- આજે વિશ્ર્વ ચકલી દિવસ
- નાના પક્ષીઓનું મોટું સંકટ નિવારવા ચકલી બચાવવાની મહા ઝુંબેશ
- અત્યાર સુધી 100 ગામડા અને 200 થી વધુ શાળાઓમાં ચકલીના માળાઓનું સ્વખર્ચે વિતરણ કરી ચુક્યા છે
- ભાયાવદરના વેપારી નરેન્દ્રભાઈ ફળદુ, બાળકો નાનપણથી જ ચકલી અને પર્યાવરણની મહત્તા સમજે એ તરફ વિશેષ ધ્યાન આપીને દર વર્ષે ચકલી દિવસ નિમિત્તે યોજે છે રેલી
- ચકલી ઘર આંગણા નું પંખી છે. વર્ષો થયા તે માનવજાત સાથે તે હળી મળીને રહે છે. સિમેન્ટ કોક્રીટ ના મકાનો ની નવી રચનાને લીધે ચકલીઓના ઘર છીનવાઈ ગયા છે. ચકલીઓને પોતાનો માળો બાંધવા માટે યોગ્ય જગ્યા ન મળતી હોવાથી ચકલીઓની સંખ્યા ઘટી છે.
આ અંગે જણાવતા ઉપલેટા પંથકના ભાયાવદર ગામના વેપારી નરેન્દ્રભાઈ ફળદુએ જણાવ્યુ હતું કે 15 વર્ષ પહેલા મેં એક ચકલીનો માળો જોયો ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે આ શું? ચકલીઓને ઘર નથી મળતું…..નાનપણમાં આપણા ઘર આંગણે 40 થી 50 ની ચકલીઓના ટોળા જોવા મળતા હતા. અત્યારે બે થી ત્રણ ચકલી જોવા મળે છે. આવો વિચાર આવતા આ બે ત્રણ ચકલી ની જગ્યાએ ફરીથી 40 થી 50 ની સંખ્યા કરવી છે એવો સંકલ્પ કરી તેમણે ચકલી ને બચાવવાના આ અભિયાનની શરૂઆત કરી હતી.
એક નાનકડા વિચાર સાથે લીધેલો સંકલ્પ આજે વટ વૃક્ષ બની અનેક ચકલીઓને રહેઠાણ પુરા પાડી રહ્યો છે. નરેન્દ્રભાઈ ફળદુએ સર્વપ્રથમ 2010માં 1000 માળા ખરીદી સંપૂર્ણ પોતાના ભાયાવદર ગામમાં લગાડ્યા, ત્યારબાદ 2 હજાર, 5 હજાર થી આગળ વધતા ગયા. હાલ અંદાજે 12 હજારથી પણ વધુ ચકલીઓના માળા દર વર્ષે તેઓ લગાડે છે અને તેમના અભિયાનને વેગ આપી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા છેલ્લા દસ વર્ષથી વિશ્વ ચકલી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે.
બાળકો નાનપણથી જ ચકલી અને પર્યાવરણ બાબતે જાગૃત બને એ માટે નરેન્દ્રભાઈ વધુ ધ્યાન આપે છે. આ માટે તેઓ તેમની ટીમ સાથે દર વર્ષે આજુબાજુના 20 જેટલા ગામડા અને 20 જેટલી સ્કૂલમાં બાળકોને ચકલી બચાવો વિશેની માહિતી આપી અને ચકલીના માળા લગાડે છે. 2010 થી અત્યાર સુધીમાં તેઓ અરણી, સાજડીયારી, ટીંબડી, ખજુરડા, સીદસર, તરવડા, નાના દુધીવદર, વડાળી, મોજ ખીજડીયા, માત્રાવડ, જીવાપર, સત્યા, ભાણવડ, નાગવદર, ગધેથળ, વરજાંગ જાળીયા, જામકંડોરણા, જામ દાદર, બરડીયા, ચિત્રાવડ સહિતના આજુબાજુના 100 કરતાં વધુ ગામોમાં અને 200 કરતાં વધુ સ્કૂલોમાં ચકલી ઘર લગાડી આ અંગે ચકલી વિસે નાના- મોટા સૌને માર્ગદર્શન આપી ચુક્યા છે.
દર વર્ષે વિશ્વ ચકલી દિવસના કાર્યક્રમમાં બાળકો ઉત્સાહપૂર્વક રસ લઈ સહભાગી બનતા થાય અને પર્યાવરણ અને પ્રકૃતિ તરફ વળે એ માટે નરેન્દ્રભાઈ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવે છે, આ ઉપરાંત બાળકોને નિ:શુલ્ક ચકલીના માળાનુ વિતરણ પણ કરવામાં આવે છે. આ ચકલી બચાવો અભિયાનમાં તેમના પત્ની અને બંને બાળકો પણ જોડાયેલા છે. તેમનો દીકરો શ્યામ ગામમાં જ્યારે રાત્રે માળા લગાડવાના હોય ત્યારે સાથે જઈ મદદરૂપ બને છે અને દરેક સ્કૂલમાં પણ સાથે જાય છે.
ચકલી દિવસ માટે તેમણે જણાવ્યું હતુ કે બાળકોને જો નાનપણથી જ આપણે પ્રકૃતિ તરફ વાળીશું અને પ્રકૃતિનું સાચું જ્ઞાન આપશું તો ભવિષ્યમાં તે પ્રકૃતિને બચાવવા માટેના સુંદર કાર્યો કરી શકશે. બધાએ ભેગા મળી આ ઘર આંગણા ની ચકલી ને એક માળો આપી અને ઘર આંગણે કાયમી ઘરના એક સભ્યની જેમ સાચવવી જોઈએ.
ચકલી દિવસ નિમિત્તે લોકોને ખાસ સંદેશ
વિશ્વ ચકલી દિવસ 2025 નિમિત્તે લોકજાગૃતિ માટે સંદેશ આપતા નરેન્દ્ર ભાઈ એ જણાવ્યું હતું કે, આપણે દરેક લોકો પ્રકૃતિના ઋણમાં છીએ આ પ્રકૃતિનું ઋણ આપણે વૃક્ષો વાવી પશુ પક્ષીઓને સેવા કરી અને ઘાયલ અને બીમાર ગાય માતાને યોગ્ય જગ્યાએ સારવાર માટે પહોંચાડી અને આવા સેવાકીય પ્રવૃત્તિ કરી અને આપણે આ પ્રકૃતિનું ઋણ ચૂકવવું જોઈએ. ચાલો બધા ભેગા મળી આ ઘર આંગણા ની નાનકડી અને રૂપકડી ચકલી ને એક માળો આપી અને ઘર આંગણે કાયમી આપણા ઘરના એક સભ્યની જેમ સાચવીએ.
સ્વખર્ચે ચકલીના જતન માટે સંકલ્પબદ્ધ
નરેન્દ્રભાઈ પોતે એક વેપારી છે, અને ચકલી માટે તેઓ જે જે કામગીરી કરે છે તેનો ખર્ચ તેઓ પોતે જ ઉપાડે છે. આ ખર્ચમાં ચકલીના માળા, જનજાગૃતિ માટે પોસ્ટર અને બેનર, લોકો સુધી પહોંચવા માટે થતો વાહન વ્યવહારનો ખર્ચ તેઓ પોતે જ કરે છે. તેમની સાથે તેમના પત્ની અને બાળકો શ્યામ તથા ક્રેન્સી ઉપરાંત 7 લોકોની ટીમ આ અભિયાણમાં જોડાયેલી છે. તેમના પગાર આપવાથી લઈને તેમના રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ તેઓ જ કરે છે.