છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઇ 10 ઇંચ સુધી વરસાદ: ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં સવારથી વરસાદ
જુલાઇ માસના પ્રથમ પખવાડીયામાં જ મેઘરાજાએ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ વરસાવી દીધો છે. સૌરાષ્ટ્રમાં 55.12 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. 9 જિલ્લાઓમાં 50 થી 80 ટકાથી પણ વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લો હજુ અનરાધાર મેઘ મહેરની વાટ જોઇ રહ્યો છે. સુત્રાપાડા તાલુકામાં 43 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે વિંછીયા તાલુકામાં માત્ર 4॥ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે સવારથી ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક હળવા ઝાપટાથી લઇ 10 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે વેરાવળમાં 6 ઇંચ, તાલાલા, માણાવદર, કુતિયાણા તાલુકામાં પાંચ ઇંચ, રાણાવાવ, માળીયા હાટીનામાં ચાર ઇંચ, જેતપુર, ખંભાળીયા, ખાંભા, વંથલીમાં ત્રણ ઇંચ, પોરબંદર, જેસર, ઉના, કોડિનાર, રાજુલા અને વડીયામાં બે ઇંચ, જામ કંડોરણા, વાંકાનેર, ભેંસાણ, જૂનાગઢ, મેંદરડા, ગીર ગઢડા, સાવર કુંડલામાં દોઢ ઇંચ, કોટડા સાંગાણી, રાજકોટ, હળવદ, કલ્યાણપુર, દ્વારકા, વિસાવદર, જાફરાવદર, ધારી, અમરેલીમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.
પોરબંદર જિલ્લામાં સૌથી વધુ 80.16 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો 33.74 ટકા વરસાદ: સુત્રાપાડા તાલુકામાં 43 ઇંચ ખાબકી ગયો જ્યારે વિંછીયામાં માત્ર 4॥ ઇંચ જ વરસાદ
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પોરબંદર જિલ્લામાં સિઝનનો કુલ 80.16 જેટલો વરસી ગયો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 78.05 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 73.84 ટકા, જૂનાગઢ જિલ્લામાં 67.09 ટકા, જામનગર જિલ્લામાં 58.57 ટકા, રાજકોટ જિલ્લામાં 51.73 ટકા, મોરબી જિલ્લામાં 50.45 ટકા, બોટાદ જિલ્લામાં 55.12 ટકા, અમરેલી જિલ્લામાં 49.86 ટકા વરસાદ વરસી ગયો છે. ઝાલાવડ અને ગોહિલવાડમાં હજુ મેઘાની અછત ખેંચ વર્તાઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 33.74 ટકા જ વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગર જિલ્લામાં માત્ર 38.84 ટકા વરસાદ પડ્યો છે. આ બંને જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રના અન્ય નવ જિલ્લાઓમાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે.
38 જળાશયોમાં 6॥ ફૂટ સુધી પાણીની આવક
6 જળશયો સતત ઓવરફ્લો: 8 ડેમના દરવાજા હજુ ખોલાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક ચાલુ રહેવા પામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 38 જળાશયોમાં 6॥ ફૂટ સુધી નવા નીરની આવક થવા પામી છે. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ભાદર અને ન્યારી-1 ડેમમાં પણ નવું પાણી આવ્યું છે. 6 ડેમ સતત ઓવરફ્લો થઇ રહ્યા છે. જ્યારે આઠ ડેમના દરવાજા હજુ ખૂલ્લા રાખી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં 0.69 ફૂટ, મોજમાં 3.41 ફૂટ, વેણું-2માં 1.28 ફૂટ, આજી-3માં 0.49 ફૂટ, સોડવદરમાં 3.28 ફૂટ, સુરવોમાં 3.61 ફૂટ, વેરીમાં 0.03 ફૂટ, ન્યારી-1માં 0.82 ફૂટ, મોતીસરમાં 0.98 ફૂટ, ખોડાપીપરમાં 0.66 ફૂટ, છાપરવાડી-1માં 0.98 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.89 ફૂટ, ડેમી-1માં 0.89 ફૂટ, ડેમી-2માં 0.66 ફૂટ, જામનગર જિલ્લાના પન્ના ડેમમાં 0.26 ફૂટ, ફુલઝર-1 ડેમમાં 0.75 ફૂટ, ફૂલઝર-2 ડેમમાં 6.56 ફૂટ, ડાઇમીણસરમાં 1.05 ફૂટ, ઊંડ-1માં 0.33 ફૂટ, ઊંડ-2માં 0.82 ફૂટ, ફૂલઝર કોબામાં 1.87 ફૂટ, વગડીયામાં 0.23 ફૂટ, દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 1.08 ફૂટ, વર્તુ-1માં 0.82 ફૂટ, ગઢકીમાં 0.33 ફૂટ, વર્તુ-2માં 0.66 ફૂટ, સોનમતીમાં 3.28 ફૂટ, શેઢાભાડથરીમાં 0.66 ફૂટ, વેરાણી-1માં 0.82 ફૂટ, સિંધણીમાં 1.64 ફૂટ, કાબરકામાં 1.15 ફૂટ, વેરાણી-2માં 0.33 ફૂટ, મીણસારમાં 0.66 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-2માં 0.79 ફૂટ, ફલકુમાં 0.33 ફૂટ, ત્રિવેણી ઠાંગામાં 0.33 ફૂટ, પોરબંદર જિલ્લાના સોરઠીમાં 0.16 ફૂટ અને અમરેલીના સાકરોલી ડેમમાં 1.51 ફૂટ નવા પાણીની આવક થવા પામી છે. 6 જળાશયો ઓવરફ્લો થઇ રહ્યા છે. જ્યારે આઠ જળાશયો નિયત જળ સપાટી સુધી ભરાઇ જતા તેના દરવાજા ખોલી વધારાના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.