- બિસ્માર રોડ, સ્મશાન લાકડાં કૌભાંડ અને ઢોર ડબ્બામાં ગાયોના મોત મામલે વિપક્ષે હંગામો મચાવ્યો: ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તું તું મેં મેં
- કોંગ્રેસના કોર્પોરેટરોએ સભાગૃહમાં પ્લે કાર્ડ દેખાડતા સભા અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાએ વિપક્ષી નગરસેવકોને બહાર કાઢવા કર્યો આદેશ: પ્રેક્ષક ગેલેરીમાં પણ હંગામો
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં બિસ્માર રોડ, સ્મશાનના લાકડાં કૌભાંડ અને ઢોર ડબ્બામાં ગાયોના મોત સહિતના મામલે વિપક્ષ કોંગ્રેસે આક્રમકતા દેખાડી હતી. સભાગૃહમાં નિયમ વિરૂધ્ધ પ્લે કાર્ડ દેખાડવા બદલ વિપક્ષી નગરસેવકોને સભાગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે અવાર-નવાર બોર્ડમાં ઉગ્ર તુતુ મેમે થઇ હતી. વણલખી પરંપરા મુજબ માત્ર એક જ પ્રશ્ર્નની ચર્ચામાં પ્રશ્ર્નોત્તરી કાળ વેડફાઇ ગયો હતો. 22 દરખાસ્ત ઉપરાંત એક અરર્જન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જ્યારે મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઇ પટેલે ત્રણ વર્ષ પૂર્ણ કરતા તેઓને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
કોર્પોરેશનમાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળે છે. જેમાં એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા રજૂ કરેલા પ્રશ્ર્નો અંગે ચર્ચા કરાઇ છે. ભાજપ અને કોંગ્રેસના કુલ 22 સભ્યોએ 50 પ્રશ્ર્નો બોર્ડમાં રજૂ કર્યા હતા. બોર્ડની વણલખી પરંપરા મુજબ એક પ્રશ્ર્નની લાંબી ચર્ચામાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ વેડફી નાંખવામાં આવ્યો હતો. વોર્ડ નં.1ના કોર્પોરેટર હિરેન ખીમાણીયાએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અલગ-અલગ વોર્ડમાં ડામર એક્શન પ્લાનની કામગીરીની માહિતી માંગી હતી. જેનો વિસ્તૃત જવાબ મ્યુનિ.કમિશનર દ્વારા આપવામાં આવી રહ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.62.44 કરોડના ખર્ચે 195.34 કરોડના રોડ બનાવવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. વિપક્ષ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ સતત 15 મીનીટ સુધી ડામર એક્શન પ્લાનના પ્રશ્ર્નનો જવાબ સાંભળ્યો હતો. ત્યારબાદ તેઓએ સભાગૃહમાં જીપીએમસી એક્ટની બૂક દેખાડી હતી અને કહ્યું હતું કે મુખ્ય પ્રશ્ર્નની ચર્ચામાં કોઇપણ કોર્પોરેટરને પેટા પ્રશ્ર્ન પૂછવાનો હક્ક રહેલો છે. સભાગૃહમાં એક તબક્કે જાણે વોર્ડ નં.2 સામે વોર્ડ નં.15 હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વિપક્ષી આક્રમણને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને દંડક મનીષ રાડીયાએ ખાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. વારંવાર માંગણી કરવા અને ત્રણવાર હાથ જોડી વિનંતી કરવા છતાં વિરોધ પક્ષના પેટા પ્રશ્ર્નને મ્યુનિ.કમિશનર દ્વારા સાંભળવામાં ન આવતા કોંગ્રેસના બોર્ડમાં હાજર ત્રણેય કોર્પોરેટર વશરામ સાગઠીયા, કોમલબેન ભારાઇ અને મકબુલ દાઉદાણીએ સભાગૃહમાં પ્લે કાર્ડ ફરકાવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે ઢોર ડબ્બે ગાયોના થતા મોત માટે જવાબદાર કોણ, ભારે વરસાદમાં શહેરમાં રાજમર્ગો પર પડેલા 12,000 ખાડાં માટે જવાબદાર કોણ?, સ્મશાને મોકલવાના લાકડાં ક્યા પહોંચ્યા આવા પ્લે કાર્ડ જોઇ ભાજપના કોર્પોરેટરોએ એવી માંગણી કરી હતી કે સભાગૃહમાં નિયમ વિરૂધ્ધ કોંગી કોર્પોરેટરો કામ કરી રહ્યા છે. તેઓને તાત્કાલીક બહાર કાઢવામાં આવે. દરમિયાન સભા અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાએ હાજર માર્શલને કોંગી કોર્પોરેટરોને બહાર કાઢવા આદેશ આપ્યો હતો. અવાર-નવાર સભા અધ્યક્ષ દ્વારા આદેશ આપવામાં આવતો હોવા છતાં માર્શલ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોય. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે એવી માંગ કરી હતી કે સભા અધ્યક્ષનું પણ માર્શલ માનતા ન હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ હોબાળા બાદ માર્શલ અને પોલીસે કોંગી કોર્પોરેટરોને સભાગૃહમાંથી બહાર કાઢ્યા હતા.
