અબતક,રાજકોટ
ઉપલેટા-જામનગર રૂટની એસટી બસમાં મુસાફરોને કંડક્ટર દ્વારા ટિકિટ આપવામાં ન આવ્યાની જાણ થતા એસટીના ટિકિટ ચેકીંગના સ્ટાફ દ્વારા મોટી પાનેલી પાસે બસ અટકાવી ચેકીંગ કરતા બસના કંડક્ટર ટિકિટ ચેકીંગ કરવા આવેલા ત્રણ અધિકારીને છરી બતાવી ખૂનની ધમકી દઇ ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને એસટીમાં ટિકિટ ચેકીંગ વિભાગમાં ફરજ બજાવતા અશોકકુમાર જયંતીલાલ શર્માએ ઉપલેટાના સાતવડી ગામે રહેતા અને ઉપલેટા-જામનગર રૂટની એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા ઇન્દ્રજીતસિંહ ગુલાબસિંહ વાળા સામે છરી બતાવી ખૂનની ધમકી દઇ ફરજમાં રૂકાવટ કર્યા અંગેની ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઉપલેટા-જામનગર રૂટની એસટી બસના મુસાફરો પાસેઓથી પૈસા વસુલ કરી ટિકિટ ન આપવામાં આવતી હોવાની ફરિયાદ અંગે ટિકિટ ચેકીંગ કરવા માટે અશોકકુમાર શર્મા, રમણીકલાલ મનસુખલાલ રાઠોડ અને અજયસિંહ પી. ચુડાસમા સહિતના અધિકારીઓએ ખારચીયા અને પાનેલી ગામ વચ્ચે એસટી બસ અટકાવી ચેકીંગ કરતા પાંચ આખી અને એક અડધી ટિકિટના પૈસા વસુલ કરી કંડક્ટર ઇન્દ્રજીતસિંહ વાળાએ ટિકિટ ન આપ્યાનું બહાર આવતા બંને વચ્ચે રકઝક થતા ધમકી દઇ ફરજમાં રૂકાવટ કર્યાનું ફરિયાદમાં જમાવ્યું છે.ભાયાવદર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.ડી.મજેઠીયા સહિતના સ્ટાફે કંડક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.