સોપારી કિલોના ભાવ રૂ.૫૦૦, બાબુ ચુનો રૂ.૧૮૦૦એ પહોંચ્યો: તંત્રની બીક વગર વેપારીઓ ખુલ્લેઆમ મનફાવે તેવા ભાવ વસુલી રહ્યા છે
સમગ્ર રાજયમાં લોકડાઉનનાં પગલે આવશ્યક ચીજવસ્તુઓનાં ભાવમાં જેટલો વધારો નથી થયો એટલો વધારો પાન-મસાલા, ગુટખાના ભાવમાં થતા શહેરમાં દારૂની બાટલીની સાઈડ ૧૩૮ નંબર તમાકુએ કાપતા બીડી-ફાકીના બંધાણીઓના બજેટ વિખાઈ રહ્યા છે જયારે વેપારીઓ ૪૦૦ થી ૮૦૦ ટકા જેટલા ભાવ વધારો તંત્રની બીક વગર ખુલ્લે આમ લઈ રહ્યા છે.
શહેરમાં લોકડાઉનને પગલે જીલ્લા કલેકટર દ્વારા આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ વેચાણ ઉપર પ્રતિબંધ લગાવેલ હોવા છતાં શહેરનાં પાન-બીડીના વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ પોલીસ કે તંત્રની બીક વગર માલનું વેચાણ કરી રહ્યા છે. શહેરમાં ખુલ્લેઆમ પાન-બીડી તમાકુનું વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓ દ્વારા મોડી રાત્રે કે વહેલી સવારે પોતાની દુકાનો કે ગોડાઉનમાંથી માલ કાઢી પોતાના ઘરેથી ખુલ્લેઆમ તંત્રની બીક વગર માલનું વેચાણ કરી રહ્યા છે સાથે સાથે ૪૦૦ થી ૮૦૦ ટકા સુધીનો ભાવ વધારો લઈ રહ્યા છે. પહેલા શિવાજીની ૧ જુડીના ભાવ ૧૯ રૂપિયા હતા તેના આજે ૬૦ રૂા. લેવાઈ રહ્યા છે. મિરાજની પડીકીના ૪૦ રૂપિયા બોલાઈ રહ્યા છે અને વિમલની પડીકી ૧૫ રૂા.માં લાવ લાવ થઈ રહી છે. બંધાણીઓ પણ વેપારીઓને મનગમતા ભાવ આપી પોતાની વ્યસનની ભુખ સંતોષી રહ્યા છે. શહેર-તાલુકામાં તમામ બંધાણીઓ આજે ખુલ્લેઆમ પાન, ફાકી, બીડીનું સેવન કરી રહ્યા છે ત્યારે આ વસ્તુ આવે છે કયાંથી તે સો મણનો સવાલ પ્રજામાં થઈ રહ્યો છે.
સમગ્ર શહેરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે. તાલુકાનાં તમામ રોડ ઉપર ચેકપોસ્ટ છે. શહેરનાં તમામ ચોકમાં ૨૪ કલાક પોલીસની ડયુટી છે છતાં પાન, બીડી, તમાકુનો માલ કયાંથી આવે છે તે કેમ કોઈ રોકતું નથી આનો અર્થ એ થાય છે કે કાંતો વેપારીઓ તંત્રની આંખમાં ધુળ નાખીને માલ લઈ આવે છે અથવા માલ લઈને જતા વેપારી સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેવા પ્રજામાં સવાલ પુછાઈ રહ્યા છે. તંત્ર દ્વારા અનેક વાહનો ચેકિંગ કર્યા છતા આજદિન સુધી કયાંય પાન, બીડી, માવા પકડાયેલા નથી શું વ્યસનીઓને ખબર હતી કે લોકડાઉનમાં માલનો સ્ટોક કરી લઈએ સાથે સાથે પ્રજામાં એવી રમુજની વાતો થઈ રહી છે કે દારૂની બાટલીની સાઈડ ૧૩૮ નંબર તમાકુના પાઉચે કાપી લીધી છે. તંત્રએ આવા કાળાબજાર કરનારા અને જાહેરનામાના લીરેલીરા ઉડાડી ભંગ કરનારા વેપારીઓની સાન ઠેકાણે લાવવી જોઈએ.
કઈ-કઈ જગ્યાએથી માલનું વેચાણ થાય છે
- જવાહર સોસાયટી, તાલુકા પંચાયત કચેરી પાસેથી
- પોસ્ટ ઓફિસથી ગાંધી ચોકનો પાછળનો ભાગેથી
- જવાહર રોડનો ખૂણો, મંડપ રોડના ખૂણે પોરબંદર રોડ ઉપરથી
- બસ સ્ટેન્ડ ચોક, શહિદ ભગતસિંહ ચોક, કોલકી રોડ, સુવા પ્લોટ, કચરા ડાયા ચોક
બંધાણીઓએ વ્યસન છોડવા આ અવસરને વધાવી લેવો જોઈએ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આદેશોનું ચુસ્તપણે બંધાણીઓ દ્વારા પાલન કરવામાં આવે તો વર્ષોથી બંધાણી થઈ ગયેલ પાન, માવા, બીડી આજે મુકાઈ જાય તેમ છે ત્યારે બંધાણીઓએ આ અવસરને વધાવી લેવો જોઈએ.
કઈ વસ્તુના કેટલા ભાવ લેવાય છે
- શિવાજી બીડી-૧ મુળ ભાવ રૂા.૧૯ છે જેનું રૂા.૬૦માં વેચાણ થાય છે.
- સોપારીનું મુળ ભાવ રૂા.૩૦૦ છે જેનું ૪૫૦ રૂપિયામાં વેચાણ થાય છે.
- તમાકુ નંબર ૧૩૮ (૪૮ ગ્રામના) મુળ ભાવના ૧૯૦ રૂપિયા છે તેના ૮૦૦ લેવાય છે. (એક ડબલુ નાનું)
- તમાકુની પડીકીના મુળ ભાવ રૂા.૪ છે તેનું ૨૦ રૂપિયામાં વેચાણ થાય છે.
- બાબુ ચુનો ૨૭૦માં વેચાતો જેનાં રૂા.૧૮૦૦માં વેચાય છે.
- વિમલ તમાકુની પડીકી ૫ રૂપિયામાં વેચાતી અત્યારે ૧૫માં વેચાય છે.
- બાગબાન પાઉચ ૧૬૫માં વેચાતું તેનું અત્યારે ૮૦૦માં વેચાણ થાય છે.
- તમાકુની પડીકી મીરાજ ૧૦માં વેચાતી હાલમાં ૪૦ રૂા.માં વેચાય છે.
માલની ડિલેવરી કેવી રીતે થાય છે
કાળા બજાર કરતા શખ્સો દ્વારા મોડીરાત્રે કે વહેલી સવારે દુકાનેથી કે ગોડાઉનમાંથી માલ કાઢી ઘરેથી ડિલેવરી કરવામાં આવે છે. ડિલેવરી લેનાર વ્યકિતએ આગલા દિવસે માલનું બુકિંગ મોબાઈલ ફોનમાં કરાવી દેવાનું હોય છે.