ઉત્તર પ્રદેશ ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ: લખીમપુર ખીરીમાં સૌથી વધુ મતદાન

અબતક, લખનૌ

ઉત્તર પ્રદેશની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. સાંજે પાંચ વાગ્યા સુધી 57.45 ટકા મતદાન થયું છે. લખીમપુર ખીરીમાં સૌથી વધુ 62.42 ટકા મતદાન થયુ છે. ત્યારબાદ પીલીભીતમાં 61.33 ટકા અને રાયબરેલીમાં 58.40 ટકા મતદાન થયું છે. ત્યારે હાલ યુપીમાં રાજકારણ નો રૂખ પલટાતો નજરે પડી રહ્યો છે. અગાઉ જે રાજ્યની ચૂંટણીનો મુખ્ય મુદ્દો જ જ્ઞાતિ-જાતિ આધારિત જોવા મળતો હતો તે હવે ક્યાંય જ્ઞાતિ-જાતિના સમીકરણોથી દુર થતું નજરે પડી રહ્યું છે. જેની સૂચક ઘટના સામે આવી છે. જેમાં બસપા સુપ્રીમો અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનો મહત્વપૂર્ણ બની ગયા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટે બુધવારે સવારે બૂથ પર પહોંચેલી બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા છે. અમિત શાહ તરફથી બીએસપીને મજબૂત ગણાવાના સવાલ પર માયાવતીએ કહ્યું કે, આ તેમની મહાનતા છે, તેમણે સચ્ચાઈ સ્વિકારી છે. માયાવતીએ એવું પણ કહ્યું કે, ફકત દલિતો અને મુસલમાનોના જ નહીં, પણ તમામ વર્ગના વોટ તેમની પાર્ટીને મળી રહ્યા છે.લખનઉના માલ એવન્યૂ સ્થિત બૂથ પર વોટ નાખ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માયાવતીએ કહ્યું કે, આજે ચોથા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. મારી મતદારોને અપીલ છે કે, આ લોકતંત્રનો ઉત્સવ છે અને વોટ આપવા માટે જરૂરથી બહાર આવવું જોઈએ. આપનો એક એક વોટ ખૂબ જ કિંમતી છે. ખાસકરીને નબળા વર્ગના લોકોને કહેવા માગુ છુ કે, પરમ પૂજય ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અથાક પ્રયત્નોથી વોટ આપવાનો અધિકાર મળ્યો છે, એટલા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. આમ તો મારી દરેક મતદારોને અપીલ છે કે, લોકતંત્રને મજબૂત કરવા માટે વોટ આપવો જરૂરી છે.

અમિતભાઇ શાહને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં બસપા સુપ્રીમોએ કહ્યું કે, હું સમજુ છું કે, આ તેમની મહાનતા છે કે તેમણે સચ્ચાઈનો સ્વિકાર કર્યો છે. પણ હું તેમને એ પણ કહેવા માગુ છુ કે, સમગ્ર ઉત્તર પ્રદેશમાં બીએસપી એકલા દલિતો અને મુસલમાનોની જ નહીં, પણ અતિ પછાત અને સવર્ણ સમાજ એટલે કે, સર્વ સમાજના મત બીએસપીને મળી રહ્યા છે.હાલમાં જ એક ટીવી ઈંટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે, માયાવતીએ પોતાના પ્રાસંગિકતા ખોઈ દીધી નથી. તેમની પાર્ટીને ઉત્તર પ્રદેશમાં વોટ મળશે. બસપાએ પોતાની પ્રાસંગિકતા બનાવી રાખી છે. મને વિશ્વાસ છે કે, તેમને વોટ મળશે. માયાવતીએ જમીન પર પકડ બનાવી રાખી છે. મને એ નથી ખબર કે, તેમને કેટલી સીટો મળશે, પણ મજબૂત પકડ હાલમાં પણ છે.

મુસ્લિમ વોટ પણ મોટી સંખ્યામાં માયાવતી સાથે છે. જયારે શાહને પૂછવામાં આવ્યું કે, શું તેનાથી ભાજપને ફાયદો થશે. તો તેમણે કહ્યું કે, મને નથી ખબર કે, તેનાથી ભાજપને ફાયદો થશે કે નુકસાન. આ એ સીટ પર નિર્ભર કરે છે, પણ એ સાચુ નથી કે, માયાવતીનું રેલવેંસ ખતમ થઈ ચુકયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.