તાલુકા પંચાયતની ૧પ બેઠક માટે ૬૮ દાવેદારી જયારે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ૧૩ દાવેદારો
પાનેલીમાં લેઉવા પટેલ, કોલકીમાં કડવા પટેલ અને ડુમીયાણીમા આહિર જ્ઞાતિના ઉમેદવારોને જિ.પં.ની ટીકીટ અપાશે
ઉપલેટા વિધાનસભા મત વિસ્તારમાં આવતા જીલ્લા અને તાલુકા પંચાયત ખાતે યોજાયેલી કોંગ્રેસની સંકલન અને સંગઠન બેઠકમાં આગામી જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી લડવા જાણે રાફડો ફાટયો હોય તેમ કુલ ૮૧ દાવેદારોએ પોતાના દાવેદારી નોંધાવી હતી. ૭૫-વિધાનસભા સમત વિસ્તારના કોંગ્રેસ પક્ષના આગામી જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી કેમ જીતી શકાય તે માટેની એક મીટીંગ એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં તાલુકો, જીલ્લા પ્રભારી અને ધારાસભ્યની હાજરીમાં યોજાઇ હતી. વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુનભાઇ મોઢવાડીયા વિધાનસભા પ્રભારી ભિખુભાઇ વાળોતરીયા અને ધારાસભ્ય લલીતભાઇ વસોયાની હાજરીમાં યોજાયેલ મીટીંગમાં એક હજાર કરતા વધુ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા. આ મીટીંગમાં આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી જીતવા માટે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ચુંટણી લડવા ઇચ્છતા કાર્યકરો પાસે દાવેદારી કરવાનું કહેતા જીલ્લા પંચાયતની પાનેલી, કોલકી અને ડુમિયાળી એમ ત્રણ બેઠક માટે ૧૩ દાવેદારો મેદાનમાં આવ્યા હતા જયારે તાલુકા પંચાયતની ૧પ બેઠકો માટે ૬૮ જેટલા દાવેદારોએ ટીકીટ માંગી હતી. આમ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મળી કુલ ૮૧ દાવેદારો મેદાનમાં આવ્યા હતા. જીલ્લા પંચાયતની ત્રણ બેઠક માટે પાનેલીમાં ચાર કોલકીમાં ત્રણ અને ડુમિયાણીમાં છ મળી કુલ ૧૩ દાવેદારોએ ટીકીટ માટે લાગણી કરી હતી. આ તકે વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુનભાઇ મોઢવડીયા અને જીલ્લા અને તાલુકા પંચાયત સીટના પ્રભારી ભિખુભાઇ વાળોતરીયા એ કાર્યકર્તાઓને જણાવેલ કે કોઇપણ જાતના નાત જાત કછળના ભેદભાવ વગર પાર્ટી જે ઉમેદવાર ઉતારે તેની તરફેણમાં કામ કરી ઉમેદવારો કેમ વધુ લીડથી ચુંટાઇ આવે તેની તૈયારી અત્યાર થી જ કરી કામે લાગી જવા હાંકલ કરી હતી. જયારે ધોરાજી- ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે આ વખતે જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી લડવા બહોળી સંખ્યામાં દાવેદારો છે ત્યારે પાર્ટી જીતે શકે તેવા મજબુત પાર્ટીને વફાદાર અને કોંગ્રેસ ના કાર્યકર્તાને ટીકીટ આપશે.
અત્યારથી તો નામ ન આપી શકીએ પણ એટલું જરુર કહી શકું કે જીલ્લા પંચાયતની કોલકી બેઠક ઉ૫ર કડવા પાટીદાર, પાનેલી બેઠક ઉપર લેઉવા પટેલ અને ડુમિયાણાની બેઠક ઉપર આહિર જ્ઞાતિના ઉમેદવારો લડવામાં આવશે જયારે પરિવારમાં કોઇપણ એક વ્યકિતને જ ટિકીટ આપવામાં આવશે તેમ જણાવેલ હતું.
વર્તમાન આઠ સભ્યોએ દાવેદારી પડતી મૂકી
આ વખતે બેઠકોના સમીકરણ બદલાતા જીલ્લા પંચાયતના ગત ટર્મના ત્રણેય ઉમેદવારોએ દાવેદારી કરવાનું માંડી વાળ્યું હતું. જયારે તાલુકા પંચાયતના પાંચ સભ્યો કિશોરભાઇ ઝાલાવડીયા, પાનેલી, ગીતાબેન મુછડીયા, હાડફાંડી અને નરેન્દ્રભાઇ ચૌહાણ સમઢીયાળા, સાજડીયાળી ચિનાભાઇ પટેલ અને જામટીંબડી માંથી કાંન્તીભાઇ ઘેટીયાએ દાવેદારી નોંધાવી નથી.
અત્યાર સુધીમાં એકાદ વખત બાદ કરતા તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્જામાં રહી
સ્થાનિક તાલુકા પંચાયતની વાત કરીએ તો આઝાદી કાળથી અત્યાર સુધીમાં માંડ એક વખત ભાજપ તાલુકા પંચાયત ઉપર કબજો કરી ચુકયું છે. આ સિવાયનો કબજો કોંગ્રેસના હાથમાં રહ્યો છે. છેલ્લા દશ વર્ષ થયા કોંગ્રેસના લાખાભાઇ ડાંગર પ્રમુખ પદ ભોગી રહ્યા છે.
ગત ટર્મમાં કોંગ્રેસને ૧૮ માંથી ૧૭ બેઠકો મળી હતી
પાંચ વર્ષ પહેલા યોજાયેલ અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ઉપલેટા તાલુકામાં પાટીદાર અનામત આંદોલન તે કારણે જીલ્લા પંચાયતની ત્રણેય બેઠક અને તાલુકા પંચાયતની ૧૮માંથી ૧૭ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતા.