- નવ વોર્ડમાં 36 નગર સેવકો માટે આગામી 16મી યોજાનાર ચૂંટણી માટે સમાજ શ્રેષ્ઠીઓના મંતવ્ય
- લેકોએ સ્વૈચ્છાએ વધુમાં વધુ મતદાન થાય તે લોકશાહી માટે અગત્યનું
- 8 કરોડના ખર્ચે રિનોવેશન થયેલ ટાવર વાળા બિલ્ડીંગમાં હાથ કાળા કરનારા સામે તપાસ થવી જોઈએ
આગામી 16મી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષો પાસે આમ જનતા અને સમાજ શ્રેષ્ઠીઓ કેવી અપેક્ષા હોય છે. અને લોકોની વચ્ચે કેવા ઉમેદવારોને જનાદેશ લેવા મોકલવા જોઈએ તે આમ જનતા અને સમાજ શ્રેષ્ઠીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. મોટાભાગના લોકોએ યુવાનો અને બિન ભ્રષ્ટાચારીઓને મેદાનમાં ન ઉતારવાનો મંતવ્યો ઉચ્ચાર્યા છે.
છેલ્લા બે વર્ષ થયા શહેરના વિકાસનું મુખ્ય અંગ ગણાતા સ્થાનીક સ્વરાજયની સંસ્થા એટલે નગરપાલીકા, વહીવટદારના હવાલે છે ત્યારે આગામી 16મીએ વહીવટદારના શાસનમાંથી મુકત કરવા ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરાઈ છે. ત્યારે મોટે ભાગે નગરપાલીકા પાસે લોકોની મુખ્ય માંગણી રોડ, રસ્તા, શુધ્ધ પાણી, સ્વચ્છ ગટરો, સ્ટ્રીટ લાઈટ જેવા મુખ્ય મુદા સામાન્ય જનતા અપેક્ષા રાખતી હોય છે. પણ આ સાથે સાથે નગરપાલીકાની ફરજ અનેક ગણી જૂના સ્મારકોની જાળવણી, સ્વીમીંગપુલ, બાગ બગીચા લોકોને વોકીંગ માટેનું મેદાન પ્રાથમિક શાળાના બિલ્ડીંગો અને પ્રજા ઉપર કોઈ ખોટા કરવેરા નાખવાને બદલે રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનામાંથી વધુ ઝડપી વિકાસ થાય અને ભ્રષ્ટાચાર વગરનાં વિકાસ થાય તેવું જનતાને અપેક્ષા હોય છે. ત્યારે આગામી 16મીએ યોજનારી નગરપાલીકાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીએ કેવા ઉમેદવારોને પ્રજા વચ્ચે મોકલવા જોઈએ અને ચૂંટણી લડતા પહેલા ચૂંટણી ઢંઢેરા બહાર પાડી આગામી પાંચ વર્ષમાં તેનો અમલ થઈ શકે તેવા પ્રજાલક્ષી ઢંઢેરાની આમ જનતા અપેક્ષા રાખી રહી છે.
હાલ ઉપલેટા શહેરમાં ધારાસભ્ય અને સંસદ બંને ભારતીય જનતાપાર્ટી વર્તમાન શાસનકર્તાઓ છે. ત્યારે જનતાએ પણ રેલવે, આરોગ્ય જેવી સેવાઓ વધુમાં વધુ લોકોને મળે તેવી આશા છે.41 હજાર જેટલા મતદારો ધરાવતી ઉપલેટા નગરપાલીકા નવ વોર્ડ માટે 36 ઉમેદવારો માટે ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી અને અપક્ષો ચૂંટણીના મેદાનમાં પ્રજાનો જનાદેશ લેવા માટે જશે ત્યારે જનતાએ પણ આવતા ઉમેદવારોનો ભૂતકાળ અને વર્તમાન અને તેની સેવાકીય પ્રવૃત્તિ ધ્યાનમાં રાખી જનાદેશ આપવો જોઈએ જો પાર્ટીને ધ્યાનમાં રાખી જનાદેશ આપવામાં આવશે તો આગામી પાંચ વર્ષ માટે જનતાએ પાર્ટીના નિયમોનું પાલન કરવાનો વારો આવશે.
