ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ત્રણ માસ પહેલા ટેકાના ભાવે ઘઉ સરકાર ખરીદશે તેવી મોટી-મોટી જાહેરાત કરી ખેડૂતોએ બે માસ પહેલા રજીસ્ટ્રેશન પણ કરાવી દીધા છે ત્યારે આજ સુધી કોઇ ટેકાના ભાવે ખરીદી થઇ નથી ઉલ્ટાનું ખેડૂતો વેપારીઓને ઘઉં વેચી પાયમાલ થઇ રહ્યાં છે.
ત્રણ માસ પહેલા રાજ્ય સરકારે ખેડૂતોના ઘરે લાપસીના આંધણ જેવી જાહેરાત કરી હતી કે સરકાર પુરવઠા નિગમ મારફત 390 રૂિ5યામાં એક મણ ઘઉની ખરીદી કરશે જે ખેડૂતને વેંચાણ કરવા હોય તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. આ જાહેરાતને આજે ત્રણ માસ થવા આવ્યા. બે માસ પહેલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવી દીધા છે. છતા સરકાર દ્વારા આજ દિન સુધી એક પણ ખેડૂત પાસેથી ઘઉની ખરીદી કરી નથી. ચોમાસુ વાવેતરને એક માસ જેવો સમય પણ બાકી નથી ત્યારે ખેડૂતોએ ચોમાસુ પાક વાવવા માટે બિયારણની જરૂરિયાત હોવાથી ખેડૂતોના ઘરમાં પડેલા લાખો રૂપિયાના ઘઉં મફ્તના ભાવે ખાનગી વેપારીઓને વેંચી રહ્યા છે હાલમાં વેપારીઓ ખેડૂતો પાસેથી 300 થી 320 સુધીના ભાવે ખરીદી કરે છે સરકારે ઘઉંના ટેકાના ભાવ 390 જાહેર કરેલા છે. આથી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી થાય તેની આતુરતા પૂર્વક રાહ જોઇને બેઠા છે.
સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડી દેતા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. એક ખેડૂતે જણાવેલ કે સરકાર કોરોનાની ગાઇડલાઇન આગળ ધરી ઘઉંની ખરીદીમાં ધ્યાન આપતી નથી પણ બે માસ પહેલા ચૂંટણીમાં હજારો માણસોને ભેગા કરી પ્રચાર કરી રહ્યાં હતાં ત્યારે કોરોનાની ગાઇડલાઇન ક્યાં ગઇતી જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉની ખરીદી નહિં કરે તો હાલમાં મોટાભાગના ઘઉ ખાનગી વેપારીઓના ગોડાઉનમાં ધકેલાઇ ગયા છે. તેમ વધેલા ઘઉં પણ ખેડૂતોને ચોમાસુ પાક વાવેતર કરવા માટે પૈસાની જરૂરીયાત હોવાથી પોતાના ઘઉંની નુકશાની ખમી પણ વેંચાણ કરવા પડશે. કોરોના, વાવાઝોડું, કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.
ત્યારે સરકારે તાત્કાલીક ધોરણે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવી જોઇએ. તેવી ખેડૂત વર્ગમાંથી માંગ ઉઠી છે.