આરટીપીસીઆરનો રિપોર્ટ 24 કલાકમાં મળી જશે
અબતક કિરીટ રાણપરિયા, ઉપલેટા
ત્રીજી લહેરમાં કોરોનાના કેસ સતત વધવાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલથી આરટીપીસીઆરના ટેસ્ટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવતા દર્દીઓને હવે રિપોર્ટ 24 કલાકમાં મળી રહેશે.
શહેર-તાલુકામાં હાલ કોરોના કેસ 250 વટાવી ચુક્યો હોય ત્યારે કોરોના દર્દીઓ માટે આરટીપીસીઆર રિપોર્ટ અતિ મહત્વનો હોય છે. આ રિપોર્ટ અત્યાર સુધી રાજકોટ ટેસ્ટ અર્થે મોકવામાં આવતા ત્યાં ઘણી વખત બે-બે દિવસે રિપોર્ટ આવવાને કારણે દર્દીઓને પારવાર મુશ્કેલી ભોગવવી પડતી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલથી શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આરટીપસીઆર ટેસ્ટ કરાતા લોકોની મુશ્કેલીનો અંત આવેલ. આ અંગે સિવિલ ઇન.અધિક્ષક ડો.ખ્યાતી કેશવાલાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આમના 10 દિવસથી સામાન્ય ટેસ્ટીંગ ચાલુ હતું પણ ગઇકાલથી સંપૂર્ણ સ્ટાફ, સાધનો હોવાથી ગઇકાલે પ્રથમ દિવસે 200 જેટલા ટેસ્ટ કરવામાં આવેલા હતા. આગામી દિવસોમાં દરરોજ રિપોર્ટ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
રાજ્ય કે દેશ બહાર જતા લોકોની મુશ્કેલીનો અંત આવ્યો
હાલ કોરોનાને કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે અન્ય દેશમાં જવા માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજીયાત હતો. આ રિપોર્ટ સ્થાનિક હોસ્પિટલમાં સેમ્પલ લઇ રાજકોટ મોકવામાં આવતું રાજકોટથી ઘણી વખત 48 કે 96 કલાકે રિપોર્ટ આવવાને કારણે વેપારીઓ કે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી પડતી હતી. તેનો હવે અંત આવશે.