ઉપલેટા તાલુકાના પ્રમુખપદે રમણીકભાઇ લાડાણી અને ધોરાજી તાલુકાના પ્રમુખ તરીકે હરસુખભાઇ માંકડીયાની નિયુકતી
ગુજરાત વિધાનસભાની ચુંટણી વર્ષમાં ભાજપે સંગઠનને તાકતવર બનાવવા માટે રાજકોટ જીલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના આદેશ અનુસાર પ્રદેશ ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા દ્વારા ઉપલેટા અને ધોરાજી તાલુકાના ભાજપના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ઉપલેટા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રમણીકભાઇ લાડાણી અને ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હરસુખભાઇ માંકડીયાની નિયુકતી કરવામાં આવી છે.
નવનિયુકત હોદેદારોને રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, પ્રદેશ ઉપાઘ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, સાંસદ રમેશભાઇ ધડુક, મોહનભાઇ કુંડારીયા, પૂર્વ કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયા તથા કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા અને લાખાભાઇ સાગઠીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.