વધુ એક લાખ પડાવવા લાલપુર પંથકના ત્રણ શખ્સોએ રિવોલ્વર બતાવી આપી ધમકી
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વરજાંગજારીયા ગામે આંગણવાડીમાં મુખ્ય સેવિકામાં નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂ.૭૦ હજારની છેતરપિંડી કરી વધુ રૂ.૧ લાખ પડાવવાના ઈરાદે લાલપુરના ત્રણ શખ્સોએ બે ભાઈને બંદુકથી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા તાલુકાના વરજાંગજારીયા ગામે રહેતા રાજેન્દ્રભાઈ વેલજીભાઈ સોલંકી નામના લુહાર પ્રૌઢે લાલપુરમાં રહેતો અબ્દુલ ઓસમાણ સંધી, વસીમ તારમામદ સંધી અને ચાંદીગઢ ગામે રહેતો અનવર અલીઉંમર સંધી નામના શખ્સે પુત્રીને નોકરી અપાવવાના બહાને વધુ રૂ.૧ લાખ બળજબરીથી વસુલવા બંદુક બતાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે ફરિયાદી રાજેન્દ્રભાઈ સોલંકીની પુત્રીને આંગણવાડીમાં મુખ્ય સેવિકા તરીકે ફોર્મ ભરેલું હોય જે અંગેની ઉપરોકત ત્રણેય શખ્સોને જાણ હોવાથી નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂ.૭૦ હજાર પડાવી લીધા બાદ રાજેન્દ્ર સોલંકી અને તેના ભાઈને પોરબંદર હાઈવે પર આવેલા પેટ્રોલપંપ ખાતે બોલાવી વધુ રૂ.૧ લાખની માંગ કરતા જે અંગે રાજેન્દ્ર સોલંકીએ ના પાડતા ઉપરોકત ત્રણેય સંધી શખ્સે પોતાની પાસે રહેલા બે નાળચા જેવી બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવ્યું હતું. ઉપલેટા પોલીસે ઉપરોકત ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ એચ.જી. પલ્લાચાર્ય ચલાવી રહ્યા છે.