નગર સેવકની ઉમેદવારી કરાવતા પહેલા તજજ્ઞનો અભિપ્રાય જરૂરી: સહકારી આગેવાન વિનુભાઈ ઘેટિયા
શહેરના જાણીતા વેપારી અગ્રણી સહકારી આગેવાન વિનુભાઈ ઘેટીયાએ જણાવેલ કે નગરપાલીકાનું સુકાન એવા માણસોને આપવું જોઈએ કે તેઓ ખોટુ કરવું હોય તો ગામનો અને સમાજનો ડર રાખે ખાસ કરીને પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવવી જોઈએ. નગર સેવકની ઉમેદવારી કરાવતા પહેલા સિનિયર આગેવાનોનો અભિપ્રાય લેવો જોઈએ નગરપાલીકા ગુંડા ઉછેર કેન્દ્ર ન બને તે માટે સારા વેપારીઓ સમાજ શ્રેષ્ઠીઓ અને સામાજીક સંસ્થાના આગેવાનોના હાથમાં સતોનું સુકાન સોપવું જોઈએ વધુમાં વિનુભાઈ ઘેટીયાએ જણાવેલ કે હાલ ટાવર વાળી બિલ્ડીંગમાં કરોડો રૂપીયામાં ભ્રષ્ટાચાર થયો છે તેના બિલો અટકાવવા જોઈએ જે લોકોએ તેમાંહાથ કાળા કર્યા છે. તેવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ આઠ કરોડ રૂપીયા ખર્ચ્યા છતા અગાઉ કરતા આજે આ બિલ્ડીંગની હાલત ખુબ ખરાબ છે. આ બાબતે જિલ્લા, પ્રદેશ, કેન્દ્રના આગેવાનોએ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ આવનારી ચૂંટણીમાં નો રિપીટ થીયરી અપનાવી શિક્ષીત, સમાજ અને સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોને નગરપાલીકામાં બેસાડવા જોઈએ ખાસ કરીને ઈત્તર સમાજને પણ પ્રાધાન્ય આપવું જોઈએ.
ઉમેદવારોની પસંદગી કરતા પહેલા તે ‘નગર’નો અર્થ જાણતો હોવો જરૂરી: કટલેરી બજાર એસો. પ્રમુખ
ઉપલેટા કટલેરી બજાર એસો.ના પ્રમુખ અને ગમે તેવા ચમરબંધીને મોેઢે મોઢ કહેનાર નાથાભાઈ ચંદ્રવાડીયાએ પોતાનો અભિપ્રાય આપતા જણાવેલ કે પહેલાતો પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કરતા પહેલા તે નગરનો અર્થ જાણતો હોવો જોઈએ.ન. એટલે નળ, ગ. એટલે ગટર અને 2. એટલે રસ્તા આ ટુકો અક્ષર નગરના વિકાસમાં હિત ધરાવતો હોવો જોઈએ. પાર્ટીએ કોન્ટેટીવાળા કરતા કોલેટીવાળા માણસોની પસંદગી કરવી જોઈએ. આમ સામાજીક નાગરીકના પ્રશ્ર્નો સમજતા હોવા જોઈએ વાદ વિવાદ કરતા લોકોને નગરપાલીકામાં સ્થાન ન મળવું જોઈએ. પાર્ટીએ કોઈપણ જ્ઞાતિજાતીથી પર રહી શકે તેવા લોકોની પસંદગી કરવી જોઈએ.તેઓએ વેપારી અને નગરજનોને પણ અપીલ કરી છે. 100% મતદાન કરો અને સારા અને સ્વચ્છ ઉમેદવારને ચૂંટીને મોકલજો.
પ્રજાના દુ:ખે દુ:ખી અને પ્રજાના સુખે-સુખી તેવા વ્યકિત હોવા જોઈએ: ભરતભાઈ સોજીત્રા
ઉપલેટામાં વર્ષો થયા આરોગ્ય સેવા યજ્ઞ ચલાવી રહેલા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉપલેટાના સેક્રેટરી ભરતભાઈ સોજીત્રાએ જણાવેલ કે આગામી નગરપાલીકાની ચૂંટણીમાં યુવાનો શિક્ષીતો અને બિન ભ્રષ્ટાચારીઓને નગર સેવક તરીકે પાર્ટીએ ટીકીટ આપવી જોઈએ વધુમાં જણાવેલ કે પ્રજાના દુ:ખે દુ:ખી અને પ્રજાના સુખે સુખી શહેરને નવું અને રળીયામણું બનાવવાની ભાવના અને સ્વપ્ન હોય તેવા લોકોને પાર્ટીએ પ્રજાવચ્ચે જનાદેશ માટે મોકલવા જોઈએ.
