૧૩ થી ૨૩ વર્ષની યુવતીઓને જીવનની તમામ પરિસ્થિતિમાં સશકત અને સક્ષમ બનાવતો પ્રોજેકટ
સ્ત્રીના જીવનમાં આવતી તમામ અવસ્થાઓજેવી કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, મુગ્ધાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થા ખુબ જ મહત્વની હોય છે. કિશોરાવસ્થા વટાવીને તરુણાવસ્થામાં પ્રવેશતાંની સાથે જ સંતાનોમાં વિશ્વના વિશાળ ગગનમાં ઉડવાની અને નભને આંબવાની અદમ્ય ઈચ્છા થઈ આવે છે. આ સમયે માતા-પિતાઓને અનેક પ્રકારની ચિંતાઓસતાવતી હોય છે.આવા પ્રકારની ચિંતાઓનું વન સ્ટોપ સોલ્યુસન છે સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ જેને ભારતીય જૈન સંગઠન દ્વારા પ્રોફેશનલની ટીમરાખીને સંશોધન કરીને ઘડી કાઢવામાં આવ્યો છે.
તાજેતરમાં જ રાજકોટમાં ભારતીય જૈન સંગઠન દ્વારા સ્માર્ટ ગર્લ પ્રોજેકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં ગુજરાત સ્ટેટ હેડ દર્શનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, આ કોર્ષ ૨૦૦૯થી ચલાવવામાં આવે છે જેનું નામ એરપાવરમેન્ટ ઓફ ગર્લ્સ ટુ ફેસ સોશ્યલ ચેલેન્જ ઓફ ૨૧ સેન્ચ્યુરી હતું પરંતુ હાલમાં આજની જરૂરીયાતને ધ્યાને લઈને તેનું નામ સ્માર્ટગર્લ ટુ બી હેપ્પી- ટુ બી સ્ટ્રોંગ કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, હાલના સમયમાં તરુણો કરતા તરુણીઓ માટે આ સ્થિતિ વધુ ગંભીર છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે ત્યારે યુવતીઓને જીવનની તમામ પરિસ્થિતિમાં સશક્ત અને સક્ષમ બનાવે તેવા સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ થકી મુગ્ધાવસ્થામાં કોઈની જિંદગી અટવાય નહીં અને તેની સામે આવનારા પડકારોનો હિંમતપૂર્વક બહાદુરી મજબૂતી અને મક્કમતાથી તેનો સામનો કરી શકે તેની તબક્કાવાર તાલીમ આપવામાં આવે છે.
આ આખો કોર્ષ છ વિભાગોમાં વહેંચાયેલો છે જેમાં સેલ્ફ અવેરનેસ(સ્વ જાગૃતિ), કમ્યુનિકેશન એન્ડ રિલેશનશિપ (વાતચીત અને સંબંધ), મેનસ્ટ્રુએશન અને હાઈજીન (માસિક સ્રાવ અને સ્વચ્છતા), સેલ્ફ એસ્ટીમ (આત્મસન્માન),ચોઈસીસએન્ડ ડીસિઝન (પસંદગીઓ અને નિર્ણયો),ફ્રેન્ડશીપ એન્ડ ટેમ્પટેશન (મિત્રતા અને લાલચ) વગેરેનો સમાવેશ થાય છે.સમગ્ર પ્રોગ્રામ કે વર્કશોપનાઅંતમાં તરુણીઓ દ્વારા મળેલ ફીડબેક તેમના માતા-પિતા સાથે વહેંચવામાં આવે છે. માતા-પિતાને પણ વર્કશોપનો હિસ્સો બનાવી બે પેઢી વચ્ચેનું વૈચારિક અંતર દૂર કરી ભરોસો અને વિશ્વાસ સ્થાપન કરવાના પ્રયાસ આ પ્રોજેક્ટમાં કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં ૨૫૦૦ થી વધુ યુવતીઓએ રાજકોટમાં, ૬ હજાર જેટલી યુવતીઓએ સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં અંદાજિત ૫ લાખથી વધુ યુવતીઓએ તાલીમ બધ્ધ થઈ છે.
અમારા આ સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટમાં મેરેજ કાઉન્સેલીંગ, લાઈફ મેનેજમેન્ટ સહિતના તમામ મુદ્દા આવરી લેવામાં આવે. છે.આ પ્રોજેક્ટને આવનારા સમયમાં તાલુકા કક્ષાએ પણ શરુ કરવામાં આવશે. સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ અંતર્ગત સમાજના તમામ વર્ગોની ૧૩ થી ૨૩ વર્ષની ઉંમર ધરાવતી તમામ યુવતીઓને સમાવિષ્ટ કરવામાં આવે છે. જેની એક બેંચમાં અંદાજિત ૫૦-૬૦ છોકરીઓનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા વર્કશોપમાં ભાગ લેવાની ફી તદન નિશુલ્ક છે.