જનરલ બોર્ડમાં મંજૂરી અર્થે મુકવામાં આવેલી મુખ્ય એજન્ડાની 22 દરખાસ્તને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટની નગર રચના યોજના નં.1 (આખરી)ના અંતિમ ખંડ નં.1085 બસ ટર્મિનલના હેતુમાંથી રહેણાંક-વેંચાણ હેતુ માટે જમીનનો હેતુફેર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને પણ બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઇ પટેલને ત્રણ વર્ષ પૂર્ણ થતા અભિનંદન આપતો ઠરાવ જનરલ બોર્ડ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.
11 કોર્પોરેટરોના રજા રિપોર્ટ: ભાનુબેન બાબરિયા ગેરહાજર
જનરલ બોર્ડની બેઠકમાં આજે 11 કોર્પોરેટરોએ સામુહિક રજા રિપોર્ટ મૂકી દીધા હતા. જ્યારે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગેરહાજર રહ્યા હતા. બોર્ડમાં 72 પૈકી માત્ર 60 કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ગઇકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સંગઠનની બેઠકમાં પણ ભાજપના 21 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. આજે બોર્ડમાં પ્રિતીબેન દોશી, અલ્પાબેન દવે, જયશ્રીબેન ચાવડા, વિનુભાઇ ઘવા, સંદિપ ગાજીપરા, પુષ્કર પટેલ, અસ્મિતાબેન દેલવાડીયા, અશ્ર્વિનભાઇ પાંભર અને દિલીપભાઇ લુણાગરીયા એમ ભાજપના 9 કોર્પોરેટરોએ રજા રિપોર્ટ રજૂ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ચારેય કોર્પોરેટરો બોર્ડમાં હાજર ચોક્કસ રહ્યા હતા પરંતુ ભાનુબેન સોરાણી માત્ર હાજરી પૂરાવી બોર્ડમાંથી નીકળી ગયા હતા. જ્યારે ભાજપે સસ્પેન્ડ કરેલા દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરે પણ રજા રિપોર્ટ મુક્યા હતા. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા.
