- પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખી જવાબદારીમાંથી મૂક્તિ માંગી
ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ બનવા પહેલા દાવેદારી નોંધાવી બાદ પાર્ટીએ જવાબદારી સોંપતા જવાબદારીમાંથી મુક્ત કરવા પ્રદેશ ભાજપના પ્રમુખ પાસે માંગણી કરતા સમગ્ર શહેરમાં ટોપ ઓફ ટાઉન બન્યો છે.
પાર્ટીએ નારાજગીની નોંધ લીધા વગર યુવાનો માટે માર્ગ મોકળો કરતા આવનારા દિવસોમાં અનેક શહેર-મહાનગરોમાં શિક્ષીત યુવાનોને પાર્ટીની વિવિધ જવાબદારી સોંપાશે. તેવું પાર્ટીએ હાલ સંગઠન પર્વ અંતર્ગત યુવાનોને જવાબદારી સોંપી દીધી છે. પણ ઉપલેટા શહેરમાં ઉલટી ગંગા જોવા મળી છે. હાલ ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય હોદ્ા માટે લાંબી લાઇન જોવા મળે છે ત્યારે ઉપલેટા શહેર ભાજપના પ્રમુખે 24 કલાકમાં જ જવાબદારીમાંથી મુક્ત કરવા પ્રદેશ ભાજપના પ્રમુખને પત્ર લખી જણાવેલ છે.
ઉપલેટા શહેરમાં પ્રમુખ બનવા માટે સાત જેટલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. દાવેદારી બાદ કાર્યકર્તાઓ પોત પોતાની રીતે પ્રમુખ પદ હાંસલ કરવા લોબીંગ ચાલુ કર્યું હતું. સાત દાવેદારોમાં શહેર ભાજપ યુવા કાર્યકર પ્રતિક વોરાએ પણ દાવેદારી કરતા બે દિવસ પહેલા પાર્ટી દ્વારા વિવિધ મંડલોના પ્રમુખની જવાબદારી સોંપતા તેમાં ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ તરીકે પ્રતિક વોરા નામના જાહેરાત કરી હતી. પાર્ટી દ્વારા જાહેરાત બાદ 24 કલાકમાં એવું તો શું બન્યું કે પ્રતિક વોરા પ્રમુખ પદની જવાબદારી સંભાળે તે પહેલા જ પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલને એક પત્ર લખી ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ પદની જવાબદારીમાંથી મુક્ત કરવા માંગણી કરેલ છે. પ્રતિક વોરાએ પત્રમાં જણાવેલ કે મારે મારા વ્યવસાય અને પારિવારિક કારણોસર આ જવાબદારીમાંથી મુક્ત કરવા માંગણી કરેલ છે ત્યારે શહેરના પ્રબુધ્ધ નાગરિકો અને શહેરીજનોમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે શું પ્રતિક વોરાએ 4 દિવસ પહેલા દાવેદારી કરી ત્યારે તેને પરિવાર કે વ્યવસાયની ખબર ન હોતી અથવા ખબર હતી તો શું ભાજપને ગુમરાહ કરવા પ્રમુખ પદે માંગણી કરેલ હતી.