હાલ સુધારા માટે વસુલાતી ફી રૂ.૨૫થી વધારી રૂ.૫૦ કરવા હિલચાલ
કેન્દ્ર સરકાર દ્વારા મોટાભાગની યોજનાઓ અને સેવાઓમાં આધારકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં આધારકાર્ડની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હાલ સુધારા-વધારા માટે અરજદારોનો સારો એવો ઘસારો રહે છે. સુધારા માટે હાલ રૂ.૨૫ ફી વસુલ કરવામાં આવે છે જે કેન્દ્ર સરકારનાં નવા પરીપત્ર મુજબ બમણી એટલે કે રૂ.૫૦ કરવાની હિલચાલ ચાલી રહી છે. ટુંક સમયમાં તેની અમલવારી પણ કરી દેવામાં આવશે.
હાલ આધારકાર્ડમાં ફિંગરપ્રિન્ટ, નામ, સરનામું, અટક, પિતાની જગ્યાએ પતિનાં નામનો ઉમેરો અને જન્મ તારીખમાં ફેરફાર કરવા સહિતનાં સુધારા-વધારા માટે અરજદારો કોર્પોરેશનની કચેરીએ આવી રહ્યા છે. રાજકોટ શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સુધારા-વધારા કરવા માટે આવતા હોવાનાં કારણે મહાપાલિકાને ગ્રાન્ટમાં પણ તકલીફ પડે છે. સરકાર દ્વારા પ્રતિ આધાર રૂ.૫૦ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ બહાર ગામથી અરજદારો રાજકોટમાં સુધારો-વધારો કરવા આવતા હોવાના કારણે પીનકોડ મેચ ન થતો હોવાને કારણે કોર્પોરેશનને આધાર માટેની પુરતી ગ્રાન્ટ મળતી નથી. હાલ ઓપરેટરોનાં પગાર સહિતનાં ખર્ચા આધારકાર્ડમાં સુધારા-વધારા માટે જે ફી વસુલ કરવામાં આવે છે તેમાંથી જ નિકળે છે.
હાલ ત્રણેય ઝોનમાં આધારની ૨૦ જેટલી કીટ છે પરંતુ તેમાંથી નિયમિત ૪ થી ૫ કીટમાં સોફટવેર એરરની સમસ્યા સર્જાતી હોવાનાં કારણે પ્રતિ દિન સરેરાશ ૧૫ જ કીટ કાર્યરત રહે છે. શહેરમાં ૧૦૦ ટકા આધારની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બહારગામથી લોકોનો સારો એવો ઘસારો રહેવાનાં કારણે આધાર કેન્દ્રની બહાર લોકોની લાંબી કતારો લાગે છે.