પડધરી: તરઘડીમાં ફ્લેટની બારીમાંથી પ્રવેશી 13 તોલા સોના ઘરેણાની તસ્કરી
રાજકોટ જિલ્લામાં તસ્કરોના પડાવ હોય તેમ પાટણવાવ, ગોંડલ, ભાયાવદર અને પડધરી પંથકમાં ઘરફોડી ચોરીના બનાવો પોલીસ ચોંપડે નોંધાયા છે. ઉપલેટાના ખાખીજાળીયા અને પડધરીના રંગપર ગામે મકાનમાંથી સોનાના ઘરેણા અને રોકડ મળી રૂા.4.46 લાખના મત્તાની ચોરી ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતા ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે પોલીસ સ્ટાફ દોડી જઇ તસ્કરોનું પગેરૂં દબાવ્યું છે.
વધુ વિગત મુજબ ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે રહેતા હરદાસભાઇ રામભાઇ વરૂ નામના પ્રૌઢના મકાનમાંથી તા.13 માર્ચથી પાંચ દિવસ દરમિયાન રૂા.2,82,500ની કિંમતના સોનાના ઘરેણાની ચોરીની ફરિયાદ ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાશમાં હરદાસભાઇને આધારકાર્ડની જરૂર હોય પત્નિ કબાટમાં તપાશ કરતા જેમાં અમુક સોનાના ઘરેણા ન દેખાતા પુત્ર અને પુત્રવધુને બોલાવી તપાશ કરવા છતા સોનાના ઘરેણા જોવામાં ન આવ્યા હતા. ગત તા.13 માર્ચે ધોરાજી અને તા.17 માર્ચે ઉપલેટા ખાતે દવાખાને ગયા હતા. ત્યારે કોઇ જાણભેદું એ મકાનમાંથી ચાવી લઇ તિજોરીનું તાળુ ખોલી સોનાના ઘરેણા ચોરી ગયાનું જાણવા મળ્યું છે.
પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂં દબાવ્યું હતું.
આ ઉપરાંત પડધરી તાલુકાના તરઘડી રંગપર પાટી પાસે મારૂતિ સોસાયટી ફ્લેટમાં રહેતા હિરેનભાઇ હિરાભાઇ ફાગલીયા નામના યુવાનના ફ્લેટમાંથી તા.29 જાન્યુઆરીથી 24 કલાક દરમિયાન સોના-ચાંદીના ઘરેણા મળી રૂા.1,63,500ની મત્તા ચોરી કરી ગયાની પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાશમાં તા.29 જાન્યુ.એ જોડીયા ખાતે ફઇજીના પુત્ર-પુત્રીના લગ્નમાં ગયેલા અને ત્યાંથી મનહરપુર લગ્નમાં ગયેલા અને ત્યાં થરાદ ખાતે સમુહલગ્નમાં ગયા હતા. ફ્લેટના રસોડાની બારીની ગ્રીલ ન હોવાથી ત્યાં અજાણ્યો શખ્સ ફ્લેટમાં પ્રવેશી 13 તોલા સોનુ અને ચાંદીનો કંદોરો મળી રૂા.1,63,500ની ચોરી કરી ગયાનું ખુલ્યું છે.
પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વિવિધ દિશામાં તપાશનો ધમધમાટ આદર્યો છે.