ગુજરાતમાં સિઝનનો 79.24 ટકા વરસાદ વરસી ગયો
ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 108 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ માત્ર દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. રાજયમાં અત્યાર સુધીમાં સિઝનનો 79.24 ટકા વરસાદ વરસી ગયો છે. હાલ કોઇ જ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે રાજયમાં હળવાથી મઘ્યમ વરસાદ પડવાની સંભાવના છે. વરાપ નિકળતા જગતાત ખેતી કામમાં પરોવાય ગયો છે.
ગઇકાલે મંગળવારે મોરવા હડફમાં 37 મીમી, સુબીરમાં 31 મીમી, કપરાડામાં 26 મીમી, લુણાવાડામાં 24 મીમી, શહેરામાં ર3 મીમી, ઉમરપાડામાં 17 મીમી, કલોલમાં 16 મીમી, અને ગણદેવીમાં 1પ મીમી વરસાદ વરસી ગયો હતો. અન્ય જિલ્લામાં માત્ર ઝાપટા પડયા હતા.
રાજયમાં આજ સુધીમાં સિઝનનો 79.24 ટકા વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 135.72 ટકા પડયો છે. ઉતર ગુજરાતમાં 66.6ર ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાઁ 63.07 ટકા, સૌરાષ્ટ્રમાં 109.23 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 69.23 ટકા વરસાદ વરસી ગયો હતો. આગામી બે દિવસ ભારે વરસાદની કોઇ જ શકયતા નથી.
રાજકોટ જિલ્લાના જળાશયોમાં 92 ટકા પાણી સંગ્રહિત
રાજકોટ જિલ્લામાં 114.34 ટકા વરસાદ વરસી ગયો છે. જિલ્લાના ર7 ડેમમાં 91.90 ટકા પાણી સંગ્રહિત છે. ભાદર સહિતના રર જળાશયો સતત ઓવરફલો થઇ રહ્યા છે. ભાદરનો 1 દરવાજો હજી 0.15 મીટર ખુલ્લો છે. મોરબી જિલ્લાના જળાશયોમાં 69.61 ટકા, જામનગર જીલ્લાના જળાશયોમાં 89.45 ટકા, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં 63.56 ટકા, સુરેન્દ્રનગર જીલ્લાના જળશયોમા: 60.62 ટકા પાણી સંગ્રહિત છે.