ઢોર ડબ્બે ગાયોના મોત મામલે પ્રેક્ષક ગેલેરીમાં પ્લે કાર્ડ દેખાડતા કોંગ્રેસના કાર્યકરો
કોર્પોરેશનમાં જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં છેલ્લા ઘણા સમયથી પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવતો ન હતો. દરમિયાન થોડા સમયથી ફરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા સહિતના કેટલાક લોકોએ કોર્પોરેશનના ઢોર ડબ્બામાં રોજબરોજ 30 થી 40 ગાયોના મોતનો વિરોધ પ્લે કાર્ડ દેખાડી કર્યો હતો. તેઓએ નિભંર તંત્ર અને જીવદયા ટ્રસ્ટ દ્વારા પશુઓને પૂરો ઘાસચારો નાંખવામાં આવતો ન હોવાના કારણે ઢોર ડબ્બે પશુઓ મોતને ભેટી રહ્યા છે. રાજેન્દ્ર શાહ અને યશ શાહ સામે તેઓએ એફઆઇઆર દાખલ કરવા પણ તેઓએ માંગણી કરી છે. ગત 28મી ઓગસ્ટના રોજ ઢોર ડબ્બે એક જ દિવસમાં 60થી વધુ ગાયોના મોત નિપજ્યા હતા. આજે રણજીત મુંધવા સહિતના કેટલાક માલધારીઓ અને જીવદયાપ્રેમીઓએ પ્રેક્ષક ગેલેરીમાં ઢોર ડબ્બે કોર્પોરેશન અને જીવદયા ટ્રસ્ટની બેદરકારીના પાપે ગાયોના નિપજતા મોત મામલે પ્લે કાર્ડ દેખાડતા તેઓને તાત્કાલીક અસરથી પકડી લેવામાં આવ્યા હતા. બંદોબસ્ત માટે હાજર રહેલી પોલીસ રણજીત મુંધવા સહિતના આગેવાનોને એક્ટિવા પર બેસાડીને એ-ડિવીઝન પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.
- હાથ ઉંચો કરી દરખાસ્તને બહાલી આપવાની પરંપરા તોડતા નેહલ શુક્લ
- નોન ટીપી વિસ્તારમાં પ્લોટ વેરિફિકેશન અને ત્રણ માસમાં મંજૂર થયેલા બિલ્ડીંગ પ્લાનની કમિશનર પાસે માંગી માહિતી
જનરલ બોર્ડની બેઠકમાં જ્યારે દરખાસ્ત મંજૂરીની પ્રક્રિયા હાથ પર લેવામાં આવે છે. ત્યારે અગાઉથી સંકલન બેઠકમાં નક્કી થયા મુજબ ભાજપના કોર્પોરેટરો 1 થી 22 સુધીની તમામ દરખાસ્તો મંજૂર એમ કહી હાથ ઉંચા કરી દેતા હોય છે. પરંતુ વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલભાઇ શુક્લએ આ પરંપરા તોડી હતી. જ્યારે દરખાસ્ત મંજૂરી અંગેની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે નેહલભાઇ શુક્લએ સેક્રેટરીને વચ્ચે રોક્યા હતા અને મ્યુનિ.કમિશનરને 16 નંબરની દરખાસ્ત અંગે સવાલ પૂછ્યો હતો. સાથોસાથ એવું પણ પૂછ્યું હતું કે નોન ટીપી વિસ્તારમાં પ્લોટ વેરિફિકેશનમાં લે-આઉટ મંજૂર થઇ ગયા હોય અને 40 ટકાથી ઓછું કપાત હોય તો ફરીથી પ્લોટ વેરિફીકેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અમલવારી થાય છે ખરી? છેલ્લા ત્રણ મહિનામાં મંજૂરી થયેલા બિલ્ડીંગ પ્લાન અંગે તેઓએ માહિતી માંગી હતી. પરંતુ ટીપીઓ માહિતી આપી શક્યા ન હતા. તેઓએ આ માહિતી થોડી કલાકો બાદ આપવાનું જણાવ્યું હતું. દરખાસ્ત મંજૂર કરવા માટે હાથ ઉંચો કરી સહમતી આપી દેવાની પરંપરા નેહલભાઇ શુક્લએ તોડી છે. ખરેખર આ વાત ખૂબ સારી છે. કારણ કે સંકલનમાં લેવાતા નિર્ણય અંગે મોટાભાગના કોર્પોરેટરોને કંઇ દરખાસ્તમાં શું છે તેની ખાસ માહિતી હોતી નથી. પરંતુ પક્ષે નક્કી કર્યું છે તેથી સહમતી બતાવી દેતા હોય છે.
