ગુજરાત રાજયમાં છેલ્લા 20 વર્ષથી અનામતનીતિનો પૂર્ણ અમલ થતો નથી અને અનામતનીતિ અંગેના સુપ્રિમકોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓની રાજયના વિવિધ વિભાગો અને કેડેરમાં સીધી ભરતી સમયે જાણી જોઇને અવહેલના કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજયના ગૃહવિભાગ ની સુચના અનુસાર ગુજરાત રાજય પોલીસદળ વર્ગ-3 પીએસઆઇ સર્વર્ગની જગ્યાઓની સીધી ભરતીની જાહેરાતમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની કુલ 301 જગ્યામાંથી અનુ. જાતિ માટે માત્ર (એક)જગ્યા જ અનામત આપી અનામતનીતિ તથા સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ચૂકાદાઓનો અવમાન કરાયો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1,2 અને 3ની ભરતીઓમાં પ્રિલિમિનરી પરીક્ષામાંથી મુખ્ય પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાંથી ઇન્ટરવ્યુ માટે પસંદગી સમયે ઉમેદવારના મેરીટને બદલે માત્ર જાતિને આધારે પસંદ કરવામાં આવે છે. એટલે કે બિન અનામત જગ્યા માટે મુખ્ય પરીક્ષા કે ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોની પસંદગી કરવાની હોય ત્યારે માત્ર બિનઅનામત ઉમેદવારોને જ પસંદ કરે છે. અનામત વર્ગના ઉમેદવારો બિન અનામત જગ્યામાં જવા માટેનું મેરીટ ધરાવતા હોય આમ છતાં આવા મેરીટ ધરાવતા ઉમેદવારોને ભરતી પ્રકિયાના પ્રથમ બે તબકકે મેરીટને બદલે માત્ર જાતિ આધારિત પસંદગી કરે છે. જે સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટ અને ગુજરાત સરકારના હુકમો અને ઠરાવોથી વિરૂદ્ધ છે.
રાજયની અનુદાનિત કોલેજો અધ્યાપક સહાયક વર્ગ-3માં આવતા હોય આથી જે તે જિલ્લાની એસટી એસસીની વસ્તી મુજબ અનામત જગ્યાઓ કોલેજમાં આપવામાં આવે. અધ્યાપક સહાયકની જાહેરાતમાં બેકલોગ, જગ્યાઓની સંખ્યા વિષય પ્રમાણે અલગથી દર્શાવવામાં આવે.
અધ્યાપક સહાયક ભરતી ઉમેદવારોની અંતિમ પસંદગીમાં શૈક્ષણિક મેરીટને ધ્યાને લેવામાં આવે. માત્ર ઇન્ટરવ્યુને આધારે ભરતી કરવામાં ન આવે.
રાજયની સરકાર હસ્તક તમામ વિભાગો અને અનુદાનિક બધા જ આયોગો, બોર્ડ, નિગમ, સંસ્થાઓમાં વર્ગ-1થી 4ની સીધી ભરતીમાં બેકલોગ રહેલી જગ્યાઓ જાહેરાતમાં નિયમ મુજબ અગલથી દર્શાવવામાં આવે જેનો અમલ ગુજરાત રાજયમાં કરવામાં આવતો નથી. ઉપરોકત તમામ મુદ્દાઓને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી સમતા સૈનિક દળના આગેવાનો પ્રફુલભાઇ પારધી, બાલાભાઇ સાંડયા, કેશુભાઇ વિંઝુડા, સોમાભાઇ મકવાણા, હરસુખભાઇ સોલંકી, રણછોડભાઇ સોલંકી, રેખાબેન મકવાણા, સંજયભાઇ પરમાર, નરશીભાઇ પારધી સહિત આગેવાનો દ્વારા ઉપલેટા મામલતદારને આવેદન આપવામાં આવ્યુ હતું.