ખેતરમાં રમતી વેળાએ બાળકીને બચકા ભરી જનાવર ઉપાડી ગયું: ગંભીર રીતે ઘાયલ માસુમે સારવાર પહેલા જ દમ તોડયો
ઉપલેટા તાલુકાના મેરવદર ગામે એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં જંગલી જનાવારે ત્રણ વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ખેતરમાં રમતી વેળાએ બાળકીને જનાવરે બચકા ભરી લીધા. માસૂમને સારવાર મળે તે પહેલા જ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટાના મેરવદર ગામમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના નરવેલ પાંગુ ખરાડી ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમની ત્રણ વર્ષની માસૂમ બાળકી લક્ષ્મીને કોઈ જંગલી જનાવરે બચકા ભરતા બાળકીને જંગલમાં ઢસડી જવાનો પ્રયત્ન કર્યો હતો.
તે દરમિયાન બાળકીની મરણ ચીસો સાંભળી તેના પિતા નરવેલ ભાઈ સહિતના પરિવારજનો જનાવર પાછળ દોડતા પશુ બાળકીને મૂકી નાસી ગયા હતા. જેથી ગંભીર રીતે ઘાયલ માસુમ બાળકીને તાત્કાલિક સારવાર માટે ઉપલેટા ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ ઘટના અંગે જાણ થતાં ઉપલેટા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાંથી બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક લક્ષ્મી અને તેના પરિવારજનો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. છેલ્લા બે માસથી મેરવદર ખાતે ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. મૃતક લક્ષ્મી બે બહેનમાં મોટી હોવાનું જાણવા મળ્યું છે.