અબતક-ઉપલેટા, કીરીટ રાણપરીયા : ઉપલેટા વિસ્તારમાં છેલ્લા એક દાયકાથી ગેરકાયદેસર લીઝ ધારકો ભૂમાફીયાઓએ અબજો રૂપિયાની સરકારી ખનીજ ચોરી આજે આઝાદ થઇ ગયા છે. તાલુકામાં મોજ, વેણુ અને ભાદર નદીમાં ર0-ર0 ફુટ ઉંડેથી રેતી કાઢી પથ્થર દેખાડી દેવા છતાં ખાણ ખનીજ ખાતું કેમ જાગતું નથી તેવો સા મણનો સવાલ લોકોમાં પુછાઇ રહ્યો છે. સરકારના અનેક કડક કાયદા ભૂમાફીયા ધોળીને પી જાય છે.
છતાં સરકારી બાબુઓ કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે.આવા અનેક સવાલો વચ્ચે તાલુકામાં છેલ્લા બે વર્ષથી ભૂ માફીયાઓની કમર ભાંગવા મેદાને પડયા હોય તેમાં મામલતદાર ગોવિંદભાઇ મહાવદીયાએ બે વર્ષમાં 46 વાહનો ઝડપી લઇ જે તે વિસ્તારના સ્થાનીક પોલીસને હવાલે કરી રાજકોટ ખાણ ખનીજ ખાતાને રિપોર્ટ કરતા બે વર્ષમાં સરકારી ચોપડે 80 લાખ રૂપિયા જેવી પેનલ્ટી તરીકે વસુલાત કરી સરકારની તિજોડી છલકાવી દીધી છે. ત્યારે છેલ્લા એક માસથી ગેર કાયદેસર લીઝ ધારકોને મામલતદાર ગોવિંદસિંહ મદાવદીયાની કામગીરી આંખના કણાની જેમ ખુંચી રહી છે.
આ કામગીરીમાં ચોકકસ ભુ માફીયાઓ સક્રિય થઇ લુખ્ખા માણસોને હાથો બનાવી સરકારી અધિકારીઓનું મોરલ તોડવાનું કામ કરી રહ્યા છે તે આ વિસ્તાર માટે કેટલા અંશે વ્યાજબી ગણાય, જો ભૂમાફીયા સરકારી અધિકારીઓને મનફાવે તેવા જવાબો આપી દેતા હોય તો ખેડુતો અને ગ્રામજનોની હાલત શું હશે તે કેમ ઉચ્ચ અધિકારીઓ જાણતા નથી અત્યાર સુધીમાં મોટાભાગના ગામોમાંથી કલેકટર કચેરી, ખાણખનીજ ખાતું, જીલ્લા પોલીસ વડા, રાજય સરકારને અનેક વખત લેખીત મૌખિક રજુઆતો કરવા છતાં કેમ કોઇ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી ? ઉચ્ચ સરકારી બાબુઓ ઉપર કેમ કાંઇ રાજકીય આગેવાનો પ્રેશર કરતા નથી તેવો લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે.
મામલતદાર મહાવદીયાની બે વર્ષની કામગીરીથી સરકારી તિજોરી છલકાઇ
સરકારી ચોપડેથી મળતી માહીતી મુજબ મામલતદાર ગોવિંદસિંહ મહાવદિયાએ બે વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યા બાદ જુન 2019 માં પાંચ વાહન સાથે 59,61,425 રૂપિયા, ડીસેમ્બર 2019માં એક વાહન સાથે 9,51,900 રૂપિયા, જાન્યુઆરી 2020માં બે વાહન 11,58,600 રૂપિયા, માર્ચ 2020માં બે વાહન 26,65,025 રૂપિયા, એપ્રીલ 2020માં બે વાહન 20,78,500 રૂપિયા, મે 2020માં પાંચ વાહન 93,40,000 રૂપિયા, જુલાઇ 2020માં બે વાહનો 19,17,500 રૂપિયા, ઓકટોમ્બર 2020 માં 8 વાહનો 1,1ર,216 રૂપિયા, નવેમ્બર 2020માં ત્રણ વાહન 12,38,425 રૂપિયા, જાન્યુઆરી 2021માં બે વાહન 13,80,000 રૂપિયા, મે 2021માં બે વાહનો 1ર,55,000 રૂપિયા, જુન 2021માં ચાર વાહનો 3,01,11,825 રૂપિયા તેમજ જુલાઇ 2021માં 8 વાહનો 51,74,880 રૂપિયા સાથે કુલ 46 વાહનો મળી સાત કરોડ 44 લાખ રૂપિયાની ખનીજ ચોરી ઝડપી તેમાંથી 80 લાખ રૂપિયા પેનલ્ટી મારફત વસુલાત કરી સરકારની તિજોરી છલકાવી છે.
અમુક ભૂમાફીયાઓને વ્હાઇટ કોલરનું પીઠબળ અમુક ઉપર ખાણ ખનીજ ખાતાની માઠી નજર
તાલકુામાં છેલ્લા એક દાયકામાં અબજો રૂપિયાની ખનીજ ચોરી થઇ ચુકી છે. દિન દહાડે લાખો રૂપિયાની આવક મળતી હોવાથી અમુક ગેર કાયદેસર લીઝ ધારકોને વ્હાઇટ કોલરનું પીઠબળ મળી રહ્યું છે. જયારે અમુકને ખાણ ખનીજ ખાતાની મીઠી નજર મળી રહેતા આજે ભુ માફીયા આમીદ થઇ ગયા છે.
ગેરકાયદેસર લીઝ ધારકો સામે ખેડુતોએ પણ ડર રાખ્યા વગર બહાર આવવું જોઇએ
ગેરકાયદેસર લીઝ ધારકો આજે ફટાકડાની જેમ ફુટી રહ્યા છે. આવા ખનીજ ચોરો સામે ખેડુતોએ પણ કાંઇપણ જાતનો ડર રાખ્યા વગર બહાર આવવું જોઇએ ગેર કાયદેસર લીજ ધારકો ખેતરાવ કરતામાંથી પૈસા આપી રસ્તો બનાવે છે તેનો ખેડુતોએ વિરોધ કરી વાહનનો ન ચાલવા દેવા જોઇએ.
ધોરાજીની જેમ કોઇ મોટી ઘટના બને એ પહેલા કાયદાનો દંડો ઉગામી ભૂ માફીયાઓને ભંડારવા જોઇએ
અગાઉ ભૂમાફીયાએ બે ફામ બન્યાના ધોરાજીમાં અનેક બનાવો બન્યા છે ધોરાજીના પ્રાંત અધિકારીના કાફલા ઉપર જે.સી.બી. ચડાવી દેવા અને તાજેતરમાં સુપેડી પાસે ભાદર નદીમાં ખાણ ખનીજ ખાતાની અધિકારી ઉપર હિતાચી મશીન ચડાવી દઇ જે હુમલાના બનાવો બન્યા છે તેવા બનાવો ઉપલેટામાં બને તે પહેલા આ ભુમાફીયાઓને ભંડારી દેવા જોઇએ તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
મહાવદીયાએ સાયલા મામલતદાર તરીકે પણ સારી કામગીરી બજાવી સરકારને એક કરોડ અપાવ્યા’તા
ગોવિંદસિંહ મહાવદિયા જયારે સુરેન્દ્રનગર જીલ્લામાં સાયલા તાલુકાના મામલતદાર તરીકે હતા ત્યારે એક વર્ષની કામગીરી દરમ્યાન એક કરોડ અઢાર લાખ પંચાવન હજારના દંડની વસુલાત કરી સરકારને આવક કરી આપી હતી.