ઉપલેટાના અનાજ કરિયાણાના વેપારીઓ ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દ્વારા અપાયેલ બંધના એલાનમાં જોડાયા
કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારીના માર વચ્ચે અનાજ, કઠોળ, ગોળ પર નાખવામાં આવેલ જીએસટીના વિરોધમાં આજે શહેરમાં કિરાણા એશો. દ્વારા ધંધા-રોજગાર બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો. હાલ ભયંકર મોંઘવારીનો સામનો દેશની મધ્યમ અને ગરીબ જનતા કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનાજ, કઠોળ, ગોળ જેવી વસ્તુઓ ઉપર 5 ટકા જીએસટી નાખવામાં આવતા ગઇકાલે ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દ્વારા અપાયેલા બંધના એલાનને ગુજરાતના વેપારીઓએ પણ સમર્થન આપી આ બંધના એલાનમાં જોડાતા તેના પડઘા આજે ઉપલેટા શહેરમાં પડ્યા હતા. શહેર કિરાણા એશો. દ્વારા અપાયેલા બંધને પગલે શહેરની રાજમાર્ગ, ભાદર રોડ, વિજળી રોડ, બડાબજરંગ રોડ સહિતના વિસ્તારના વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી કેન્દ્ર સરકાર દ્વારા લગાવેલા જીએસટીના વિરોધમાં રોષ વ્યક્ત કર્યો હતો.
અનાજ કરીયાણાના વેપારીઓએ બંધમાં જોડાઇને વડાપ્રધાનનો સંબોધીને મામલતદારને બપોરે 12 વાગે આવેદન પત્ર આપ્યુ હતું. ભારતીય ઉદ્યોગ-વેપાર મંડળ દ્વારા અપાયેલ જીએસટીના વિરોધને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સે સમર્થન આપેલ છે.