ચેમ્બરની તમામ માંગણીઓનો સ્વીકાર: વેપારીઓની જીત
છેલ્લા પાંચ દિવસથી નગરપાલિકાનાં તંત્ર દ્વારા વેપારીઓને પ્લાસ્ટીકનાં ઝભલા વેચવા તથા આપવાનાં કાયદાનાં નામે હેરાન કરતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નગરપાલિકાનાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ બાબતે કાયદાને ધ્યાનમાં રાખી ઘટતું કરવા રજુઆત કરવા છતાં કોઈ બાંધછોડ નહીં કરતા આખરે ચેમ્બર ઓફ કોમર્સ ઉપલેટા શહેર શુક્રવારે બંધનું એલાન આપતા જીલ્લા વહિવટીતંત્ર સફાળુ જાગ્યું હતું. આ બાબતે કાયદાની અંદર રહી સ્થાનિક ચીફ ઓફિસરને કાર્યવાહી કરવા મેસેજ આપતા ચીફ ઓફિસર દવેએ ગઈકાલે વેપારીઓને બોલાવી તેમની તમામ માંગણીનો સ્વિકાર કરી લેતા આજે શહેર બંધનું એલાન વેપારીઓએ પાછુ ખેંચ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં નાના-મોટા વેપારીઓ, ગ્રાહકો તેમજ પ્લાસ્ટીકનાં ઝભલા વેચતા વેપારીઓને નગરપાલિકા દ્વારા આડેધડ કાયદાનો ઉપયોગ કરી વેપારીને કનગડવાનું શરૂ કરી વેપારીઓને વિના વાંકે દંડ ભરાવી વેપારીઓને ઝભલા ગ્રાહકોને આપવા હોય કે વેચવા હોય તો દર મહિને ચાર હજાર રૂપિયા નગરપાલિકામાં ભરી તેનું રજીસ્ટ્રેશન કરાવી લેવું તેવું નગરપાલિકાનું ઝકી વલણ સામે ચેમ્બરે બે દિવસ પહેલા નગરપાલિકાનાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપેલ પણ છતાં નગરપાલિકા કાયદાનાં અમલ કરાવવા મકકમ રહેતા ચેમ્બર શહેર બંધનું એલાન આપતા જીલ્લાતંત્રને રેલો આવ્યો હતો. ગઈકાલે નગરપાલિકા નિયામકે ચીફ ઓફિસરને વેપારીનાં પ્રશ્ર્ન બાબતે ઘટતું કરવા કહેતા જ નગરપાલિકાએ વેપારીઓની તમામ માંગણીનો સ્વિકાર કરી લીધો હતો.