વેપારી પાસેથી 99 કિલો ચાંદી મંગાવી પેમેન્ટ સમયે હાથ ઉચા કરી દેતા બંને સામે નોંધાતો ગુનો
રાજકોટ દીન પ્રતિદિન છેતરપિંડીના બનાવો વધવા પામ્યા છે.ત્યારે સંતકબીર રોડ ઉપર રહેતા અને ઘરેથી જ ચાંદીના ઘરેણા બનાવવાનું કામ કરતાં જવેલર્સ પાસેથી યુ.પીની બેલડીએ 99 કિલો ચાંદી મંગાવી પેમેન્ટ સમયે હાથ ઉચા કરી 26.40 લાખનું બૂચ મારી દેતા બી-ડિવિઝન પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ સંતકબીર રોડ ઉપર ગોવિંદબાગ શાક માર્કેટની બાજુમાં એક્સિસ બેન્કની ઉપર ક્રિષ્ના પેલેસ નામના મકાનમાં રહેતાં કિશોરભાઈ મેઘજીભાઈ કેરાળીયા (ઉ.વ.50) એ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઘણા લાંબા સમયથી ઘરેથી જ એમ.એસ.કે.જ્વેલર્સ આર્ટ પ્રા.લિ. નામે ચાંદીનો વેપાર કરી રહ્યા છે.વર્ષ-2021માં તેમનો પરિચય ઉત્તરપ્રદેશના બનારસ ખાતે અનુપ વર્મા અને અરવિંદ વર્મા સાથે થયો હતો.
આ દરમિયાન બનારસમાં ચાંદીના ઘરેણાનું એક્ઝિબિશન હોવાથી કિશોરભાઈ અનુપ અને અરવિંદને મળ્યા હતા.બન્નેએ તેમને કહ્યું હતું કે અમારે તમારી સાથે વેપાર કરવો છે. જેથી કિશોરભાઈ કેરાળીયાએ હા પાડી હતી. આ પછી ચાંદીના ઘરેણાના સેમ્પલ પણ કિશોરભાઈએ આપ્યા હતા. ત્યારબાદ દિવાળી ઉપર અનુપ વર્મા રાજકોટ આવ્યો હતો અને તા.11-11-2021ના તેમને 99 કિલો ચાંદીનો માલ કે જેની કિંમત રૂ. 39,40,251 રૂપિયા થાય છે તે આપ્યો હતો.
આ ચાંદી 60 ટચનું હતું જેની બિલ પણ કિશોરભાઈ પાસે ઉપલબ્ધ છે. 99 કિલો ચાંદી આપ્યા બાદ તેનું પેમેન્ટ 30 દિવસની અંદર કરવાનું હતું જે સમયગાળો પૂર્ણ થતાં અનુપ અને અરવિંદ વર્મા પાસે પૈસાની ઉઘરાણી કરી ત્યારે બન્નેએ વધુ માલની માંગણી કરી હતી પરંતુ કિશોરભાઈ કેરાળિયાએ પહેલાં આગલો હિસાબ ક્લિયર કરવાનું કહેતા તા.03-12-2021ના સાત લાખ રૂપિયા આરટીજીએસથી આપ્યા હતા. આ પછી તા.05-01-2022ના ત્રણ લાખ અને ત્યારબાદ તા.21.2.2022ના ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.
આમ કુલ 13 લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું પરંતુ બાકી નીકળતા 26,40,251 રૂપિયાની ઉઘરાણી કરતા જ બન્ને બહાના કાઢવા લાગ્યા હતા. અરવિંદ વર્માની દેવાંશ નામની જ્વેલર્સ પેઢી આવેલી છે જેનો વહીવટ અનુપ વર્મા સંભાળે છે. આટલું ઓછું હોય તેમ ફેબ્રુઆરીમાં અનુપ વર્મા અને અરવિંદ વર્મા અમને તેઓ પાસે નીકળતા અમારા પૈસા ન આપવા પડે તે ઈરાદે અમારા જીએસટી નંબરના આધારે રૂ. 26,40,251નું બિલ ફાડી નાખ્યું હતું. આમ કરીને બન્નેએ રાજકોટના વેપારી સાથે 26.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરતાં બી-ડિવિઝન પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાયેવાહી હાથધરી છે.\