દાન-પૂન્યની સાથે સાથે પતંગનું મહત્વ ધરાવતો મકરસક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પતંગ-દોરા, ફીરકીના દર્શન થઇ રહ્યા છે.
મકર સક્રાંતિ પર્વે પતંગ રશિયાઓ માટે દોરા (માંજો) ફીરકીની પૂર્વ તૈયારીઓ
જો કે રાજકોટમાં પતંગ રસીયાઓ માટે અત્યારથી જ શહેરના સદર બજાર, સોરઠીયાવાડી સર્કલ, મવડી પ્લોટ, એસ્ટ્રોન ચોકના નાલા પાસે, નાણાવટી ચોક વગેરે સ્થળોએ દોરા પાવાનું કુશળ કારીગરો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે, રાજકોટમાં દોરા પાવામાં યુ.પી.ના કારીગરોનો દબદબો રહ્યો છે. શહેરમાં અંદાજે 50 જેટલા કારીગરો જુદા-જુદા વિસ્તારોમાં દોરા પાવાનું કામ કરી રહ્યા છે.
સદર બજાર ખાતે દોરા પાવાનું કામ કરી રહેલા યુ.પી.ના પ્રભુ દેવાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે મારા ભાઇ, ભત્રીજા, દીકરા સહિતનો અમારો પરિવાર યુ.પી.ના કાનપુર ખાતે બારેમાસ દોરા પાવાનું કામ કરીએ છીએ. કારણ કે ત્યાં અમારો ધંધો કાયમ ચાલતો હોય છે અને તેમાંથી અમારો જીવન નિર્વાહ ચાલે છે. પરંતુ ગુજરાતમાં મકરસંક્રાંતિમાં પતંગનું મહત્વ વધારે હોય અને વધુ રોજી રળવા માટે રાજકોટ ખાતે દિવાળી બાદ બે માસ માટે આવી અહિં દોરા પાવાનું કામ કરીએ છીએ અને એક દિવસમાં 90 થી 100 ફીરકીના દોરા પવાય એ રીતે ગણતરી હોય છે. જો કે, રાજકોટ શહેરમાં મોંઘવારીનું પ્રમાણ વધુ હોવાનું તેઓએ જણાવી અને કહ્યું કે પહેલા જેવો આ ધંધામાં માર્જીન હોતો નથી છતાં મહેનતના પ્રમાણમાં વળતર મળી રહે છે.