શહેરમાં સૌ પ્રથમ વખત 56 ભોગ મહોત્સવ ઉજવાતાં વૈષ્ણવોમાં હરખની હૈલી
વલ્લભચાર્યજી જન્મ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સૃષ્ટિ પ્રભુના સુખાર્થે ભવ્ય 56 ભોગ મહોત્સવ શુભ યજ્ઞોપવિત્ર સંસ્કાર પ્રસ્તાવમાં છેલ્લા ત્રણ દિવસમાં 1 લાખ કરતાં વધુ વૈષ્ણવો ઉમટી ભવ્ય 56 ભોગ મહોત્સવનો લાભ લીધો હતો.
શહેરમાં બાવલા ચોકમાં આવેલા વિવિધલક્ષી વિનય મંદિરના ગ્રાઉન્ડમાં ગોકુલેશ ધામમાં ચાલતા શુભ યજ્ઞોપવિત્ર સંસ્કાર પ્રસ્તાવમાં બુધવારે બપોરે 4 વાગે દ્વારકેશ નિકેતન હવેલીથી પ્રસ્તાવ સ્થળ પર બાળકૃષ્ણ પ્રભુની પધરામણી, શોભાયાત્રા તેમજ 56 ભોગ દર્શન યોજાતા તેમાં હજ્જારો વૈષ્ણવો જોડાઇને ભવ્ય 56 ભોગના દર્શન કર્યા હતા તેમજ પ્રસાદ લીધો હતો. ગઇકાલે પુ.પા.ગો. મિલન કુમારજી મહોદયશ્રીના આત્મજ ગોકુલનાથજી મહોદય એવંમ કલ્યાણરાયજી મહોદયજીના શુભ યજ્ઞોપવિત્ર (જનોઇ) પ્રસ્તાવ નિમિતે સવારે 10 વાગે ગણેશ સ્થાપન, 11 વાગે શ્રી કુળદેવતા સ્થાપન તેમજ બપોરે 12.30 કલાકે વૃધ્ધી સભાના પ્રસંગો યોજાયા હતાં. સાંજે 8 વાગે દ્વારકેશ નિકેતન હવેલીએથી ગોકુલનાથજી મહોદય તેમજ કલ્યાણરાયજી મહોદયની બંને બાળકોની બિનેકી (વરઘોડો) નીકળતાં જેમાં હજ્જારો વૈષ્ણવો તેમજ વલ્લભકુળના મથુરાથી રસીકરાયજી મહારાજ, ઉપલેટાના ચંદ્રગોપાલજી, પોરબંદરથી વસંતરાય મહોદયજી, રાજકોટના અક્ષય મહોયદયજી, પુરૂષોત્તમ મહોદયજી, શરદ મહોદયજી, અનિષેદ મહોદયજી, મુંબઇના દ્વારકેશ બાવા, વડોદરાના વલ્લભરાય મહોદયજી, પરાગરાય મહોદયજી સહિત અનેક વિવિધ રાજ્ય તેમજ સૌરાષ્ટ્રભરના વલ્લભકુળના બાળકો બિનેકીમાં જોડાતા વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બિનેકી શહેરના મુખ્ય રાજમાર્ગો થઇ પ્રસ્તાવ સ્થળે પહોંચતા વૈષ્ણવ સમાજ દ્વારા ઠેર-ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. રાત્રે બનારસના કલાકારો દ્વારા ભવ્ય સંગીતનો ત્રિવેણી સંગમ યોજાઇ હતી. જેમાં હજ્જારો વૈષ્ણવોએ લાભ લીધો હતો. આ મહાઉત્સવમાં અંતિમ દિવસે બપોરે 3 વાગે મેઘજનન શ્રી કુળદેવતા વિસર્જન, ગંગા પુત્ર બાદ આ મહોત્સવનું સમાપન કરવામાં આવશે.
બિનેકીમાં આગેવાનો જોડાયા
નીકળેલી બંને બાળકોની બિનેકી (વરઘોડા)માં શહેરના અનેક નામાંકિત આગેવાનો જોડાઇને વલ્લભકુળના બાળકોના દર્શનનો લાભ લીધો હતો.
પોલીસની સુંદર કામગીરી સતત ખડેપગે
છેલ્લા ચાર દિવસ થયાં હજ્જારો વૈષ્ણવો આ મહોત્સવમાં ઉમટી રહ્યાં છે. તેમજ ગઇકાલે ભવ્ય બિનેકી (વરઘોડો) નીકળતા તેમાં હજ્જારો વૈષ્ણવો જોડાયા હતાં. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પી.આઇ. કે.કે.જાડેજાની આગેવાની નીચે પી.એસ.આઇ. રાઠોડ, ડી.સ્ટાફ, ટ્રાફીક બ્રાન્ચ સહિતના પોલીસ જવાનોની સતત બંદોબસ્તને કારણે વ્યવસ્થા સારી થઇ હતી તેમજ સમગ્ર વૈષ્ણવ સમાજએ પણ નોંધ લીધી હતી તથા ઉપલેટામાં સૌ પ્રથમ વખત 56 ભોગ મહોત્સવ ઉજવાતા વૈષ્ણવોમાં હરખની હેલી જોવા મળી હતી.