હાલના અધિકારીઓ સરકારના ઇશારે નાચી રહ્યા છે: લલીત વસોયા
ખેડુતોના પ્રશ્ર્ને આજે ઉ5લેટાના બાવલા ચોકમાં ધારાસભ્ય ધરણા પર બેસે એ પહેલા જ ધારાસભ્યની અટકાયત કરાતા ખેડુતોમાં રોષની લાગણી ફેલાઇ છે.
ડીઝલના સળગતા ભાવ, ખાતરમાં સતત ભાવ વધારો, ભૂંડનો ત્રાસ, અપુરતા વરસાદને કારણે ખેતીમાં નુકશાનનું વળતર સહિતના પડતર મુદ્દે આજે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા બાપુના બાવલા ચોકમાં સવારે નવ વાગે ધરણા પર બેસવાના હતા.
ધારાસભ્ય લલીત વસોયા ધરણા બેસે તે પૂર્વે સરકારી હાઉસ ખાતે ટેકેદારો સાથે ચર્ચા કરતા હતા તે દરમ્યાન પોલીસ કાફલો ત્રાટકતા ભારે નાશ ભાગ મચી ગઇ હતી. પોલીસે ધારાસભ્ય લલીત વસોયા, તાલુકા કોંગ્રેસમાં પ્રમુખ ભુપતભાઇ કનેરીયા, પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઇ ડાંગર, કમલેશભાઇ વ્યાસ, અર્જુનભાઇ સહીત પાંચ ટેકેદારોની અટકાયત કરી હતી.
આ અંગે લલીત વસોયાએ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે હાલના અધિકારીઓ સરકારના ઇશારે નાચી રહ્યા છે. ભાજપના કાર્યકરો ગમે તેવા તાયફા કરે તો તેને નહી અટકાવવાના પણ કોંગ્રેસ જો ખેડુતોના પ્રશ્ર્નોને વાચા આપવા શાંતિથી આંદોલન કરે તો તેને પકડી પોલીસે મથકે લઇ જવાના? કયાંનો ન્યાય કહેવાય ? લલીત વસોયાની અટકાયત કરતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે.