સૌરાષ્ટ્રમાં તાલુકા લેવલે રોડ-રસ્તા માટે સૌથી વધુ રૂપિયા મંજુર થતા ગ્રામ્ય વિસ્તારોની કાયા પલટ થશે
ઉપલેટા-ધોરાજી વિસ્તારના લડાયક ધારાસભ્યની છાપ ધરાવતા લલીત વસોયાએ સૌરાષ્ટ્રભરના તાલુકામાંથી સૌથી વધુ રોડ-રસ્તા માટે રાજય સરકાર પાસેથી રૂ.૪૧ કરોડ મંજુર કરાવતા ધોરાજી-ઉપલેટા ગ્રામ્ય વિસ્તારના લોકોને રોડ-રસ્તાની સુવિધા મળશે.
ધારાસભ્ય લલીત વસોયા છેલ્લા દોઢ વર્ષથી ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં દર ત્રણ માસે પોતાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમ્યાન ગામડાના રોડ-રસ્તા પ્રશ્નો મોટેભાગે રજુઆતો થતી હોય છે ત્યારે ધોરાજી-ઉપલેટામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા લલીત વસોયા વિપક્ષ હોવા છતાં પોતાના મત વિસ્તારના લોકોના તાત્કાલિક ધોરણે નિકાલ આવે તેવા સતત પ્રયાસો હાથ પર લેતા હોય છે. ધારાસભ્ય લલીત વસોયાની આક્રમક રજુઆતને પગલે ગઈકાલે રાજય સરકારે ધોરાજી-ઉપલેટા તાલુકાના ગામો ઉપલેટા-ખાખીજાળીયા, ચરણી, ખીરસરા, ચિત્રાવડ, દાદર રોડ પહોળો કરવો, મજબુતીકરણ અને સ્ટ્રકચરની કામગીરી માટે ૩.૮૦ કરોડ મંજુર કરેલ છે.
જયારે તોરણીયા ફરેણી રોડ સાડા પાંચ કિલોમીટર માટે ૨.૭૦ કરોડ અને તોરણીયા ચોકડી રોડ માટે ૧.૨૦ કરોડ રૂપિયા ઉદકીયા ગોલાધર રોડ દોઢ કિલોમીટર માટે ૪૦ લાખ, ધોરાજી-ચિત્રોડ એપ્રોડ રોડ માટે ૪૦ લાખ, વેગડી ઉમરકોટ રોડ માટે ૭૫ લાખ રૂપિયા મળી ૨.૨૫ કરોડ સરકારમાં મંજુર કરવામાં આવ્યા છે. મંજુર થયેલા પૈસામાંથી માટીના કામ, મેટલિંગ, નાળા કામ, ડામરના કામો, ફેસીંગ સહિતની કામગીરી કરવામાં આવશે. ગઈકાલે રાજય સરકારે મંજુર કરેલા પૈસામાં સૌરાષ્ટ્રના તાલુકામાં સૌથી વધુ રૂપિયા ધોરાજી-ઉપલેટામાં મંજુર થતા આ વિસ્તારના લોકોના રોડ-રસ્તાના પ્રશ્નોનો અંત આવશે.