ઉપલેટામાં સર્વોદય સોસાયટીમાં થોડા દિવસ પહેલા દાદરા પરથી પટકાતા બાળકીનું મોત થયું હોવાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. જેમાં કાકીએ જ બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનો ઘટસ્પોટ થયો છે. તો મૃતક બાળકીના પિતાને ઘટનાની જાણ હોવા છતાં પણ ગુનો છુપાવવા પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જેથી મૃતક બાળકીની માતાની ફરિયાદ પરથી કાકી-કાકા અને બાળકીના પિતા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટાની સર્વોદય સોસાયટીમાં મંગળવારે 10 વર્ષની આયુષી નિમાવત નામની બાળકીનું દાદરા પરથી પટકાતા મોત થયું હતું. પરંતુ તેમાં કઈ અજુગતું થયું હોવાની જાણ થતાં આયુષીની માતા કિરણબેન પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને તપાસ કરવાનું જણાવ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બાળકીના કાકી વંદના મયુર નિમાવતે આયુષીને વસ્તુ આપવાના બહાને અગાસી પર બોલાવી ધાબળો ઓઢાડી દસ્તાથી માર મારી દાદરા પરથી બાળકીને ફેંકી દીધી હતી. ત્યાર બાદ બાળકીના પિતા ચેતન અને તેના ભાઈ મયુરનો ઘટના અંગે જાણ થતાં બાળકીનું બારોબાર અગ્નિસંસ્કાર કરવી દીધું હતું.

આયુષિની વંદના નિમાવતે હત્યા કરી નાખ્યાની બન્ને ભાઈને જાણ હોવા છતાં બીજા માળના પગથિયાંથી અગાસી સુધીમાં જ્યાં પણ લોહીના ડાઘ હતા તે સાફ કરી નાખ્યા હતા અને અગાસી પર લોહીના ડાઘવાળું બ્લેન્કેટ અને ચાદર પણ સાફ કરવાની કોશિશ કરી હતી. બન્ને ભાઈઓએ નક્કી કર્યું કે, આ પ્રકરણમાં આપણે કંઈ કરવું નથી અને લાશનો બારોબાર નિકાલ કરી આવીએ. સાંજે છ વાગ્યે આયુષિની લાશને ખાનગી કારમાં ઘરે લઈ આવ્યા બાદ સગાં-વહાલા અને પાડોશી સહિત 15 વ્યક્તિએ આયુષિની અંતિમ વિધિ કરી નાખી અને મંગળવાળે રાત્રે 11 વાગ્યે બધા ઘરે આવી ગયા.

આ અંગે અનેક સંબંધીઓને પણ જાણ થતાં મામલો રફેદફે કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ માતા કિરણબેને પોલીસમાં જાણકારી આપી પોલીસ દ્વારા તપાસમાં તમામ મામલે પડદો ઉઠ્યો હતો. પોલીસે માસૂમ બાળકી આયુષીની હત્યાના કેસમાં કાકી વંદના મયુર નિમાવત, પિતા ચેતન હરસુખ નિમાવત અને કાકા મયુર હરસુખ નિમાવતની હત્યા અને પુરાવો નાશ કરવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.