ઉપલેટા પંથકમાં છેલ્લા ત્રણ દિવસ થયા સતત ધીમી ધારે વરસાદ વરસતા ગઇકાલે વધુ ત્રણ ઇંચ નોંધાતા મોસમનો કુલ વરસાદ બાર ઇંચ નોંધાયો છે. પીવાનું પાણી પુરૂ પાડતા બંને ડેમોમાં પાણીની આવક થયેલ હતી. જ્યારે નીચાણવારા વિસ્તારમાં પાણી ભરાતા બાળકો માટે સ્વીમીંગ પુલ બન્યા હતા. શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બે થી ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં મોસમનો 8 થી 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરી વિસ્તારમાં ગઇકાલે વધુ ત્રણ ઇંચ વરસાદ વરસતા મોસમનો કુલ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ પંથકને પીવાનું પાણી પુરૂ પાડતા મોજ ડેમમાં અઢી ફૂટ નવું પાણી આવતા ડેમની કુલ સપાટી 30.80 પહોંચી છે. જ્યારે વેણું ડેમમાં પાંચ ફૂટ જેવું નવું પાણી આવતા કુલ સપાટી 42.97 નોંધાયેલ હતી. હાલ બંને ડેમમાં પાણીની આવક બંધ થયેલ છે.