છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક રિપોર્ટ રજૂ ન કરનાર 321 અખબારોને પ્રાંત દ્વારા નોટિસ ફટકારાયા બાદ માત્ર 8 અખબારોએ જ રિપોર્ટ સબમિટ કર્યા : પ્રાંતે જિલ્લા કલેક્ટરને અહેવાલ સોંપ્યો, હવે કલેકટરના આદેશ બાદ ધડાકા થવાના એંધાણ
છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક રિપોર્ટ રજૂ ન કરનાર 321 અખબારોને અગાઉ પ્રાંત દ્વારા નોટિસ ફટકારાયા બાદ માત્ર 8 અખબારોએ જ રિપોર્ટ સબમિટ કર્યા છે. જેથી હવે અધધધ 317 અખબારો ઉપર કાર્યવાહી તોળાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અગાઉ માર્ચ મહિનામાં નિયમોનો ઉલાળીયો કરી છેલ્લા પાંચ વર્ષનાં વાર્ષિક હિસાબો રજુ નહિ કરનાર રાજકોટના 321 પ્રકાશનો-દૈનિકોને કલેકટર તંત્ર દ્વારા નોટીસ ફટકારાતા સનસનાટી મચી જવા પામી હતી છે. આ અખબારો પ્રકાશનોને આગામી તા.6 એપ્રિલ સુધીમાં સને 2021-22 સુધીનાં છેલ્લા પાંચ વર્ષનાં સમયગાળા દરમ્યાનનો વાર્ષિક રિપોર્ટ રજુ કરવા માટે તાકીદ કરી દેવામાં આવી હતી. તેની સાથોસાથ એવુ પણ જણાવવામાં આવેલ હતું કે આ 321 અખબારો (પ્રકાશકો)વાર્ષિક રિપોર્ટ રજુ નહિં કરે તો પબ્લિકેશન પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુકસ એકટ 1963 ની કલમ 8 (બી) હેઠળ તેઓના જાહેરનામાના ડેકલેરેશન પ્રકાશનને બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપી દેવામાં આવી હતી.
પ્રાંત અધિકારી કે.જે.ચૌધરી દ્વારા આ 321 અખબારોને નોટીસ ફટકારવામાં આવી હતી. અખબારોને કેન્દ્ર સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયને વાર્ષિક રિપોર્ટની વિગતો મોકલાવવી જરૂરી છે.પરંતુ કેટલાંક અખબારો નીતિનિયમોનો ઉલાળીયો કરી આ વાર્ષિક રિપોર્ટ કેન્દ્ર સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયને મોકલાવેલ ન હોય પાંચ વર્ષનો આ રિપોર્ટ મોકલવા માટે અલ્ટીમેટમ આપી દેવામાં આવેલ હતું.
આ અખબારોને પ્રાંત અધિકારી-1 ની કચેરી જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે 321 અખબારોએ તેમનો આ રિપોર્ટ સબમીટ કરાવી દેવા તાકીદ કરાય હતી. પણ માત્રને માત્ર 8 અખબારોએ જ રિપોર્ટ સબમિટ કરાવ્યા હોય હવે બાકીના 317 અખબારો વિરુદ્ધ કાર્યવાહી તોળાઈ રહી છે.
ડેકલેરેશન રદ કર્યા બાદ આરએનઆઈમાં રિપોર્ટ કરી નોંધણી પણ રદ કરાવાશે
સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર જે અખબારોનું ડેકલેરેશન રદ કરવામાં આવશે. તે અંગેની કાર્યવાહીનો રિપોર્ટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આરએનઆઈમાં પણ મોકલવામાં આવશે. જેના આધારે આરએનઆઈ તે અખબારની નોંધણી પણ રદ કરી દેશે.
મોટાભાગના અખબારો માત્ર નામના જ!
મળતી વિગત પ્રમાણે જે 321 અખબારો પાસેથી છેલ્લા 5 વર્ષના વાર્ષિક અહેવાલ માંગવામાં આવ્યા છે. તેમાંથી અમુક જ અખબારો રેગ્યુલર ચાલે છે. બાકીના મોટા ભાગના અખબારો માત્ર નામના જ છે. આ અખબારો માત્ર સરકારી ચોપડે જ બોલે છે. હકીકતમાં તે છપાતા પણ ન હોવાના અહેવાલો મળી રહ્યા છે. વધુમાં આમાંના અનેક અખબારો તો અલગ અલગ સમાજના સામાયિકો જેવા છે.