આરોગ્ય વિભાગે કવોરન્ટાઈન કર્યા : મત વિસ્તારમાં દોઢ મહિનો ટિફિન સેવા બાદ સુરતમાં વસતા મતદારોને પરત લાવવા ૨૧ બસ પોતાના ખર્ચે બંધાવતા સરકાર ફફડી ઉઠી
ઉપલેટા-ધોરાજી વિધાનસભા મત વિસ્તારનાં કોંગ્રેસનાં લડાયક ધારાસભ્ય પોતાના મતદારો માટે લોકડાઉનમાં સતત દોઢ માસ ટીફીન સેવા કર્યા બાદ ચાર દિવસથી સુરત પહોંચેલા ધારાસભ્ય પોતાના મત વિસ્તારના લોકોને વતન લાવવા માટે ૨૧ બસોનો ખર્ચ પોતે ઉઠાવતા ભાજપના પેટમાં તેલ રેડાયું હતું. ધારાસભ્ય પોતાના વતન ધોરાજી ફરતા જ આરોગ્ય વિભાગે ૧૪ દિવસ માટે કવોરોન્ટાઈન કરી દેતા ધારાસભ્યની સેવામાં બ્રેક લાગી છે.
કોંગ્રેસના લડાયક અને નિડર ધારાસભ્ય લલિત વસોયા કોરોના વાઈરસને કારણે ધોરાજી, ઉપલેટા મત વિસ્તારના ગરીબ અને શ્રમજીવી લોકો ભુખ્યા ન સુવે તે માટે સતત દોઢ માસ સુધી ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાટણવાવ સહિત વિધાનસભા મત વિસ્તારના ગામોમાં દરરોજ બે ટાઈમ શાક, રોટલી, દાળ, ભાત, ખીચડી અને છાશ સહિતનું મેનું દરરોજ ૧૨ હજાર લોકોને જમાડીને ભારે લોકચાહના મેળવી હતી. સરકાર દ્વારા લોકડાઉનમાં છુટછાટ સાથે-સાથે સુરતમાં હિરા ઘસવા સહિત નાના-મોટા કામો કરતા કારીગરોને સૌરાષ્ટ્રમાં વતનમાં જવાની પરવાનગી આપતા ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પોતાના મત વિસ્તારના ધોરાજી-ઉપલેટા તાલુકાના ૪૦૦૦ હજાર જેટલા લોકોને વતન પરત લાવવા સુરત મુકામે છેલ્લા ચાર દિવસથી પહોંચ્યા હતા.
સુરતમાં છેલ્લા બે માસથી કામ ધંધા બંધ હોવાને કારણે ઘણા મતદારો પાસે વતનમાં પરત આવવા પૈસા ન્હોતા. આ વાત ધારાસભ્ય લલીત વસોયાને ધ્યાને આવતા તેઓએ સોશિયલ મીડિયા મારફત જરીયાત લોકો માટે પોતાના ખર્ચે વતન પહોંચાડવાનું બિડુ ઝડપી બે દિવસમાં ૨૧ બસોનું ભાડુ ૧૦૦૦ કરતા વધુ મુસાફરોનું પોતે ચુકવી દેતા ધારાસભ્ય લલીત વસોયાની ખેલદિલી ઉપર મતદારો આફરીન પોકારી ઉઠયા હતા. આ વાત વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઈ જતા ધારાસભ્ય લલીત વસોયાની સેવાને બ્રેક મારવા ભાજપ દ્વારા કોઈપણ ભોગે તંત્ર ઉપર પ્રેશર લાવી આખરે ગઈકાલે ધારાસભ્ય લલીત વસોયા પોતાના વતન ધોરાજી મુકામે આવી પહોંચતા તરત જ આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર પી.એમ.વાછાણીની સુચનાથી આરોગ્યની ટીમ તેમના ઘરે પહોંચી ધારાસભ્ય લલીત વસોયાને ૧૪ દિવસ માટે નોવેલ કોરોના વાઈરસનું સ્ટીકર લગાવી કવોરન્ટાઈન કર્યા છે.