નગરપાલિકા વિસ્તારમાં બે વર્ષના બદલે એક જ વર્ષમાં ભૂગર્ભ ગટરના કામ પૂર્ણ થાય તેવી મંત્રીની તાકીદ
રાજકોટના ગોંડલ ખાતે જિલ્લાની છ નગરપાલિકાઓ દ્વારા થયેલા જનસુખાકારી શહેરી સુવિધાના વિકાસ કામોની સમીક્ષા કરતા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શહેરી વિકાસના કામોને પ્રાથમિકતા આપીને ખૂબ ઝડપથી આગળ વધારી રહી છે.
નગર વિકાસ યોજના ટી.પી.સ્કીમમાં સ્થાનિક કક્ષાએ બિનજરૂરી વિલંબ કઇ રીતે અટકાવી શકાય તે અંગે મંત્રીએ કેટલાક ઉદાહરણો આપીને ચીફ ઓફિસરોને પત્ર વ્યવહારની સાથે જરૂરી ફોલોઅપ લેવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટરના કામો સામાન્યપણે બે વર્ષમાં પૂર્ણ થાય છે .આ કામો બે વર્ષના બદલે એક વર્ષમાં પૂર્ણ થાય તો રસ્તાના કામો પણ ઝડપથી પૂર્ણ થઇ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપલેટા જસદણ સહિતની નગરપાલિકાઓની જરૂરિયાત મુજબના નવા ભવનની પણ દરખાસ્ત મંજૂર કરાશે.
નગરપાલિકાઓમાં ખાલી જગ્યાઓની ભરતી કરવા, સફાઈ કામદારોની ભરતી, નગરપાલિકાઓની સ્થાનિક આવક વધે તે માટે વસૂલાતમાં વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાની સાથે સાથે નાની નગરપાલિકાઓ એકત્ર કરેલા કચરાનો નિકાલ સામૂહિક ધોરણે કરી આવક મેળવે તે માટે તમામ પ્રકારની મદદ રાજ્ય સરકાર કરશે તેમ પણ જણાવ્યું હતું. રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં થયેલી નોંધપાત્ર કામગીરી જેવી કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ફાયર સેફટી, ભરતી પ્રક્રિયા, સ્વચ્છતા મિશન, નળ કનેક્શન સહિતની રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળની થયેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં સાંસદ રમેશભાઈ ધડુકે વિકાસના કામો માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ગોંડલ નગરપાલિકાના પ્રમુખ શીતલબેન કોટડીયા તેમજ અન્ય પદાધિકારીઓએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. ગોંડલ નગરપાલિકા ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાની નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષો, ચીફ ઓફિસરો, તેમજ રિજિયોનલ કમિશનર ધીમંતકુમાર વ્યાસ, અધિક કલેક્ટર એન.એફ.ચૌધરી, ચીફ ઓફિસર (વર્ગ-1) તિલક શાસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.