- લીંબુડી,આંબા, સફરજન, સેતુર, પપૈયા સહિતના ફળફળાદી અને શાકભાજીનો 17 વીઘાનો વિશાળ બગીચો
- પ્રથમ નજરે જ વાડીનું દ્રશ્ય જોઈએ એટલે બિલાડીના ટોપ સમાન 1100 જેટલા પોલની હારમાળા દેખાય. જેને ફરતે થોર જેવી વેલ વીંટળાયેલી હોય, અને તેમાં લાલ ચટક ફૂલ અને લોહ તત્વથી ભરપૂર કમલમ (ડ્રેગન ફ્રુટ) મધમઘતા દેખાય ત્યારે આંખોને ખરેખર ઠંડક થાય. આવું હરિયાળુ દ્રશ્ય તમને ઉપલેટામાં આવેલ વડાળી ગામના નીતિનભાઈ અઘેરાના દિલથી તૈયાર કરાયેલા પ્રાકૃતિક ફાર્મમાં જોવા મળે..
- માત્ર એટલું જ નહીં… મિશ્ર પાકના અનુભવી નીતિનભાઈએ ડ્રેગન ફ્રુટ (કમલમ) ની સાથોસાથ પપૈયા પણ વાવેલા છે. એક તરફ બામ્બુના ઝાડવાઓનું જંગલ, તો બીજી તરફ લીંબુડીઓના ઝાડવામાં લીલાછમ લીંબુ લટકતા હોય, મધ્યમાં સફરજન, આંબા, શેતુર સહિતના અન્ય રોપાઓ પણ ખુલ્લા વાતાવરણમાં લહેરાતા હોય ત્યારે આવા બાગ-બગીચામાં ફરતા ફરતા શેર લોહી ચોક્કસ ચડી જાય.
પ્રાકૃતિક ખેતીના હિમાયતી નીતિનભાઈ અઘેરા તેમના બાગ બગીચાની હરિયાળી વિશે જણાવે છે કે, વર્ષ 2017 થી મેં રાસાયણિક ખેતી છોડી દીધી છે. થોડા વર્ષો પહેલા મારી પોતાની હેલ્થ પર અસર થતાં જ મેં પ્રાકૃતિક ખેતીનું મહત્વ પિછાણ્યુ.
લોકોના આરોગ્યનું પણ જતન કરવું જોઈએ, તેવા ભાવ સાથે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. છેલ્લા બે વર્ષથી તેઓએ સાત વીઘામાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું. બીજા વર્ષે જ 4000 જેટલા રોપાઓમાં 400 કિલો જેટલા ડ્રેગન ફ્રુટ્સનું ઉત્પાદન થયું. આશરે 200 રૂ. લેખે ગણિત માંડીએ તો 80 હજાર જેટલા રૂપિયાની આવક તેમને ડ્રેગન ફ્રુટમાથી થઈ છે. આ સાથે 10 વીઘામાં લીંબુનું પણ વાવેતર કર્યું હોવાથી વર્ષે ઢગલા બંધ લીંબુઓ નું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.
વાંસની ઘર વપરાશની વસ્તુઓ, દિવાસળી, અગરબત્તી સહિત અનેક જગ્યામાં ઉપયોગ થતો હોવાથી 17 વીઘામાં બામ્બુના રોપાનું પણ તેમણે વાવેતર કર્યું છે. જેને બે વર્ષ જેટલો સમય થયો છે. પાંચ વર્ષમાં તેમને બામ્બુ માંથી પણ ખૂબ સારી એવી આવક ઊભી થશે. બામ્બુના લીધે તેમના બગીચાનો લુક પણ ખુબ સરસ આવે છે.
ડ્રેગન ફ્રુટની કમાણી ઉપરાંત વધારાની આવક મેળવવા માટે તેની કલમો તૈયાર કરી રોપાઓનું પણ વેચાણ કરવું જોઈએ, મિશ્ર પાક કરવા જોઈએ અને તેનું યોગ્ય જતન કરવાથી મોટા પાયે એક જ વર્ષમાં તમને પરિણામ મળે છે તેમ નીતિનભાઈ જણાવે છે.
નીતિનભાઈ વિશેષમાં જણાવે છે કે, માત્ર વ્યવસાયિક ધોરણે જ નહીં, પરંતુ શોખના કારણે અને પરિવાર સહિત મિત્રો સગા સંબંધીઓને આરોગ્ય વર્ધક ફળફળાદિ મળી રહે તે માટે બાગ બગીચાનું પ્રાકૃતિક ધોરણે ઉત્પાદન કરવાનું તેમણે શરૂ કર્યું છે.સુખી સંપન્ન પરિવારના નીતિનભાઈ અન્ય વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે પરંતુ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ ઉક્તિને પચાવેલા નીતિનભાઈ માત્ર પોતાનું નહીં પરંતુ ‘સર્વ જન સુખાય’ ની વિભાવનાથી શક્ય એટલા વધુ ને વધુ લોકોને પ્રાકૃતિક ખેતીના મીઠા મધ ફળફળાદિ મળી રહે, તે દિશામાં કાર્યરત છે.ગૌશાળા અને તેના મળમૂત્રમાંથી ઘન જીવામૃત અને જીવામૃતનું ઉત્પાદન કરતા નીતિનભાઈ મોડલ ફાર્મ પણ ધરાવે છે. અનેક ખેડૂતોને તેમના ફાર્મ પર બોલાવી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવી લહેરાતા ઉભા મોલ દેખાડી મોટા પાયે ઉત્પાદન કરવાની પ્રેરણા આપે છે. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આ પ્રકારની પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ તેવો સંદેશો નીતિનભાઈ આસપાસના ગામના ખેડૂતોને પાઠવી રહ્યા છે.તેઓના આ કાર્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટનો પણ તેમને સહયોગ મળી રહ્યો છે. આત્માના ઉપલેટાના અધિકારી એ.ટી.એમ. રવિ બરોચીયા આસપાસના ગામોના લોકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવા અહીં નીતિનભાઈના મોડલ ફાર્મ હાઉસ પર બોલાવી જન જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.