દસ ગામના લોકો ૧૦ દિવસથી બસ વિહોણા: સાંસદથી માંડી ઉચ્ચકક્ષા સુધી રજુઆત છતાં પરિણામ શૂન્ય

ઉપલેટા તાલુકાના હાડફોડી-સમઢીયાળા વચ્ચે વરસાદને કારણે પુલની એક સાઈડ નબળી પડતા એસ.ટી.બસ છેલ્લા ૧૦ દિવસથી બંધ થઈ જવાથી ૧૦ ગામોના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જયારે ખાનગી ટ્રાવેલ્સો અને રેતીની ગાડીઓ પુરપાટ દોડી રહી છે ત્યારે દસ ગામોના લોકોમાં ભાજપ અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે સાંસદથી વિવિધ વિભાગના ખાતાઓમાં રજુઆતો કરવા છતાં પરિણામ ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

છેલ્લા દસ દિવસથી હાડફોડી અને સમઢીયાળા જતા રોડ ઉપર છેલ્લા વરસાદને કારણે પુલનો એક બાજુનો ભાગ નબળો પડી જતા આ પુલ પર ભારે વાહનો ચલાવાનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે આના કારણે સમઢીયાળાથી લાઠ, ભીમોરા, મજેઠી, કુઢેચ, ભિંડોરા, ઈન્દ્રા, ગણા, લિંબુડા સહિતના ગામો આજે છેલ્લા ૧૦ દિવસ થયા એસ.ટી.બસ વગર પરીવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જયારે ખુબીની વાત એ છે આ વિસ્તારમાંથી દરરોજ ટ્રાવેલ્સ અને ભારે વજનની રેતીની ગાડીઓ ચાલે છે તેના માટે કોઈ પ્રતિબંધ લાગુ પડતો નથી. આ વિસ્તારના લોકોએ સાંસદથી લઈ વિવિધ લાગતા વળગતા તંત્રને રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા ભાજપ અને તંત્ર સામે ગ્રામજનોનો રોષ ફાટી નિકળ્યો છે.

ગ્રામજનો આંદોલન કરે તો નવાઈ નહીં !

છેલ્લા ૧૦ દિવસ થયા એસ.ટી.બસ બંધ હોવાથી લોકોને ફરજીયાત ખાનગી બસોમાં મુસાફરી કરવી પડે છે ત્યારે ૧૦ ગામોના સરપંચો તથા ગ્રામજનોની ધીરજ તંત્ર સામે ખુટી ગઈ છે ગમે ત્યારે તંત્ર સામે આંદોલનના મંડાણ થાય તો નવાઈ નહીં !

નાની ટુકડો બસ દોડાવવામાં તંત્રને શું પેટમાં દુખે છે ?

અગાઉ બે વર્ષ પહેલા ભાદર નદી ઉપરનો પુલ નવો બનતો હતો ત્યારે અને આ પુલ નબળો પડતા ઉપલેટા હાડફોડી વચ્ચેનો પુલ પર ભારે વાહનોની પ્રવેશબંધી કરતા ત્યારે એસ.ટી.નિગમ દ્વારા નાની બસો દોડાવી ગ્રામજનોને રાહતની લાગણી આપી હતી તો આ વખતે એસ.ટી.તંત્ર દ્વારા નાની બસ દોડાવવામાં શું પેટમાં દુખે છે તેવો પ્રશ્ર્ન લોકોમાં ઉઠયો છે.

વાહનચાલકોને ૨૦ કિમી ફરીને જવુ પડે છે

હાડફોડી-સમઢીયાળા વચ્ચેના પુલની એક સાઈડ નબળી પડતા ભારે વાહનો માટે રોડ બંધ કરી દેવાતા માણાવદર, કુતિયાણા તેમજ ઉપલેટા તાલુકાના ઘણા ગામોમાં જવા માટે લોકોને ૨૦ કિમી ફરીને જવુ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.