કોંગ્રેસે કાગળ પર રોડ બનાવ્યા હતા: જયમીન ઠાકર તમે તો સ્મશાનના લાકડાં ખાય ગયા છો: સાગઠીયા
જનરલ બોર્ડમાં આજે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વચ્ચે સારી એવી તડાપીટ બોલી હતી. સભાગૃહમાં વશરામભાઇ જીપીએમસી એક્ટની બુક લઇને આવ્યા હતા. જેના સંદર્ભે જયમીનભાઇએ એવો ટોળો માર્યો હતો કે તમે સિનિયર કોર્પોરેટર છો, તમારે આવું કૃત્ય ન કરવું જોઇએ. વશરામ સાગઠીયાએ એક્શન પ્લાનના પ્રશ્ર્નની ચર્ચા થઇ રહી હતી ત્યારે એવી માંગણી કરી હતી કે ગેરેન્ટીવાળા રસ્તા કેટલા તૂટ્યા તેની માહિતી આપો અને હવે જે 12000 ખાડાંઓ પડ્યા છે. તેને બૂરવા માટેનો ખર્ચ કોણ ઉપાડશે તેની માહિતી પણ પ્રજાને આપવી જોઇએ. જેના જવાબમાં જયમીન ઠાકરે કહ્યું હતું કે વર્ષ-2001 થી 2005 સુધી મહાપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે માત્ર કાગળ પર જ રોડ બનતા હતા. તેની તપાસ કરાવો. આ વાત સાંભળી સાગઠીયા ગુસ્સે ભરાઇ ગયા હતા અને વળતો જવાબ આપ્યો હતો કે આખા ગુજરાતમાં ભાજપના પાપે ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો છે. તમે તો સ્મશાનના લાકડાં પણ ખાય ગયા છો. તેઓએ નામજોગ ભાજપના ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશ તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. બંને વચ્ચે ભારે બબાલ થઇ હતી. આ દરમિયાન ભાનુબેન સોરાણી બોર્ડમાંથી નીકળી જતા જયમીનભાઇએ ટોળો માર્યો હતો કે કોંગ્રેસના ચાર કોર્પોરેટરો છે છતાં બોર્ડમાં હાજરી આપી શકતા નથી. માત્ર સહી કરીને જતા રહે છે. જે પ્રજાનું શું ધ્યાન રાખશે. વશરામભાઇને તેઓએ આડા હાથે લીધા હતા અને તેઓએ કહ્યું હતું કે તમે પાંચ વર્ષમાં તમે ત્રણવાર ઘર બદલ્યા છે. આમ આદમી પાર્ટી પાસે શું સલાહ લેવા માટે ગયા હતા. મકબૂલ દાઉદાણી પાસેથી વફાદારી શીખવાની શીખ આપી હતી.
ત્રણ વર્ષમાં રોડ-રસ્તાના કામ માટે 62.44 કરોડ ખર્ચાયા: ડામરના 40 સેમ્પલ ફેઇલ
છેલ્લા ત્રણ વર્ષમાં ડામર એક્શનના કામ માટે કોર્પોરેશન દ્વારા 62.44 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને 195.34 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ડામરના 3500 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 40 સેમ્પલ ફેઇલ ગયા હોવાનું આજે જનરલ બોર્ડમાં મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે વર્ષ-2021-2022માં ડામર એક્શન પ્લાન માટે 22.70 કરોડ, વર્ષ-2022-2023માં 21.75 કરોડ અને વર્ષ-2023-2024માં 17.99 કરોડનો ખર્ચ થયો છે. આ વર્ષ દરમિયાન અનુક્રમે 2021-2022માં ડામરના 925 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી 15 ફેઇલ ગયા હતા. 2022-2023માં 1035 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી માત્ર ચાર સેમ્પલ ફેઇલ ગયા છે અને 2023-2024માં 1079 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી 18 સેમ્પલ પરિક્ષણમાં નાપાસ જાહેર થયા છે. વર્ષ-2024-2025ના વર્ષમાં 17મી સપ્ટેમ્બર સુધીમાં ડામરના 275 નમૂના લેવાયા છે. જેમાં ત્રણ સેમ્પલ ફેઇલ ગયા છે.
- જનરલ બોર્ડમાં હોબાળો: કોંગી કોર્પોરેટરોની હકાલપટ્ટી