બાળકોને પૌષ્ટીક આહાર આપવાનો ધ્યેય હોય તો જુના મેનુની અમલવારી કરવી જરૂરી
સરકાર તરફથી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટીક આહાર મળે તે માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવેલ છે. હાલમાં સરકાર તરફથી બાળકોને નાસ્તાની યોજનાનો પણ સાથે-સાથે અમલ કરવા પરીપત્ર કરેલ છે. જે અંગે ગઢાળાના સરપંચ નારણભાઈ આહિરે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. આ નવી યોજનામાં નાસ્તામાં સુખડી, ચણા ચાટ, મીકસ કઠોળ, સુકીભાજી અને થેપલાનો નાસ્તો આપવા જણાવેલ છે. ચણા ચાટમાં બાળકને ૧૦ ગ્રામ ચણા આપવાના છે. આ ૧૦ ગ્રામ ચણા સરકારની ગણતરીમાં કેટલા હશે. શું ૧૦ ગ્રામ ચણાથી બાળકોનો નાસ્તો થાય ખરો ? આ નાસ્તો બાળકની ક્રુર મશ્કરી સમાન હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. કારણકે બાળકને ચણા બતાવવા માટેના નથી ને ?
સુકીભાજી, થેપલામાં બાળક દીઠ ૧૦ ગ્રામ તેલ વાપરવાનું છે. થેપલા એક બાળકના ૧૦૦ ગ્રામ લોટના થેપલા ૫ ગ્રામ તેલમાં થાય કે તેમ તથા સુકીભાજીમાં એક બાળકના ૫૦ ગ્રામ બટેટાની સુકીભાજી ૫ ગ્રામ તેલમાંથી બનાવવાની છે. આમ ઉપરોકત નિર્ણય યોગ્ય હોય તેમ લાગે છે ? શું થેપલા અને સુકીભાજીને માત્ર તેલ બતાવવાનું તો નથી ને ? બાળકોને મનપસંદ વાનગી હોય તો માત્ર સુખડી. સરકાર તરફથી બાળક દીઠ ૫ ગ્રામ તેલમાંથી સુખડી બનાવવાનું જણાવેલ છે. શું ૫ ગ્રામ તેલમાંથી સુખડી બનાવવાનો પ્રયોગ આપણા ઘરમાંથી કરવો જોઈએ, ૫ ગ્રામમાંથી સુખડી બને છે કે નહીં ? કારણકે સુખડી બનાવવા લોટને મોણ આપવામાં જ થાય નહીં. પછી લોટ શેકવા માટે તેલ કયાં ? કે પછી ગોળના પાણીમાં લોટ મોણવાળો નાખવાથી જ સુખડી થઈ જાય ? મીકસ કઠોળની વાતમાં તા.૧૧/૬થી શાળાઓને કઠોળ આપવામાં આવેલ છે.
મધ્યાહન ભોજન યોજનામાં રસોયા, હેલ્પરને માસિક રૂ.૧,૪૦૦/- માનદ વેતન ચુકવવામાં આવે છે. હાલમાં રસોયા, હેલ્પર સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી કામ કરવાનું થાય. આ રસોયા, હેલ્પર આખો દિવસ ૧૪૦૦/-માં આવશે ખરા ? ના કારણકે હાલમાં ગમે ત્યાં વાસણ સાફ કરવા, કપડા ધોવાના માસિક રૂ.૨૦૦૦ જેટલા મળે છે અને સમય એકથી દોઢ કલાક. આમ આ કર્મચારી ફરજ ઉપર આવશે ? ના તો હવે પછી રસોઈ કોણ બનાવશે ? કોણ પીરસશે ? વાસણ કોણ સાફ કરશે ? આમ થવાથી હાલ જે ભોજન મળે છે તે મળશે કે કેમ ? ખરેખર તો સરકારે મધ્યાહન ભોજનમાં કોઈપણ જાતના અખતરા કર્યા વિના જો સામાન્ય પરીવારના બાળકો પ્રત્યે માન-પાન, લાગણી હોય તો અને ખરેખર પૌષ્ટિક આહાર આપવાનો ધ્યેય હોય તો અગાઉ જુના મેનુના ટાઈમ ટેબલ મુજબ ચલાવવા અને રસોઈ બનાવવાની સ્પષ્ટ સુચના આપવા માંગણી છે.