રૂા.100 કરોડની વસુલીના કેસમાં બોમ્બે હાઈકોર્ટના સીબીઆઈ તપાસના આદેશ: પરમબીરસિંહે દેશમુખના બંગલાના સીસીટીવી ફૂટેજની તપાસ
કરવા માંગ કરી: 15 દિવસમાં સીબીઆઈ તપાસ કરે, ગૃહમંત્રી પર આરોપ છે માટે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી: બોમ્બે હાઈકોર્ટ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે રાજીનામુ આપતા મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલ-પાથલ થવા પામી છે. અનિલ દેશમુખ ઉપર રૂા.100 કરોડની વસુલીનો ગંભીર આક્ષેપ છે. દરમિયાન બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને 15 દિવસમાં તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટનું કહેવું છે કે, ગૃહમંત્રી ઉપર આદેશ છે માટે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી. મુખ્ય ન્યાયધીશ દિપાંકર દત્તા અને ન્યાયધીશ જી.એસ.કુલકર્ણીની ખંડપીઠે આ આદેશ આપ્યા છે. મુંબઈના પૂર્વ પોલીસ ચીફ પરમબીરસિંહે ગૃહમંત્રી દેશમુખ ઉપર કરેલા ગંભીર આક્ષેપ સાથે સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની માંગણી કરી છે. એડવોકેટ જયશ્રી પાટીલે કરેલી પીટીશન બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. અનિલ દેશમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા જ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે તેમના પર 100 કરોડની વસુલીનો આરોપ લગાવવામાં આવ્યો હોવાથી અત્યારે મહારાષ્ટ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર
સિંહના કેસમાં બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને 15 દિવસમાં પ્રાથમિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપ નાના નથી અને રાજ્યના ગૃહ મંત્રી પર છે, એટલા માટે પોલીસ તેની નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી. કોર્ટે આ આદેશ ડો. જયશ્રી લક્ષ્મણરાવ પાટિલે કરેલી જાહેરહિતની અરજી બાબતે આપ્યો હતો.પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. અરજીમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી હતી. આ સાથે જ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના પદથી ટ્રાન્સફર કરવાના આદેશને પણ પડકારવામાં આવ્યો છે. આ પહેલા અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસની માંગ અંગે પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવતા સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટમાં જવા કહ્યું હતું.પરમબીર સિંહનો દાવો છે કે ગૃહ મંત્રી દેશમુખ સચિન વઝેની સાથે પોતાના બંગલા પર સતત બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન 100 કરોડ કલેક્શનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરમબીરે દેશમુખના બંગલાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની માંગ પણ કરી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પરમબીરસિંહને ફટકાર લગાવતા કહ્યું હતુ, તમે કોઈ સામાન્ય માણસ નથી. ખોટા કાર્ય સામે ફરિયાદ નોંધાવવી તે તમારી જવાબદારી હતી. એ જાણ્યા છતાં કે તમારા ‘બોસ’ તરફથી ગુનો કરવામાં આવી રહ્યો છે, તમે ચૂપ રહ્યા. હાઇકોર્ટે પૂછ્યું હતું કે પોલીસમાં ફરિયાદ નોંધ્યા વગર સીબીઆઈ તપાસનો આદેશ કેવી રીતે આપી શકાય છે?. કોર્ટે પૂછ્યું કે તમે ગૃહ મંત્રી સામે પોલીસમાં ફરિયાદ કેમ નોંધાવી નહીં? જો ફરિયાદ નોંધાઈ ન હોત તો તમે મેજિસ્ટ્રેટ પાસે ગયા હોત, તમે હાઇકોર્ટને મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદલી શકતા નથી.