સામાન્ય સંજોગોમાં મહિલાને પ્રસૂતિ સમય નિશ્ચિત હોતો નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ પ્રસૂતિની ઇમર્જન્સીમાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ક્યારેક ડીલેવરી કરવી પડતી હોવાનું ૧૦૮ ના ઇમર્જન્સી કોઓર્ડિનેટર વિરલ ભટ્ટ જણાવે છે.
અણીના સમયે મહિલાની સ્થળ પર જ ૧૦૮ની ટીમ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવતી હોવાના અનેક કિસ્સા બને છે. આવો જ એક અતિ ક્રિટિકલ કિસ્સો ઉપલેટા પંથકમાં બન્યો છે. આજે સવારે ઝાંઝમેર ગામના આશાબેન દિનેશભાઈ મકવાણા નામના સગર્ભા મહિલાને સવારે ૮ કલાકે પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા પરિવારના લોકોએ મદદ માટે ૧૦૮ ને ફોન કરેલો હતો.
પરિસ્થિતિની જાણ થતા જ ઉપલેટા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈ.એમ.ટી. ધીરુભાઈ લાખોતરા અને પાઇલોટ રાજુભાઇ ચાવડાએ સ્થળ પર પહોંચી દર્દીને તપાસતા માલુમ પડ્યું કે બાળક બહાર આવી રહ્યું છે. જેને ટેકનિકલ ભાષામાં “હેડ ક્રાઉન” કહેવાય છે. આ સ્થિતિમાં ડોક્ટરની ઓનલાઈન મદદથી બાળકની ડીલીવરી સ્થળ પર જ કરવી પડે તેમ હોવાથી ઈ.એમ.ટી. ધીરુભાઈ અને પાયલોટ રાજુભાઇએ આજુ બાજુની બહેનોને મદદ માટે બોલાવીને સ્થળ પર જ બાળકની સફળ ડીલિવરી કરાવી હતી.
માતા અને બાળક બંનેની સ્થિતિ સારી જણાતા પૂરતી સારવાર માટે માતા અને બાળકને ધોરાજી સરકારી હોસ્પિટલમાંમાં લઇ જવામાં આવ્યા હતા. આવા ઉમદા કામ માટે રાજકોટ ૧૦૮ ના ઈ.એમ.ટી વિરલ ભટ્ટ ઉપલેટા ૧૦૮ ટીમને ધન્યવાદ પાઠવ્યા હતાં.
૧૦૮ દ્વારા ઈમરજન્સીમાં ટ્રોમા, પ્રસુતિ તેમજ હૃદય રોગના હુમલામાં અનેક વખત અણીના સમયે દર્દી પાસે પહોંચી તેઓની અમૂલ્ય જિંદગી બચાવવામાં મદદરૂપ બન્યા છે.