સારા સનિષ્ઠ કાર્યશીલ ઉમેદવાર પસંદ કરવા જોઈએ: ચેમ્બર્સ ઓફ કોમર્સ પૂર્વ પ્રમુખ ઘેરવડા
ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ પૂર્વ પ્રમુખ વિનુભાઈ ઘેરવડા ઉપલેટા નગરપાલીકાની ચૂંટણીના બ્યુગલ ફુકાય ગયા છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર નકકી કરવામાં મશગુલ છે. નગરપાલીકાનું રોજનું કામ લોકોને પડે છે. ત્યારે તેનો વહિવટ તંત્ર સારો ચાલે કોઈ કામ માટે લોકોને ધકકા ન ખાવા પડે તેવી ઓફીસની કામગીરી થાય ચૂંટણી લડતા ઉમેદવાર તમામ રાજકીય પક્ષો સારા સનિષ્ઠ કાર્યશીલ ઉમેદવાર પસંદ કરવા જોઈએ જે તેમના વોર્ડનું સંપૂર્ણ ધ્યાન રાખે તે વોર્ડના લોકોને સંતોષકારક જવાબ મળે અને સૌમ્ય ઉમેદવાર પસંદ થાય ઉપલેટાના વિકાસમાં હાલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. તેમાં લોકોને તકલીફ ન થાય તેવી કામગીરી કરવી પડે ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછુ રહે તે ધ્યાન આપવું જોઈએ. સભ્ય ચૂંટાયા પછી વેચાય નહી તે કાળજી રાખવી પક્ષોની જવાબદારી છે. નગરપાલીકા સંસ્થાને એક વેપારીની પેઢી ન બને તેવા સભ્યો ચૂંટાય તો તમામ કાર્ય માટે લોકોને રાહત રહે.
બિન ભ્રષ્ટાચારી માણસોને બેસાડવા જોઈએ: ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાનેરા
ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરાએ જણાવેલ કે આગામી નગરપાલીકાની ચૂંટણી સુકાન પાંચ વર્ષ માટે બિન ભ્રષ્ટાચારી માણસોને બેસાડવા જોઈએ ભ્રષ્ટાચારમાં ગળાડુબ રહેેલ માણસોને દૂર રાખવા જોઈએ વધુમાં જણાવેલકે કોઈ પણ પ્રકારના અસામાજીક પ્રવૃત્તિ ન કરતા હોવા જોઈએ. પોલીસ ચોપડે ન ચડેલા હોવા જોઈએ ખાસ કરીને વકીલો, ડોકટરો, વેપારીઓ, મહાજનો, સામાજીક સંસ્થાના આગેવાનોને નગરપાલીકામાં ચૂંટીને મોકલવામાં આવે તો તેઓને ખોટુ કરતા બિક લાગશે શહેરની હિત ધરાવતા માણસોની ઉમેદવાર તરીકે પસંદગી કરવી જોઈએ.
મહારાજા ભગવતસિંહજીનું પ્રિય શહેરનો અપેક્ષા મુજબ વિકાસ થવો જરૂરી: એડવોકેટ ધવલ ચંદારાણા\
ઉપલેટા નગરપાલિકા ચૂંટણીને લઈને એડવોકેટ ધવલ ચંદારાણાએ જણાવ્યું હતુ કે, મહારાજા ભગવતસિંહજી નું પ્રિય શહેર ઉપલેટા તેમની અપેક્ષા મુજબ સચવાઈ રહે અને વિકસિત થાય તેવા ઉમેદવારોની ઉપલેટા ની પ્રજાને જરૂર છે નહીં કે ઉપલેટાનો વિકાસ રૂંધાવે એવા!
ચૂંટણી એટલે લોકશાહીનું મહાપર્વ હાલમાં નગરપાલિકાની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે ગોંડલ સ્ટેટ નું સૌથી સુંદર અને વિકસિત શહેર એવું ઉપલેટા શહેરની પ્રજાની આશા ઉપર ખરા ઉંતરે એવા રાજકીય પક્ષોએ પાણીદાર ઉમેદવારોની પ્રજા વચ્ચે જનાદેશ લેવા મોકલવા જરૂર છે પ્રજાની આશા ઉપર પાણી ઢોળે એવા નહીં.
વિશેષમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ જે ઉત્સાહથી ઉમેદવારો મેદાનમાં આવે છે તેવી જ રીતે જ્યારે જ્યારે શહેરના વિકાસના કામ કરવાના અથવા તો પ્રજાના પ્રશ્નો માટે લડવાની વાત આવે ત્યારે તમામ મતભેદો ભૂલી પોતાનું હિત કે સ્વાર્થ જોયા વગર શહેરન હિત માટે મેદાને ઉતરે તેવા ઉમેદવારો ની જરૂર છે.