આવતીકાલે પતંગોત્સવથી ઉજવણીની શરૂઆત: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ૧૮મીએ અશ્ર્વ શો, મોડેલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ, હોપ કાર્યક્રમ, ખીરસરા જીઆઈડીસીના પ્લોટ એલોટમેન્ટ
ડ્રો, એર શો, સનદ વિતરણ, ૨૪મીએ શસ્ત્ર પ્રદર્શન, ફલાવર શો, ડ્રોન શો, લાઈટીંગ પ્રોજેકટનું લોકાર્પણ, દેશભકિતના ગીતોનો કાર્યક્રમ, ૨૫મીએ પુસ્તક મેળાનું ઉદઘાટન, કોર્પોરેશન-
રૂડાનાં કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત, યુવા સંમેલન, મહિલા સંમેલન, નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ, હસ્તકલા પર્વ, એટ હોર્મ, મેગા ઈવેન્ટ અને ૨૬મીએ મુખ્ય કાર્યક્રમ યોજાશે
પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થવાની છે. આ ઉજવણીનો આવતીકાલે પતંગ મહોત્સવના કાર્યક્રમમથી સતાવાર પ્રારંભ થઈ રહ્યો છે ત્યારબાદ ૨૬મી જાન્યુઆરી સુધી અધધધ ૭૪ જેટલા રંગારંગ કાર્યક્રમો યોજાવાના છે જેમાં ૨૦ જેટલા કાર્યક્રમો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાવાના છે. આ કાર્યક્રમો માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહનનાં માર્ગદર્શન હેઠળ તમામ સરકારી વિભાગો તૈયારીમાં લાગ્યા છે.
રાજકોટ જિલ્લામાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ભવ્ય ઉજવણી થવાની છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ૧૮મીએ ૬ કાર્યક્રમો યોજાનાર છે. સવારે ૯ થી ૯:૪૫ દરમિયાન પોપટપરા પોલીસ માઉન્ટેન ખાતે પોલીસ અધિક્ષકક અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા અશ્ર્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અશ્ર્વ શોમાં વિવિધ કરતબોનો નજારો જોવા મળવાનો છે. બાદમાં સવારે ૧૦ થી ૧૦:૧૫ દરમિયાન કલેકટર કચેરી સ્થિત મોડેન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. આ મોડેલ જનસેવા કેન્દ્રમાં એક છત નીચે કોર્પોરેટઢબથી અરજદારોને તમામ સેવાઓ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તાબડતોબ આ મોડેલ જનસેવા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારબાદ ૧૦:૩૦ થી ૧૧:૧૫ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પોલીસ કમિશનર કચેરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હોપ કાર્યક્રમ યોજાનાર છે.
બાદમાં ૧૧:૩૦ થી ૧૨:૧૫ દરમિયાન ખીરસરા ખાતે જીઆઈડીસીનાં પ્લોટ એલોટમેન્ટ ડ્રોનો કાર્યક્રમ રીજીયોનલ મેનેજર-જીઆઈડીસી દ્વારા યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં અંદાજે ૩૦૦૦થી વધુ ઉધોગપતિ સહિતનાં લોકોની ઉપસ્થિતિ રહેવાની છે. બપોરે ૪:૦૦ થી ૪:૪૫ દરમિયાન ન્યુ રેસકોર્સ ખાતે સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ દ્વારા એર-શોનો જાંજરમાન કાર્યક્રમ યોજાનાર છે જેમાં અંદાજે ૫૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહીને પ્લેનનાં વિવિધ કરતબોનો નજારો માણવાના છે. ત્યારબાદ ૫ થી ૫:૪૫ દરમિયાન હેમુગઢવી હોલ ખાતે કલેકટર તંત્ર દ્વારા સુચિત સોસાયટીનાં ધારકોને સનદ વિતરણ તથા વિચરતી જાતીનાં લાભાર્થીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાશે. તા.૨૪નાં રોજ ૬ થી ૬:૨૫ દરમિયાન ચૌધરી હાઈસ્કુલનાં મેદાનમાં પોલીસ કમિશનર કચેરી દ્વારા શસ્ત્ર પ્રદર્શન તથા મસાલ પીટીનાં કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ યોજાશે જેમાં અંદાજે ૩૦૦૦થી વધુ લોકોની મેદની જામશે બાદમાં ૬:૩૦ થી ૬:૫૫ કલાકે માધવરાય ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં ફલાવર-શોનું ઉદઘાટન કરવામાં આવશે ત્યારબાદ ૭:૦૦ થી ૭:૨૦ દરમિયાન તે જ સ્થળે ડ્રોન શોનો કાર્યક્રમ મુખ્યમંત્રી નિહાળશે. ૭:૨૫ થી ૭:૩૫ રેસકોર્સ રીંગ રોડ ખાતે લાઈટીંગ પ્રોજેકટનું લોકાર્પણ તથા સેલ્ફ ફાયનાન્સ સ્કુલોનાં કાર્નિવલનું ઉદઘાટન કરવામાં આવશે. જેમાં અંદાજે ૨૫,૦૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિ રહેશે. ૮:૩૦ થી ૧૦:૦૦ દરમિયાન વિરાણી હાઈસ્કુલના મેદાનમાં મહાપાલિકા આયોજીત જુના તથા દેશભકિતના ગીતોનો જાજરમાન કાર્યક્રમ યોજાશે જેમાં અંદાજે ૧૨૦૦૦થી વધુ લોકોની હાજરી રહેશે.
તા.૨૫નાં રોજ ૯ થી ૯:૪૫ દરમિયાન ડી.એચ. કોલેજનાં ગ્રાઉન્ડમાં પુસ્તક મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. ૧૦ થી ૧૦:૪૫ દરમિયાન કોર્પોરેશન તથા રૂડાનાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તોનો કાર્યક્રમ યોજાશે. ૧૧ થી ૧૧:૪૫ દરમિયાન આત્મીય કોલેજ ખાતે યુવા સંમેલન તથા સરકારની વિવિધ યુવાલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવશે જેમાં અંદાજે ૮૦૦૦થી વધુ યુવાઓ ઉપસ્થિત રહેવાના છે. ૧૨:૩૦ થી ૧:૧૫ ગોંડલ ખાતે બીએપીએસ મંદિરનાં પટાંગણમાં મહિલા સંમેલન યોજાનાર છે. જેમાં ૭૦૦૦ જેટલી મહિલાઓ હાજરી આપશે. ૩:૦૦ થી ૩:૨૫ દરમિયાન નવનિર્મિત રાજકોટ બસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે બાદમાં ૩:૩૦ થી ૪:૦૦ દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે હસ્તકળા પર્વને ખુલ્લુ મુકવામાં આવશે ત્યારપછી ૪:૩૦ થી ૫:૧૫ દરમિયાન મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે કલેકટર તંત્ર દ્વારા એટ હોમ કાર્યક્રમ યોજાશે. બાદમાં ૭ થી ૯ વાગ્યા દરમિયાન વિરાણી હાઈસ્કુલ મેદાનમાં મેગા ઈવેન્ટ યોજાનાર છે જેમાં અંદાજે ૧૫,૦૦૦થી વધુની મેદની ઉમટશે. તા.૨૬નાં સવારે ૯ કલાકે રેસકોર્સ ખાતે પ્રજાસતાક પર્વની મુખ્ય ઉજવણી થવાની છે જેમાં અંદાજે ૨૫,૦૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહેશે.