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટ આવતા મહિને ધમધમતો થઇ જશે

શહેરમાં બાંધકામ દરમિયાન નીકળતા ક્ધસ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટનો નિકાલ આડેધડ કરવામાં આવતો હોવાના કારણે રાજકોટમાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા નાકરાવાડી ખાતે નવો સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. જેનું કામ આવતા મહિને પૂર્ણ થઇ જશે. ત્યારબાદ સી એન્ડ ડી વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે. આડેધડ બાંધકામ વેસ્ટનો નિકાલ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ માટે નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેની અમલવારી સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટ શરૂ થતાંની સાથે જ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.